Abtak Media Google News

ખંભાલીડાના બે ખેડૂતો પાસેથી સીસીઆઈના અધિકારીઓની હાજરીમાં કપાસ ખરીદ્યા બાદ ઉતારો ઓછા આવાનું કહી હજારો રૂપીયા કાપી લીધા

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં જીનીંગ મીલોના સંચાલકો ઠાગાઠૈયા કરી રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. અધિકારીઓની હાજરીમાં કપાસની ખરીદી કર્યા બાદ ખેડૂતોને પેમેન્ટ ચૂકવતી વખતે આડેધડ કાપકૂપ કરવામાં આવી હોવાનો બનાવ ખંભાલીડામાં બન્યો છે.

સરકાર દ્વારા કપાસની ટેકાનાં ભાવે કપાસની ખરીદી જીનીંગમીલ દ્વારા અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી રહી છે. ખંભાલીડા ગામનાં બે ખેડૂતો મનસુખભાઇ સામજી ગડારા અને રોહીતભાઇ સમજીભાઇ દ્વારા ધ્રોલનાં જાયવા ગામ પાસે આવેલ એન્જલ જીનીંગ મીલમાં ટેકાનાં ભાવે કપાસ ઉતારવામાં આવ્યો હતો. કપાસ અડધો ઉતરી ગયો હતો ત્યારે જીનીંગ મીલ માંથી કપાસ પરત લઇ જવા ફોન આવ્યો ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. કપાસ પાછો લઇ જવાથી ખર્ચ પણ વધી જતો હોવાથી મીલવાળાને કપાસ ત્યાં જ ઉતારી લેવા કહ્યું હતું. ત્યારબાદ બીજા દીવસે ખેડૂતો બીલની રકમ લેવા ગયા ત્યારે મનસુખભાઇને ૧૯૨ મણ કપાસ માંથી મણે ૩ કિલો કાપી ૧૬૨ મણનાં રુપિયા ૧૧૦૦ લેખે રુપિયા ૧૭૮૭૫૦/- ચુકવ્યા હતાં. તેમાંથી ૩૦ મણ કપાસનાં ૧૧૦૦ લેખે ૩૩૦૦/- રુપિયા કાપી લીધા હતાં. જયારે રોહીતભાઇનાં ૨૩૪ મણ કપાસમાંથી ૨૨૧ મણ કપાસનાં ૧૧ મણ કપાસ કાપી રુપિયા ૨.૨૦લાખ ચુકવ્યા હતાં. તેનાં ૧૩ મણ કપાસનાં ૧૪૩૦૦/- કાપી લીધા હતાં. બંને ખેડૂતોએ આગેવાનોને આ બાબતે રજુઆતો કરી પરંતુ કોઇએ ધ્યાન ન આપતા અંતે ધ્રોલ તાલુકા ભાજપનાં પૂર્વ પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ જાડેજાને આખી વાત કહી હતી.

રાજેન્દ્રસિંહે ખેડૂતો અને મીડીયાને સાથે રાખી જીનીંગ મીલે ગયા હતાં. સીસીઆઇનાં અધિકારી અને મીલમાલિકને ખેડૂતોનાં કપાસનાં વજન કાપવા બાબતે પુછપરછ કરતાં મીલ માલીક અને અધિકારી ગોળ ગોળ જવાબ આપવા લાગ્યા હતાં. અંતે નમતુ જોખી ખેડૂતોને બાકીની કાપેલી રકમ ચૂકતે કરી હતી. ઉતારો પણ સરકારનાં નીયમ મુજબ ૩૪નો હતો. અડધી ગાડી ખાલી થઇ ત્યારે મને જીનવાળાએ ફોન કર્યો કે તમારો કપાસ ખરાબ છે. પછી સમજાવટ કરી અને કપાસ ત્યાં જ ઉતારવાનું નક્કિ કર્યું તો મારો ખોટી રીતે મણે એક કીલો લેખે ૨૯ મણ કપાસનાં ૩૩ હજાર રુપિયા કાપીને પૈસા ચુકવ્યા. રાજભાએ જીનવાળાને પુછતા તેમણે જવાબ આપી શકયા ન હતાં. અંતે કાપેલા કપાસના પૈસા ચુકવ્યા હતાં.

Img 20200605 Wa0003 1

ખેડૂતો-મીલ માલિકોને સાથે બેસાડી પ્રશ્નો નિકાલ કરાયો: યાજ્ઞીક સોનારીયા

ખંભાલીડા ગામનાં બે ખેડૂતોનાં એન્જલ જીનીંગમાં આવેલ કપાસનો ઉતારો બરોબર હતો. તેનાં કપાસ નબળો હોય તેનું વજન કાપવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો તેનું ખેડૂત અને મીલમાલિક સાથે બેસી પ્રશ્નનો નિકાલ કરાયો હતો. (યાજ્ઞિકભાઇ સોનારીયા, સીસીઆઇ. આસી.કોમ.એજયુકેટીવ)એ જણાયું હતું.

ખેડૂતોની પરસેવાની કમાણી પડાવી લેતા ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરી દેવા જોઈએ: રાજભા જાડેજા

Rajbha

જામનગર જિલ્લાનાં મોરારીદાસ ખંભાળિયા ગામના પાટીદાર ખેડુત એવા ગડારા રોહિત કરમશીભાઈઅને મનસુખભાઈ શામજીભાઈ ગડારા નામના ખેડુતો સાથે ટેકાના ભાવે કપાસની ખરીદી કરતા કેન્દ્ર એન્જલ કોટન (જાયવા) દ્વારા છેતરપીંડી આચરવામાં આવી છે. આ અંગે ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુકે છેતરપિંડીનો ભોગ બનેલા એક ખેડુત પાસેથી મણ દીઠ ત્રણ કિલો એટલે કે ૧૯૨ મણ કપાસમાં ૧૬૨ મણ કપાસનું બીલ બનાવી ઉપરનો ૩૦ કિલો કપાસ તેમજ રૂા.૩૩૦૦૦ કાપી લેવામાં આવ્યા જયારે બીજા ખેડુતના રૂા.૧૪૩૦૦ કાપી લેવાયા આમ જિનીંગ મીલો અને અધિકારીઓ યેનકેન પ્રકારે ખેડૂતોની પરસેવાનીકમાણી પડાવી લે છે. અને પોતે એસી, બંગલા અને ગાડીઓમાં ફરે છે. અને ખેડુત બિચારો મહેનત કરે છે. પણ પૂરૂ વળતર મળતું નથી તેમ જણાવ્યું હતુ વધુમાં આવા અધિકારીઓ સામે તપાસ કરાવી તેને ગેરરીતિ સામે લાવી સરકારે આવા ભ્રષ્ટાચારીઓને ઘરભેગા કરી દેવા જોઈએ.

અધિકારીઓની છત્રછાયા નીચે તેમજ જિન માલિકો અને અધિકારીઓની મિલિભગતથી આવા કૌભાંડો થઈ રહ્યા છે. એક ગાડી દીઠ આશરે રૂા.૩૦ થી ૩૫ હજાર કાપી લેવામાં આવતા હોવાનું જણાઈ રહ્યું છે. સરકારે ખેડુતોના હિતમા યોગ્ય તપાસ હાથ ધરી આવા ભ્રષ્ટાચારીઓને ઘેર ભેગા કરી દેવા જોઈએ તેમ અંતમાં જણાવ્યું હતુ.

આ સ્ટોરીને વિડીયો ફોર્મેટમાં જોવા માટે https://www.facebook.com/watch/?v=179486636818539

રિપોર્ટર: સંજય ડાંગર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.