Abtak Media Google News

સિકયોર પ્રાઈવેટ નેટવર્ક થકી કામ કરવું હિતાવહ: માલવેર લીંકથી સાવચેત રહેવું આવશ્યક

દેશમાં કોરોના વાયરસનાં પગલે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૧૪ એપ્રિલ સુધી જે લોકડાઉન કરવાનો નિર્ણય લીધેલો છે તેમાં સરકારે તાકિદ કરતા જણાવ્યું છે કે, કચેરીમાં કામ કરતા કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ મારફતે કામ કરવું પરંતુ પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થઈ રહ્યો છે કે બેંકોમાં વર્ક ફ્રોમ હોમથી કામ કરતા કર્મચારીઓ ઉપર સાયબર ક્રાઈમનાં ગુનાઓ બનવાની પરિસ્થિતિ અત્યંત પ્રબળ થઈ છે અને સાયબર ગુનેગારો જાણે ગેલમાં આવી ગયા હોય તેવું પણ માનવામાં આવે છે. બેંક કર્મચારીઓ બેંકમાં સિકયોર નેટવર્કમાં કામ કરતા હોવાથી સાયબર હુમલો થવાની ભીતિમાં ઘટાડો જોવા મળતો હોય છે પરંતુ ઘરે વ્યકિતગત લેપટોપ કે સિસ્ટમ ઉપર કામ કરવાથી સાયબર હુમલો થવાની શકયતા પ્રબળ બની જાય છે. સાયબર સિકયોરીટીનાં તજજ્ઞોનું માનવું છે કે, હાલનાં તબકકે જે રીતે કોરોના વાયરસને લઈ સિસ્ટમમાં ફેરબદલ જોવા મળી રહ્યો છે તેનાથી બેંક કર્મચારીઓને ઘણી ખરી તકલીફનો સામનો કરવો પડશે તેવી પણ સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. સાયબર સિકયોરીટીનાં તજજ્ઞોનું માનવું છે કે, જે કોઈ કર્મચારીઓ ઘર બેસી કામ કરી રહ્યા છે તે સિકયોર નેટવર્ક થકી જો કામ કરશે તો સાયબર હુમલાથી તેઓ બચી શકશે પરંતુ હાલના સમયે લોકો સાયબર સિકયોરીટી પર સહેજ પણ ધ્યાન કેન્દ્રિત કરતા નથી. કોરોના વાયરસનાં પગલે વર્ક ફ્રોમ હોમ મારફતે માલવેર અટેક થવાના પણ ચાન્સ વધી ગયા છે. હાલ સાયબર ગુના આચરતા ગુનેગારો મુખ્યત્વે બેંક કર્મચારીઓ અને ગ્રાહકોને સોશિયલ મીડિયા અથવા તો મેસેજ મારફતે તેઓને છેતરતા નજરે પડે છે. આ તબકકે જો સાયબર સિકયોરીટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ઘણાખરા પ્રશ્ર્નોનું નિવારણ ત્વરીત થઈ શકશે. હાલ સાયબર ગુનો આચરતા ગુનેગારો સ્પાઈમેકસ જેવી ખોટી એપ્લીકેશનો માટેની માલવેર લીંક મારફતે લોકોને મોકલી રહ્યા છે જેથી જો કોઈ વ્યકિત તે લીંક પર જઈ માહિતીઓ આપે તો સાયબર ક્રિમીનલ તે વ્યકિતની તમામ કોન્ફીડેન્શીયલ માહિતીઓ ચોરી લે છે. આ તકે મિનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સએ લોકોને આ અંગે સાવચેત રહેવા પણ જણાવ્યું છે. મંત્રાલય દ્વારા એ પણ માહિતી આપવામાં આવી રહી છે કે, બેંક કર્મચારીઓએ તેમના લેપટોપમાં બેકઅપ રાખવું એટલું જ જરૂરી છે અને એવી કોઈપણ ફાઈલનો ગેર ઉપયોગ ન થાય તે માટેની તકેદારી પણ અનિવાર્ય છે. સાયબર સિકયોરીટીનાં તજજ્ઞોનું માનવું છે કે, રેગ્યુલર ધોરણે પાસવર્ડ પ્રોટેકશન અત્યંત જરૂરી અને કારગત નિવડશે. હાલના સમયે ઘણીખરી બેંકો આઈટી કંપની સાથે ભાગીદારી કરી કામગીરી હાથ ધરી રહી છે જેથી આવનારા સમયમાં કોઈપણ પ્રકારની તકલીફનો સામનો બેંક દ્વારા કરવામાં ન આવે અને જે ડેટાની સુરક્ષા જે રીતે મળવી જોઈએ તે પણ યથાયોગ્ય રીતે મળતી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.