Abtak Media Google News

ગુજરાતના રાજદ્વારી ઈતિહાસમાં સૌથી વધુ ૧૪૯ બેઠકો જીતવાનો વિક્રમ: વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી સમીપ રહેલા માધવસિંહ સોલંકીની પત્રકારથી શરૂ થયેલી કારકિર્દી વિદેશ મંત્રી સુધી પહોંચી’તી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું આજે ૯૪ વર્ષની વયે નિધન થતાં રાજકીય ક્ષેત્રે અને જાહેર જીવનમાં ભારે શોકનું વાતાવરણ ફેલાયું છે. ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના પિતા માધવસિંહ સોલંકીનું આજે અવસાન થતાં સમગ્ર દેશમાં શોક ફેલાયો છે. કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ૩૦ જુલાઈ ૧૯૨૭ના દિવસે જન્મ્યા હતા. ૧૯૮૦ના દાયકામાં માધવસિંહ સોલંકીએ ‘ખામ’ થીયરીનો અમલ શરૂ કરીને હરિફોને હંફાવી દીધા હતા. ૧૯૭૬માં પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા માધવસિંહ સોલંકીએ ફરીથી ૧૯૮૧માં સત્તા સંભાળી હતી. સામાજીક અને આર્થિક પછાત વર્ગ માટે આરંક્ષણનો આરંભ કરાવ્યા બાદ ૧૯૮૫માં રાજીનામુ આપીને ફરીથી ચૂંટણી લડીને ગુજરાત વિધાનસભાની ૧૮૨માંથી ૧૪૯ બેઠક જીતીને સત્તા સંભાળી હતી. તેમનો આ રેકોર્ડ અત્યાર સુધી અકબંધ રહ્યો છે. માધવસિંહ સોલંકી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સૌથી નિકટ રહેનારા નેતા હતા અને તેમણે વિદેશ મંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. માધવસિંહ સોલંકીના નિધનના સમાચાર સમગ્ર રાજ્ય સહિત

દેશભરમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. આજે અંતિમ શ્ર્વાસ લેનારા માધવસિંહ સોલંકીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને શ્રધ્ધાંજલી આપી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી હંમેશા તેમની સમાજ સેવા માટે યાદ રહેશે, તેમની અચાનક વિદાયથી જાહેર જીવનમાં ક્યારેય ન પુરાનારી ખોટ પડી છે. રાહુલ ગાંધીએ પણ માધવસિંહ સોલંકીને શ્રધ્ધાંજલી આપતા જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી હંમેશા તેના સાલસ સ્વભાવ અને લોકતંત્રને મજબૂત બનાવવાની સાથે સાથે કોંગ્રેસની વિચારધારા અને સામાજિક ન્યાયને જીવંત રાખવા માટે જાણીતા રહેશે.

માધવસિંહ સોલંકી કોંગ્રેસના નેતા અને દેશના પૂર્વ વિદેશ મંત્રી અને તેમણે ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવી હતી. ૧૯૫૭માં મુંબઈ ધારાસભાના સભ્ય પણ બન્યા હતા. તેમના નામે વિધાનસભામાં ૧૪૯ બેઠક જીતવાનો વિક્રમ આજે પણ અકબંધ છે. તેઓ પત્રકારત્વ, રાજકારણ અને સાહિત્ય ક્ષેત્રે જોડાયેલા રહ્યાં હતા. તેમણે મફત ક્ધયા કેળવણી, મધ્યાહન ભોજન, આર્થિક વિકાસની યોજનાઓ અને સામાજિક સમરસતામાં યોગદાન આપવાનો રેકોર્ડ રહ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની ગાંધીનગર નિવાસ સ્થાનેથી અંતિમયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે.

વડાપ્રધાનના શ્રધ્ધાસુમન

માધવસિંહ સોલંકીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને શ્રધ્ધાંજલી આપી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી હંમેશા તેમની સમાજ સેવા માટે યાદ રહેશે, તેમની અચાનક વિદાયથી જાહેર જીવનમાં ક્યારેય ન પુરાનારી ખોટ પડી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રધ્ધાંજલી આપી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી. રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પાળવાની જાહેરાત સાથે તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય કરીને મુખ્યમંત્રીએ તેમના મહિસાગર જિલ્લાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા હતા અને મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બપોરે મંત્રી મંડળની બેઠક ગાંધીનગર ખાતે બોલાવી હતી અને આ બેઠકમાં માધવસિંહ સોલંકીને શ્રધ્ધાંજલી આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી માધવસિંહ સોલંકીને શ્રધ્ધાંજલી આપી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માધવસિંહ સોલંકીના અવસાનના પગલે ટ્વીટ કરીને શ્રધ્ધાંજલી આપતા લખ્યું હતું કે, તે હંમેશા કોંગ્રેસની વિચારધારાને મજબૂત બનાવવા અને સામાજીક ન્યાય માટે યાદ રહેશે.

ગૃહમંત્રી અમિત શાહે શ્રધ્ધાંજલી અર્પણ કરી

માધવસિંહ સોલંકીના નિધનને જાહેર જીવનમાં એક વણપુરાયેલી ખોટ ગણાવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા અને વિકાસ કામો માટે માધવસિંહ સોલંકી હંમેશા યાદ રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.