Abtak Media Google News

ટીપી કમિટીની બેઠકમાં અન્ય બે દરખાસ્તોને બહાલી

રાજકોટ મહાનગરપાલિકામાં ગઈકાલે સાંજે ટાઉન પ્લાનીંગ કમિટીની એક બેઠક મળી હતી જેમાં ટીપી સ્કીમ નં.૮ (મવડી)માં બગીચા હેતુ માટેનાં અનામત પ્લોટને રહેણાંક વેચાણ હેતુ માટે ફેરફાર કરવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી જયારે અન્ય ૨ દરખાસ્તોને મંજુરીની મહોર મારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જમીનમાં હેતુફેરની દરખાસ્તમાં શાસકો પર માછલા ધોવાતા ખેલ ઉંધો પડશે તેવી દહેશતનાં કારણે દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગઈકાલે સાંજે ચેરમેન અનિતાબેન ગોસ્વામીનાં અધ્યક્ષ સ્થાને મહાપાલિકામાં ટીપી કમિટીની એક બેઠક મળી હતી જેમાં અલગ-અલગ ૩ દરખાસ્તો મંજુરી અર્થે રજુ કરવામાં આવી હતી. ટીપી સ્કીમ નં.૮ (મવડી)નાં રેવન્યુ સર્વે નં.૧૫૫ પૈકીનાં મુળ ખંડ નં.૧૯, આખરી ખંડ નં.૧૯/૩ને હેતુફેર કરી રહેણાંક વેચાણ કરવાનો હતો. આ પ્લોટનું ક્ષેત્રફળ ૧૩૦૧ ચો.મી.નું હતું અને આ પ્લોટ અગાઉ ૧૫૦ ફુટ રીંગ રોડ નિકળતા જે આસામીની જમીન કપાતમાં ગઈ હતી તેનાં બદલામાં તેને જે જમીન ફાળવવામાં આવી હતી તેના પર હાલ દબાણ ખડકાયા છે. ટુંકમાં દબાણગ્રસ્ત જમીન મહાપાલિકા હસ્તક રાખી કપાતનાં અસરગ્રસ્તને ખુલ્લી અને ચોખ્ખી જમીન પધરાવવાનો કારસો રચવામાં આવ્યો હતો. કમિટીની બેઠક પૂર્વે વિરોધ પક્ષનાં નેતાએ પણ મેયર બીનાબેન આચાર્યને લેખિતમાં એવી રજુઆત કરી હતી કે, ટીપીનાં પ્લોટમાં હેતુફેર કરવાના કારસા બંધ કરો. બીજી તરફ આ મામલે શાસકોની દાનત પર પણ શંકા ઉભી થવા પામી હતી. તમામ મુદાઓને ધ્યાને લઈ અંતે પીપી કમિટીએ આ દરખાસ્ત પેન્ડીંગ રાખી છે જયારે ટીપી સ્કીમ નં.૯ રાજકોટનાં અનામત પ્લોટ નં.એસ-૧ અને એસ-૫ને અરસ-પરસ હેતુફેર કરવા તથા કામચલાઉ ટીપી સ્કીમ નં.૩૨ (રૈયા)માં ફાળવવામાં આવેલા અંતિમ ખંડ અને રસ્તા અન્વયે પરામર્શ આપવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.