Abtak Media Google News

વરસાદ ખેંચાતા પાણી વિતરણ વ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી: ન્યુ રાજકોટના વોર્ડ નં.૧ (પાર્ટ),૨ (પાર્ટ),૩ (પાર્ટ),૮ (પાર્ટ),૯ (પાર્ટ),૧૦ (પાર્ટ), ૧૧ (પાર્ટ) અને ૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે

ગત સપ્તાહે મહાપાલિકામાં નવા શાસકોની વરણી કરવામાં આવી છે. નવા શાસકોએ શહેરીજનોને આવતાની સાથે જ પાણીકાપની સોગાદ આપી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ ખેંચાવવાના કારણે શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી જવા પામી છે. વાલ્વ બદલવાની કામગીરી સબબ આગામી સોમવારે શહેરના ૮ વોર્ડમાં પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. સોમવારે ન્યુ રાજકોટમાં લાખો લોકો તરસ્યા રહેશે.

રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર ૬૦૦ એમ.એમ. ડાયામીટરનો વાલ્વ બદલાવવાની કામગીરી, ન્યારા હેડ વર્કસ પર સ્કાડા ફેઈઝ-૩ અંતર્ગત ફલો મીટર ઈન્સ્ટોલ કરવાની કામગીરી અને ન્યારા રૈયાધાર પાણી ટ્રાન્સફર પાઈપલાઈન પર ૯૦૦ એમ.એમ. ડાયામીટર વાલ્વ બદલાવવાની કામગીરી હાથ ધરવાની હોય આગામી તા.૨૫ જુનને સોમવારના રોજ વેસ્ટ ઝોન કચેરી હેઠળ આવતા રૈયા ફિલ્ટર આધારીત ગાંધીગ્રામ તથા ૧૫૦ ફુટ રીંગ રોડ પરના વોર્ડ નં.૧ (પાર્ટ), વોર્ડ નં.૨ (પાર્ટ), વોર્ડ નં.૯ (પાર્ટ) અને વોર્ડ નં.૧૦ (પાર્ટ)ના વિસ્તારો ચંદ્રેશનગર હેડ વર્કસ આધારીત વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)ના વિસ્તારો, પોપટપરા, રેલનગર હેડ વર્કસ આધારીત વોર્ડ નં.૩ (પાર્ટ)ના વિસ્તારો બજરંગવાડી હેડ વર્કસ આધારીત વોર્ડ નં.૨ (પાર્ટ) અને વોર્ડ નં.૩ (પાર્ટ)ના વિસ્તારો તથા મવડી (પુનિતનગર હેડ વર્કસ) આધારીત વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ) અને વોર્ડ નં.૧૧ (પાર્ટ)ના વિસ્તારો જયાં બપોરે ૨:૦૦ વાગ્યા પછી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં સોમવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.

જાગનાથમાં મચ્છરોના લારવાવાળુ પાણી વિતરણ

શહેરના વોર્ડ નં.૭માં આવેલા જાગનાથ વિસ્તારમાં છેલ્લા એકાદ માસથી મચ્છરોના લારવાવાળુ પાણી વિતરણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ અંગે સ્થાનિક લતાવાસીઓ દ્વારા મ્યુનિ.કમિશનર તથા વોર્ડના ચારેય કોર્પોરેટરોને લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સમસ્યાનો નિકાલ થયો નથી. પીવાના પાણીમાં મચ્છરોના લારવા આવતા હોવાના કારણે ભયંકર રોગચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થઈ છે. વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ પર ૩/૧૦ જાગનાથ પ્લોટમાં સ્ટાર હાર્મની એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીમાં મચ્છરોના લારવા હોય છે. આ અંગે કિશોરભાઈ ડી.સોલંકી નામના વ્યકિતએ ગત ૨૮મી મેના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને વોર્ડ નં.૭ના કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ, અજયભાઈ પરમાર, મીનાબેન પારેખ અને હિરલબેન મહેતાએ લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં આજસુધી સમસ્યાનો નિકાલ થયો નથી અને વિસ્તારમાં હજી પીવાના પાણીમાં મચ્છરોના લારવા તરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.