વિદેશી રોકાણકારો માટે ભેટ સ્વરૂપ બની જશે ‘ગિફટ સિટી’

કોરોનાએ બદલી દુનીયા નાણાકીય સંસ્થાઓને આવકારવા ગુજરાતને વિપુલ તકો

દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને મજબુત બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હાલ વિશ્વમાં જુજ જ એવા નાના દેશો છે કે જે આર્થિક કેપીટલ અથવા તો આર્થિક હબ તરીકે પ્રસ્થાપિત થયા હોય જેમાં હોંગકોંગનું પણ નામ સમાવિષ્ટ થાય છે. હોંગકોંગમાં કોઈ ઉધોગો પ્રસ્થાપિત થયા નથી. માત્રને માત્ર નાણાકિય સંસ્થાઓ જ જોવા મળે છે. આજ પ્રકારે ભારતની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે નાણાકિય સંસ્થાઓને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યું છે જેનાં માટે સરકારે અમદાવાદ, ગાંધીનગર હાઈવે પર આવેલા ગીફટ સીટીનાં ઈકોનોમિક સ્પેશિયલ ઝોનમાં ૨૮ નાણાકિય સંસ્થાઓને પોતાનો વ્યવસાય સ્થાપવા માટેની પરવાનગી આપી દીધેલી છે.

ગુજરાત રાજય સરકાર  અને કેન્દ્ર સરકારનાં સંયુકત ઉપક્રમે હોંગકોંગનાં રોકાણકારોને પણ ગીફટ સીટીમાં પોતાની નાણાકિય સંસ્થા સ્થાપિત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જે પગલાઓ હાલ લેવામાં આવે છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે, નાણાકિય સંસ્થાઓને વિકસિત કરવા તથા તેને બેઠી કરવા માટે ગુજરાત પાસે વિપુલ તકો રહેલી છે. હાલ વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખાનાં ધંધા-રોજગારો અને ઉધોગો પર માઠી અસર સર્જી છે ત્યારે આજ કોરોનાએ ભારત દેશને પણ બદલી નાખ્યો છે. વિશ્વ આખાને જે ભરોસો ચાઈના ઉપર જોવા મળતો હતો તે હવે ભારત તરફ જોવા મળી રહ્યો છે. આ તમામ સ્થિતિને અનુસરી ભારત દેશ આ તકને કેવી રીતે ઝડપશે તે પણ એટલું જ મહત્વનું છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ટરનેશનલ ફાયનાન્શીયલ સર્વિસ સેન્ટર ઓથોરીટીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે અને જણાવાયું છે કે, કેવી રીતે આઈએફએસસી સંસ્થા ગુજરાતમાં આવી પોતાની નાણાકિય સંસ્થાઓને સ્થાપે બીજી તરફ સરકારને આશાવાદ પણ છે કે, વિદેશી રોકાણ પણ પુરતા પ્રમાણમાં ગુજરાત રાજયમાં જોવા મળશે જે રાજય તથા દેશને પુરતા પ્રમાણમાં ફાયદો અપાવી શકશે. સરકારે ઈન્ટરનેશનલ ફાયનાન્સીયલ સર્વિસ સેન્ટર ઓથોરીટીનાં ચેરપર્સન તરીકે ભૂતપૂર્વ કોર્પોરેટ અફેર સેક્રેટરી ઈન્જેતી શ્રીનિવાસને પ્રથમ ચેરમેન તરીકે નિયુકત કર્યા છે જે વિદેશથી કેવી રીતે રોકાણકારોને ભારતમાં આકર્ષી શકાય અથવા દેશમાં વિદેશી રોકાણ પુરતા પ્રમાણમાં કેવી રીતે લાવી શકાય તે દિશામાં કાર્ય કરાશે. હાલ હોંગકોંગમાં પણ ઘણીખરી રીતે કંપનીઓની આર્થિક સ્થિતિ નબળી જોવા મળી રહી છે ત્યારે જે અસ્થાયી ઉધોગો હોંગકોંગમાં છે તેને ભારતમાં અને સવિશેષ ગુજરાત રાજયમાં સ્થાપિત કરવા માટેનાં પુરતા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જે નાણાકિય સંસ્થાઓ ગીફટ સીટીમાં રોકાણ કરશે તો સરકાર તેઓને અનેકવિધ રીતે લાભાન્વિત પણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

Loading...