Abtak Media Google News

દ્વારકા શહેર ભાજપ દ્વારા પૂનમબેન માડમનું સન્માન કરાયું: ભાજપનાં વિજયની ઠેર-ઠેર ઉજવણી

જામનગર લોકસભાની સીટ પરથી સતત બીજી વખત ચુંટાયેલા લોકલાડીલા સાંસદ પુનમબેન માડમે આજરોજ સતત બીજી જીત બાદ કાર્યભાર સંચાળતા પહેલા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવવા દ્વારકા પધાર્યા હતા. દ્વારકામાં તેઓ ભગવાનની પાદૂકા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં તેઓએ શારદામઠ ખાતે શંકરાચાર્ય મહારાજનાં પણ આશીર્વાદ મેળવ્યા હતા. ભગવાન દ્વારકાધીશ પાસે આગામી ટર્મ માટે જનતાને કાર્યોને આગામી પાંચ વર્ષોમાં નિષ્ઠાપૂર્વક વધુ વેગવંતા બનાવવા આશીર્વાદ મેળવવા આવ્યા હોવાનું જણાવી સર્વે કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો.

ભગવાન દ્વારકાધીશનાં આશીર્વાદ મેળવ્યા બાદ પુનમબેન માડમે દ્વારકા સનાતન સેવા મંડલ ખાતે ભાજપનાં કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, તેમની આ જીતમાં દ્વારકા શહેર ભાજપની ટીમનો સિંહ ફાળો છે. તેમણે પબુભા માણેક તેમજ દ્વારકા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ઝાખરીયાની ટીમવર્કની પ્રશંસા કરી તેમની જીત પ્રશસ્ત કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી હોવાનું જણાવી દ્વારકા શહેર ભાજપનો જાહેર આભાર માન્યો હતો. દ્વારકા શહેર ભાજપનાં પ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, મહામંત્રી વિજયભાઈ બુજડ તથા શહેર ભાજપની ટીમ દ્વારા પુનમબેન માડમનું દ્વારકાધીશની છબી અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

પુનમબેન માડમનો વિજય જાહેર થતાં જ શહેર ભાજપ સંગઠને પૂનમબેનના વિજયને ઉત્સાહભેર વધાવી લીધો હતો અને ભાજપ શહેર પ્રમુખ પરેશભાઈ ઝાખરીયાની આગેવાનીમાં શહેર ભાજપની ટીમ દ્વારા ત્રણ બતી ચોકમાં ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી પુનમબેનનાં વિજયોત્સવને મનાવ્યો હતો. દ્વારકા શહેરવાસીઓએ પણ પૂનમબેન માડમનાં વિજયને વધાવી લીધો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.