Abtak Media Google News

આવક કરતાં વધુ અપ્રમાણસર મિલકતધરાવવાના ગુનામાં ભુજની ખાસ એસીબી કોર્ટે કચ્છ જિલ્લાના પૂર્વ સિનિયર ભુસ્તરશાસ્ત્રી અને ક્લાસ વન ઑફિસર મુકેશ વીરજીભાઈ મેવાડાને બે વર્ષની સાદી કેદની સજા અને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારતાં ભ્રષ્ટ સરકારી બાબુઓમાં સન્નાટો છવાઈ ગયો છે. જો મેવાડા ૧ લાખ રૂપિયાનો દંડ ના ભરે તો વધુ છ માસની સખત કેદની સજા કરવા કોર્ટે હુકમ કર્યો છે. એટલું જ નહીં, એસીબીની તપાસ દરમિયાન મેવાડાના ઘરમાંથી મળી આવેલી ૧૨.૧૮ લાખ રૂપિયાની રોકડ રકમ સરકાર તરફે ખાલસા કરવા પણ કોર્ટે હુકમ કર્યો છે. આ ચકચારી કેસની વિગત એવી છે કે, ભુજ ખાતે જિલ્લા ખાણ ખનીજ કચેરીમાં સિનિયર ભુસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા એમ.વી.મેવાડા સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ અને આવક કરતાં વધુ અપ્રમાણસર મિલકત હોવાની ફરિયાદના પગલે એસીબીના તત્કાલિન મદદનીશ નિયામક ટી.એન.ઠાકોરે ૨૦-૧૦-૨૦૦૫ના રોજ મેવાડા વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧) (ઈ) અને ૧૩ (૨) મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. એસીબીની તપાસમાં મેવાડા અને તેમની પત્નીના નામે ૨૫.૫૭ લાખની કિંમતની અપ્રમાણસર સ્થાવર અને જંગમ મિલકત હોવાનું બહાર આવ્યું હતું. સરકારી નોકરીમાં ૧૯૯૭થી ૨૦૦૫ના વર્ષ દરમિયાન મેવાડાએ હોદ્દાની રૂએ કાયદેસરની મળવાપાત્ર આવકના પ્રમાણમાં લાંચીયાવૃત્તિ દાખવી ભ્રષ્ટ રીતરસમો અપનાવી વધુ પડતી અપ્રમાણસરની મિલકતો પોતાના અને પત્નીના નામે ખરીદીને વસાવી હોવાના પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ ભુજની વિશેષ એસીબી કોર્ટ સમક્ષ ચાલ્યો હતો. જેમાં સરકાર તરફે ૧૦ સાક્ષી અને ૮૮ દસ્તાવેજી પુરાવાના આધારે એસીબી જજ એન.આર.જોશીએ મેવાડાને બંને કલમ હેઠળ કસૂરવાર ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા અને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તપાસ દરમિયાન મેવાડાના નિવાસસ્થાનમાંથી એસીબીને ૧૨ લાખ ૧૮ હજાર રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ નાણાં સરકાર તરફે ખાલસા કરવા પણ કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ દલીલો-પુરાવા રજૂ કરી તહોમત પુરવાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.