બાંગ્લાદેશના શરણાર્થી કેમ્પમાં ગેંગવોર: ૮ લોકોના મોત, હજ્જારો ભાગ્યા

જ્યાં આ ઘટના બની છે તે વિશ્વની સૌથી મોટી શરણાર્થી શિબિર, એક લાખથી વધુ લોકો કરે છે વસવાટ

દક્ષિણ બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થી શિબિરોમાં સશસ્ત્ર જૂથો વચ્ચે ગેંગ વોરને કારણે હજારો લોકોને કેમ્પ છોડી ભાગવાની ફરજ પડી હતી. આ ઘટનામાં ૮ લોકોના મોત થયા હતા.

ગેંગ વચ્ચે માથાકૂટ લોહીયાળ બની જતા અનેક લોકો ઘવાયા હતા. જૂથ અથડામણ દરમિયાન લોકોને કેમ્પ છોડીને ભાગવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, જ્યાં આ ઘટના બની છે તે વિશ્વનો સૌથી મોટો શરણાર્થી શિબિર છે જ્યાં એક લાખથી વધુ લોકો વસે છે. આ વિસ્તારમાં ગેંગવોરના કારણે તંગદિલી સર્જાય છે. માનવ તસ્કરી સાથે આ વિસ્તાર ડ્રગ્સની દાણચોરી માટે કુખ્યાત છે જે મ્યાનમાર સાથે જોડાયેલ છે.

વર્ષ ૨૦૧૮ થી આવી ઘટનાઓમાં ૧૦૦ થી વધુ રોહિંગ્યા લોકો માર્યા ગયા હતા. પોલીસનું કહેવું છે કે શંકાસ્પદ ડ્રગ તસ્કરો સાથે એન્કાઉન્ટર દરમિયાન ક્રોસ ફાયરિંગને કારણે આવા લોકોના મોત નીપજ્યાં છે.

Loading...