Abtak Media Google News

આણંદના બે ભેજાબાજોએ કપાસ અને એરંડાની ખરીદી બાદ રકમ ન ચૂકવતા પોલીસ ફરિયાદ

કોરાના વાયરસ મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલતુ હતુ. તેમજ નજીકના દિવસોમાં ચોમાસુ બેસતુ હોય અને કોરોના બીમારીના કારણે ભવિષ્યમાં કપાસનું બજાર શુ હોય તે કાંઇ નક્કી કહેવાય નહી તેવા વિચારો સાથે તા. ૨૯-૫-૨૦૨૦ થી ૪-૬-૨૦૨૦ દરમિયાન બલદાણા ૯ અને ગોમટા ગામના ૨૩ સહિત કુલ ૩૨ ખેડૂતોએ પોતાનો કપાસ અને અંરેડાનું વેચાણ કર્યુ હતુ. પરંતુ આ ખેડૂતો સાથે છેતરપીંડી થયાનું બહાર આવતા ખેડૂતો પર આભ તૂટી પડયુ હતુ. આ બનાવ અંગે બલદાણા ગામના ઇશ્વરભાઇ રામજીભાઈ કાનાણીએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદમાં જણાવાયા મુજબ આણંદ જિલ્લાના ગોહીલપુરા નાપડવાંટો ગામના સીંકદરભાઈ રાઠોડ અને ફિરોજભાઈ રાઠોડે ઇશ્વરભાઈ કાનાણીના ૪૦૨ મણ અને ૧૩ કિલો કપાસની રૂ. ૨,૮૬,૩૫૦માં ખરીદી કરી હતી.

આ ઉપરાંત બલદાણા ગામના રમણીકભાઈ માવજીભાઈ પટેલ, જયસુખભાઈ લક્ષમણભાઇ પટેલ, મહાદેવભાઈ ખીમજીભાઈ પટેલ, મૌલીકભાઈ શીવાભાઈ પટેલ, ઘનશ્યામભાઈ હરજીભાઇ પટેલ, નરોતમભાઈ વિઠલભાઈ પટેલ તેમજ ઇશ્વરભાઈ જશરાજભાઈ પટેલ સહિત ૯ ખેડૂતો સાથે કપાસની ખરીદી કરીને કુલ રૂ. ૧૯,૪૩,૪૩૮ની રકમ તેમજ ગોમટા ગામના ૨૩ ખેડૂતોનો કપાસ અને એરંડાની ખરીદી કરી કુલ રૂ. ૨૧,૩૬,૭૧૮ સહિત કુલ ૪૦,૮૦,૧૫૩ રૂપિયાની ચૂકવણી નહી કરી ખેડૂતો સાથે વિશ્વાસઘાત છેતરપીંડીની કરી હતી. આ બનાવમાં આણંદ જિલ્લાના ગોહીલપુરા નાપડવાંટો ગામના સીંકદરભાઈ રાઠોડ અને ફિરોજભાઈ રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.બી.સોલંકી ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.