Abtak Media Google News

ગુજરાત ગેસ કંપની દ્વારા ચાલાકી પૂર્વક ભાવ વધારો ઝીકી દેવાયો : ટેક્સનો ચાંદલો અલગથી

મોરબીના સિરામિક ઉદ્યોગને નોટબંધી, જીએસટીના બેવડા ફટકા બાદ રહી સહી કસર બાકી હોય તેમ ગુજરાત ગેસ કંપનીએ કાચબા ગતિએ ભાવ વધારી ધીમે – ધીમે કરતા છ મહિનામાં ૫.૬૪ નો ભાવ વધારો ઝીકતા સિરામિક ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો છે, જો કે સીરામીક ઉધોગકારોને આ ભાવ વધારાનો ડામ હસતા મોઢે સહન કર્યા સિવાય છૂટકો ન હોવાથી સીરામીક ઉદ્યોગને પડ્યા ઉપર પાટુ તેવો ઘાટ સર્જાયો છે.

મોરબીના સિરામિક ઉદ્યોગને પાઇપલાઇન મારફતે ગેસ પહોંચાડી સરકારે સુવિધાની સાથે સાથે મુશ્કેલી પણ વધારી હોય તેવા ઘાટ વચ્ચે સિરામિક ઉદ્યોગની મજબૂરી પારખી ગયેલ ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગકારોને રીતસર લૂંટવા માટે છેલ્લા છ માહિનાઘી અભિયાન શરૂ કર્યું હોય તેમ ધીમે – ધીમે ભાવ વધારો કરી જોર ક ઝટકા ધીરે સે આપવાની નીતિ અખત્યાર કરી છે.

ગુજરાત ગેસ કંપનીની ચાલ જોઈએ તો ડિસેમ્બર ૨૦૧૭ માં રૂ. ૨૪.૩૧ પૈસામાં પ્રતિ એસ્ક્યુએમના ભાવે મળતો ઇન્ડસ્ટ્રીયલ પાઇપ લાઈન ગેસ ડિસેમ્બર માસની તારીખ ૨૩ થી ૩૧ ના ગાળામાં રૂ.૨.૪૪ વધારી રૂ.૨૬.૭૫ પૈસાનો ભાવ કરી નાખ્યો ત્યાર બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા સતત ભાવ વધારી જૂન માસના પ્રારંભમાં જ પ્રતિ એસ્ક્યુએમ ગેસનો ભાવ રૂ. ૩૦ ને આંબી જાય તેમ રૂ.૨૯.૯૫ કરી નાખ્યા છે. આ ઉપરાંત ગેસ કંપની દ્વારા ગેસનો ભાવ વધારો કરવાથી ઉદ્યોગકારોને ટેક્સમાં પણ ભાવ વધારાની અસર રૂપે વધુ નાણાં ચૂકવવા પડે છે.

જો કે છેલ્લા છ મહિનામા જ ગેસના ભાવમાં  ગુજરાત ગેસ કંપનીએ ૨૦ ટકા જેટલો તોતિંગ ભાવ વધારો કર્યો હોવા છતાં ઉદ્યોગકારો મજબૂરીનું બીજું નામ મહાત્મા સમજી ઉદ્યોગકારો હાલ તો ગુજરાત ગેસ કંપનીના ભાવ વધારાને ચૂપચાપ સહન કરી રહ્યા છે તો કેટલાક ઉદ્યોગકારો આવા ભાવવધારાની ચિંતા કરવા કરતાં સસ્તો કોલ ગેસ વાપરવાનું મુનાસીબ માની રહ્યા છે.

જ્યારે બીજું બાજુ તીવ્ર હરીફાઈ અને ભારે મંદીના માહોલમાં સતત ઘટતાં નફાની વચ્ચે જો આ રીતે જ ગેસના ભાવ વધશે તો સીરામીક ઉદ્યોગના અસ્તિત્વ સામે જ પ્રશ્નાર્થ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તો પણ નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.