Abtak Media Google News

મોબાઈલ ફોન્સની સિલ્વર જ્યુબીલી

૧૯૯૫માં પં.બંગાળની મુખ્યમંત્રી જ્યોતી બસુ અને કેન્દ્રીય મંત્રી સુખરામ વચ્ચે થયેલા એક ફોન કોલ બાદ દેશમાં મોબાઈલ-સ્માર્ટફોને દશા-દિશા ફેરવી નાખી

મોબાઈલ ફોન સામાન્ય સ્થિતિમાં ઉપયોગમાં આવ્યો ત્યારથી લઈ આજ સુધી ૨૫ વર્ષનો સમયગાળો વીતી ચૂકયો છે. એક સમય એક મીનીટ માટે જે કોલનો દર રૂા.૨૫ હતો તે હવે વિશ્વમાં સૌથી સસ્તો છે. ભારતમાં મોબાઈલ ફોન માટે સર્જાયેલી ક્રાંતિ ઐતિહાસિક બની ચૂકી છે. માત્ર ૨૫ વર્ષના સમયગાળામાં મોબાઈલ ફોન-સ્માર્ટ ફોનના કારણે આર્થિક અને સામાજિક વ્યવસ્થાને સારી અને ખરાબ બન્ને પ્રકારની અસરો થઈ છે. તે સમયે ૧૯૯૫માં તારીખ ૩૧ જુલાઈના રોજ પં.બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બાસુ અને કેન્દ્રીય મંત્રી સુખરામ વચ્ચે થયેલા ફોન કોલે આખા દેશનું ભવિષ્ય બદલી નાખ્યું હતું.

એક સમયે મોબાઈલ ફોન રાખવા લકઝરી ગણાતી હતી. આજે વ્યક્તિ દીઠ દેશમાં એકથી વધુ ફોન હોય શકે છે. આંકડા મુજબ ભારતમાં મોબાઈલ ફોન સેકટરે ભરેલી ઉડાન અત્યાર સુધીનો સૌથી ઉંચો કુદકો છે. દેશમાં મોબાઈલ યુઝર્સની સંખ્યા માત્ર ગણ્યા ગાઠ્યા વર્ષોમાં ૩૦૦૦ ગણી ઉછળી હતી. વર્ષ ૧૯૯૪માં ખાનગી સેકટરમાં સેલ્યુલરને મંજૂરી મળી અને પેઝીંગ સર્વિસ પણ શરૂ થઈ તે સમયે દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં સ્પ્રેકટ્રમની હરરાજી થઈ હતી. કલકત્તામાં ૧૯૯૫માં દેશનું પ્રથમ મોબાઈલ નેટવર્ક મોદી ટેલ્સ્ટ્રા કંપનીએ ઉભુ કર્યું હતું. ૧૯૯૭માં ટ્રાય દ્વારા રેગ્યુલેશન શરૂ થયું. ૧૯૯૯માં સરકાર સાથે મોબાઈલ ઓપરેટરોની આવકને શેયર કરવાની મંજૂરી મળી તે સમયે લાયસન્સ ફી સહિતના દરના સ્થાને રેવન્યુ શેરીંગ કરવાની અનુકુળતા કંપનીઓને હતી.

ત્યારબાદ ૨૦૦૨માં રિલાયન્સ ઈન્ફોકોમ દ્વારા સીડીએમએ મોબાઈલ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. તે સમયે માત્ર રૂા.૫૦૦માં ફોન અપાતો હતો. ઈન્ટરનેટ, ટેલીફોનીનો પ્રારંભ આ સમયગાળામાં થયો અને ત્યારબાદ રોમીંગ દરને પણ નિયંત્રીત કરાયા. ૨૦૦૩માં ઈન્કમીંગ કોલને વિનામુલ્યે કરવામાં આવ્યા. એક કંપની પાસે એક જ લાયસન્સ હોય તો તે સેલ્યુલર અને લેન્ડલાઈન બન્નેની સેવા આપી શકે તેવી જોગવાઈ આ સમયગાળામાં થઈ. ૨૦૦૪માં પ્રથમ વખત એવું બન્યું કે, લેન્ડ લાઈન કરતા મોબાઈલ ફોનની સંખ્યા વધી ગઈ હોય.

વર્ષ ૨૦૦૫માં ટેલીકોમ સેકટરમાં વિદેશી મુડી રોકાણનું પ્રમાણ ૪૯ ટકાથી ૭૪ ટકા કરવામાં આવ્યું ત્યારબાદ ૨૦૦૬માં નંબર પોર્ટેબીલીટીની સુવિધા લોકોને આપવામાં આવી. ૨૦૦૮માં ૩-જી નેટવર્ક માટેનો પાયો નખાયો, એમટીએનએલ દ્વારા દિલ્હી અને મુંબઈમાં ૩-જી શરૂ થયું. ઉપરાંત સીડીએમએ ઓપરેટરોને પણ જીએસએમ સર્વિસ શરૂ કરવાની મંજૂરી અપાઈ. ૨૦૦૯ બાદની થોડા વર્ષની સ્થિતિ ટેલીકોમ ક્ષેત્ર માટે ભ્રષ્ટાચારોનો કલંક લઈને આવી તે સમયે સ્પેકટ્રમ કાંડ આખા વિશ્ર્વમાં ગાજયું હતું. ૨૦૦૯ના સમયગાળામાં જ દેશમાં એન્ડ્રોઈડ ફોન લોન્ચ થયા જે ૩૦ હજારની કિંમતનો હતો. વર્ષ ૨૦૧૦માં ૩જી અને બ્રોડબેન્ડ વાયરલેસ માટેના સ્પ્રેકટ્રમની હરરાજી થઈ. ૨૦૧૧માં મોબાઈલ નંબર પોર્ટેબીલીટી સેવા આખા દેશમાં લાગુ પડી. આ સુવિધા બાદ દેશમાં લાખો ગ્રાહકો એક કંપનીમાંથી બીજી કંપનીમાં ચાલ્યા ગયા. ૨૦૧૩માં ટેલીકોમ સેકટરમાં ૧૦૦ ટકા વિદેશી મુડી રોકાણને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત એક જ લાયસન્સ હેઠળ તમામ સર્વિસ ટેલીકોમ ઓપરેટર પૂરી પાડી શકે તે માટેનો માર્ગ આ સમયગાળા દરમિયાન જ મોકળો થયો હતો. ૨૦૧૪માં માઈક્રોમેકસ જેવી સ્થાનિક કંપની દેશની સૌથી મોટી મોબાઈલ ફોન સપ્લાયર કંપની બની ચૂકી હતી. ત્યારબાદ ૨૦૧૬માં રિલાન્સ જીયોની એન્ટ્રી થઈ અને ટેલીકોમ કંપનીઓ વચ્ચે પ્રાઈઝવોર ફાટી નીકળી. જીયોના આગમન બાદ દેશમાં મોબાઈલ કોલના દર વિશ્વમાં સૌથી નીચા થઈ ગયા હતા. અત્યારે રિલાયન્સ જીયો અત્યારે ૫-જી નેટવર્ક બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

ગોવિંદાનું વોટ ઈઝ યોર મોબાઈલ નંબર… ગીત આવ્યું ત્યારે માત્ર ૧૨ લાખ યુઝર્સ હતા

વર્ષ ૧૯૯૯માં ગોવિંદ અને કરિશ્મા કપુર અભિનીત એક ફિલ્મમાં વોટ ઈઝ યોર મોબાઈલ નંબર… ગીત રીલીઝ થયું હતું. આ ગીત અનેક યુવાનોના હૈયામાં વસી ગયું. ત્યારબાદ લોકમુખે આ ગીત ચર્ચાવા લાગ્યું હતું. આ સમયે દેશમાં મોબાઈલ ઉપભોગતાઓની સંખ્યા ૧૨ લાખની હતી. ત્યારબાદ મોબાઈલ ઉપભોગતાની સંખ્યા દિનબદિન વધવા માંડી અને આજે ૧૩૦ કરોડ જેટલા મોબાઈલ-સ્માર્ટ ફોન હોવાનું માનવામાં આવે છે. ૧૯૯૫માં ૧ કરોડ લેન્ડલાઈન જોડાણ હતા. જે ૨૦૧૯માં વધીને ૨૦ કરોડ થવા પામ્યા હતા.

૫ વર્ષમાં ઈન્ટરનેટના ઉપભોક્તાની સંખ્યા બે ગણી

વર્ષ ૨૦૧૬માં ૧ જીબી ઈન્ટરનેટ વાપરવા રૂા.૧૫૨ ચૂકવવા પડતા હતા. જે હવે ઘટીને માત્ર રૂા.૧૦ થઈ ચૂકયા છે. અત્યારે સરેરાશ રૂા.૧૦ ચૂકવવાથી ગ્રાહકને ૧ જીબી ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનો લાભ મળે છે. આવી જ રીતે વર્ષ ૨૦૧૬માં એક ગ્રાહક દીઠ સરેરાશ ૨.૭ જીબી ડેટાનો ઉપયોગ થતો હતો. જે ૨૦૧૯માં વધીને ૧૦.૪ જીબી ડેટાના ઉપયોગે પહોંચી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.