Abtak Media Google News

સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કુવાડવા રોડ દારૂનું પીઠુ!

કાળીપાટ પાસેથી મિકસરમાં છુપાવેલા ૩૩૦૦ બોટલ દારૂ સાથે રાજસ્થાનીની ધરપકડ

સાયલાની વાડીમાંથી રાજકોટના શખ્સનો ૬,૮૪૦ બોટલ દારૂ પકડાયો

સાત સ્થળે દરોડા પાડી દારૂ અને છ વાહન મળી રૂ.૬૩.૧૫ લાખના મુદામાલ સાથે પાંચ ઝડપાયા મહિલા સહિત છ ભાગી ગયા

સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ પહોચતો કરવા માટે તમામ વાહનો કુવાડવા રોડ પરથી જ પસાર થઇ રહ્યા છે. અને અવાર નવાર કુવાડવા નજીકથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતો હોવા છતાં વાહન ચેકીંગમાં કયાંક કચાસ હોય તેમ પરપ્રાંતમાંથી આવતો વિદેશી દારૂનો જથ્થો તેની નિયત સ્થળે પહોચે છે. દિવાળીના તહેવારો દરમિયાન પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવતું હોવાથી તહેવારો પૂર્વે જ બુટલેગરો વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી સગેવગે કરી લેવા માટે સક્રીય બન્યાની બાતમીના આધારે સાયલા અને રાજકોટ પોલીસે સાત સ્થળે દરોડા પાડી રૂા.૩૮ લાખની કિંમતની ૧૦,૭૫૬ બોટલ વિદેશી દારૂ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને જુદા જુદા છ વાહન મળી રૂા.૬૩.૧૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન મહિલા સહિત છ શખ્સો ભાગી જતા શોધખોળ હાથધરી છે. આજી ડેમ ચોકડી પાસે બોલેરો પીકઅપમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગર અને ક્રાઇમ બ્રાન્ચ વચ્ચે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો પરંતુ ૬૦ કિલોમીટર દુરી ચાલેલી રેસના અંતે પોલીસમેન પર હુમલો કરી બુટલેગર ભાગી ગયો હતો.

રાજકોટના પરસોતમ પટેલની સાયલા નજીક રતનપર ખાતે આવેલી વાડીમાં સોનપરી ગામના બચુ રવજી સાબરીયા નામના શખ્સે વિદેશી દારૂ મગાવી છુપાવ્યાની બાતમીના આધારે લીંબડી ડીવાય.એસ.પી.ના સ્કવોડે દરોડો પાડી રૂા.૨૫.૬૫ લાખની કિંમતની ૬૮૪૦ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો છે. રૂા.૧૫ લાખની કિંમતના જી.જે.૨ઝેડઝેડ. ૩૭૬૩ નંબરનું આઇસર, જી.જે.૩બીટી. ૬૩૩૫ નંબરનો બોલેરો, જી.જે.૧૩એડબલ્યુ. ૫૫૫૨ નંબરનો બોલેરો પીકઅપ, જી.જે.૧૧યુ. ૯૧૧૪ નંબરનો ટેમ્પો અને બે બાઇક તેમજ વિદેશી દારૂ મળી રૂા.૪૧ લાખનો મુદામાલ કબ્જે કરી વાહન નંબરના આધારે બુટલેગરની પોલીસે શોધખોળ હાથધરી છે.

ભાવનગર હાઇ-વે પર આવેલા કાળીપાટ નજીક જી.જે.૯એએફ. ૨૬૦ નંબરના સિમેન્ટ-કોક્રિટના મિકચરમાં વિદેશી દારૂ આવવામાં આવતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. યુ.બી.જોગરાણા, એએસઆઇ બી.આર.ગઢવી, જયંતીભાઇ ગોહેલ, અજીતસિંહ જાડેજા અને ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતના સ્ટાફે કાળીપાટ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલું મિકચર ઝડપી લીધું છે. રૂા.૧૪.૨૮ લાખની કિંમતની ૩૩૦૦ બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બલવંતસિંહ સોનારામજી શાહુ નામના શખ્સની ધરપકડ કરી વિદેશી દારૂ કયાંથી લાવ્યો અને કોને આપવા જઇ રહ્યો હતો તે અંગેની પૂછપરછ હાથધરી છે.

આજી ડેમ ચોકડી નજીક આવેલા યુવરાજનગર મફતીયાપરાના નરેન દિલુ સોલંકી નામના શખ્સને રૂા.૧૦,૮૦૦ની કિંમતની ૨૪ બોટલ વિદેશી દારૂ સાથે આજી ડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એમ.ઝાલા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

Img 20201012 Wa0006

સદર બજારમાં જુમા મસ્જીદ પાસે રહેતા તૈયબ ઉર્ફે તૈબો સુલેમાન જુણાચ અને જંગલેશ્ર્વરના મુસ્તાક ઉર્ફે મુસો અહેમદ જુણાચ નામના શખ્સોને મોટી ટાંકી ચોક પાસેથી રૂા.૭૦ હજારની કિંમતની ૧૬૭ બોટલ વિદેશી દારૂ સાથે ધરપકરી તેની પાસેથી રૂા.૧ લાખની કિંમતની સીએનજી રિક્ષા કબ્જે કરી પૂછપરછ કરતા તે જંગલેશ્ર્વરના ભવાની ચોકના ધવલ ઉર્ફે શિવ બકુલ સોની અને મોઇનીબીન ઇમ્તિયાઝબીન કસીરીને આપવા માટે જતા હોવાની તેમજ વિદેશી દારૂનો બીજો જથ્થો વેદાંત હોસ્પિટલ પાસે ખુલ્લી જગ્યામાં રાખ્યો હોવાની કબુલાત આપતા પ્ર.નગર પોલીસે સદર બજારમાં વેદાંત હોસ્પિટલ પાસે દરોડો પાડી રૂા.૭૬,૮૦૦ની કિંમતની ૧૯૨ બોટલ વિદેશી દારૂ કબ્જે કર્યો છે.

૧૫૦ ફુટ રીંગ રોડ પર પુનિતનગર નજીક નંદનવન પાર્કમાં રેઢી પડેલી ફન્ટીમાંથી રૂા.૨૭ હજારની કિંમતની ૮૪ બોટલ વિદેશી દારૂ પોલીસે કબ્જે કરી તપાસ કરતા વિદેશી દારૂ નંદનવન પાર્કના પૂષ્પરાજસિંહ મહાવીરસિંહ જાડેજા અને જયદ્રથસિંહ મહાવીરસિંહ જાડેજાનો હોવાનું બહાર આવતા પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.

બુટલેગરો સામે કડક કાર્યવાહી કરાશે :પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

Dsc 0228

દારૂ પકડાયા બાદ કયાંથી નીકળ્યો અને કયા માર્ગે વાહન ચલાવ્યું સહિતની તપાસ કરી ઉચ્ચ અધિકારીને જાણ કરાશે

શહેરમાં વિદેશી દારૂના ધંધાર્થી પર ધોસ બોલાવી દારૂબંધીનો કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસ સ્ટાફને આપેલી સુચનાના પગલે જ સાત સ્થળે પોલીસ દ્વારા વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા છે.

ત્યારે ‘અબતક’ સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે દારૂબંધીનો કડક અમલ કરાવવા કાર્યવાહી શરૂ કર્યાની દારૂ કયાંથી રવાનો થયો અને કયાં પહોચતો કરવાનો હતો તેમજ દારૂ સાથેનું વાહન કયાંથી પસાર થયું સહિતની તપાસ કરી ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવતી હોવાનું જણાવ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસમેન પર બુટલેગરે કર્યો ખૂની હુમલો

૬૦ કીમી સુધી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ઝડપી લીધો: બુટલેગર ફરાર

આજી ડેમ નજીક ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માનસરોવર પાર્કમાં પાર્ક કરેલી જી.જે.૭વાયઝેડ ૨૨૩૬ નંબરની બોલેરો પીકઅપમાં વિદેશી હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો. પોલીસને જોઇ બોલેરો પીકઅપના ચાલકે પોલીસની સ્કોડા કારને ઠોકર મારી ભાગતા પોલીસમેન સ્નેહ ભાદરકા બોલેરો પીકએપના ઠાઠામાં કુદીને ચડી જતા બુટલેગરે વધુ સ્પીડ સાથે ભાગ્યો હતો પોતાની પોલીસ તરીકે ઓળખ આપવા છતાં બુટેલગર કોટડા સાંગાણી તાલુકાના બગદડીયાથી કરમાળ પીપળીયા તરફ જવાના માર્ગ સુધી ૬૦ કીમી પોલીસમેન સ્નેહ ભાદરકા સાથે ભાગ્યા બાદ બોલેરો ઝાડ સાથે ભટકાડી બુટલેગર ભાગી ગયો હતો. પોલીસમેન સ્નેહ ભાદરકાએ કરેલા ફિલ્મી ઢબે પીછો કરતા બંને આંખ અને નાક પર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ભાગી છુટેલા બુટલેગર સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી રૂા.૪૨ હજારની કિંમતની ૮૧ બોટલ વિદેશી દારૂ અને ૧૩૯ બિયરના ટીન મળી આવતા તેની સામે દારૂ અંગે અલગ ગુનો નોંધઈ શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.