Abtak Media Google News

પશુ પાલકોને યોજનાનો લાભ લેવા અનુરોધ: ૩૧ જૂલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

મોરબી જિલ્લાના પશુપાલકો તેમજ ડેરી ફાર્મના વિકાસ અર્થે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લામાં આવેલ દરેક બેંકના મેનેજર તેમજ રાજકોટ ડેરી(સંઘ) અને મોરબી સંઘના નોડલ ઓફિસર તેમજ પશુપાલન ખાતાના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મોરબી જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. ભોરણીયાએ ગુજરાત સરકાર દ્વારા સ્વ રોજગારીના હેતુ  પશુપાલન વ્યવસાય માટે જાહેર કરવામાં આવેલ ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજનાની વિસ્તૃત સમજણ આપતા જણાવ્યું હતુ કે, સને ૨૦૧૮-૧૯ માં નવી બાબત તરીકે રૂપિયા ૧૪૦૪૫.૦૦ લાખ ની આ યોજના સને ૨૦૧૯-૨૦ માં કાર્યરત હોય જિલ્લાના બેન્કર્સને આ યોજનામાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

તેમણે જિલ્લાના છેવાડાના ગામના પશુપાલકો સુધી આ યોજનાનો લાભ પહોંચે શુભ હેતુથી હકારાત્મક અભિગમ રાખીને બેંકના નીતિનિયમ મુજબ ધિરાણ કરવા સર્વે બેંક મેનેજરોને જણાવ્યું હતુ. આ યોજના અંતર્ગત વ્યાજ સહાય, વીમા સહાય, કેટલશેડ સહાય, દૂધ મશીન સહાય, ચાફ કટર સહાય, ફોગર સીસ્ટમ સહાય જેવી અલગ-અલગ સહાય મળવાપાત્ર છે, અને સહાયના ધોરણો બ્રીડવાઈઝ તેમજ લાભાર્થીવાઈઝ અલગ-અલગ સરકારશ્રીની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર છે,જેને ધ્યાને લઈ આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ https://ikhedut.gujarat.gov.in ઓનલાઈન અરજી કરવા તથા તેની હાર્ડ કોપી જે તે સંઘને આપવા વધુમાં જણાવ્યું હતુ. આ યોજના અન્વયે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૭/૨૦૧૯ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.