Abtak Media Google News

હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર શહીદ યાત્રાને મોરબીમાં ઉષ્માભર્યો આવકાર

મોરબીમા પાટીદાર અનામત આંદોલન સમિતિ આયોજિત પાટીદાર શહીદયાત્રા ગઈકાલે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામેથી પ્રસ્થાન કરી મોરબી જિલ્લામાં ફરી હતી, આ તકે હાર્દિક પટેલે હુકાર ભણતા જણાવ્યું હતું કે છેલ્લા શ્વાસ સુધી અનામત માટે લડતો રહીશ.

ગઈકાલે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ખાતેથી સવારે ૮ વાગ્યે પાટીદાર શહીદ યાત્રા શરૂ થઇ હતી. જે ટીકર, ઘાટીલા, વજેપર, ખાખરેચી, અણિયારી ચોકડી, જેતપર, જસમતગઢ, રંગપર-બેલા, પીપળી, મહેન્દ્રનગર, અને બાદમાં મોરબી શહેરમાં આવી હતી. મોરબીમાં પાટીદાર શહીદ યાત્રાનું આગમન થયા બાદ મોડી સાંજે આ યાત્રા  શહેરના વીસી ફાટક, રેલવે સ્ટેશન, નવલખી રોડ, વાવડી ચોકડી, પંચાસર રોડ, રાજપર કેનાલ રોડ, અવધ સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી અને જીઆઇડીસી નાકે થઈને સરદાર પટેલની પ્રતિમા, બાપાસિતારામ ચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી.

આ શહીદ યાત્રા દરમિયાન પાસ ક્ધવીનર  હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તારીખ ૨૫ ઓગષ્ટથી અમદાવાદ ખાતે અનામત માટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરનાર હોવાનું જણાવી કહ્યું હતું કે અનામત મેળવવા જીવનના અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ.

ઉલ્લેખનીય છે કે, મોરબીમા શહીદ યાત્રા પૂર્ણ થયા બાદ શનાળા બાયપાસ  આવેલ પાટીદાર હોલ ખાતે મોરબી પાસ આગેવાનો ની ઉપસ્થિતિમાં ખાનગી મિટીંગ યોજવામાં આવી હતી જેમાં અનામત આંદોલનની રણનિતી નક્કી કરવામાં આવી હતી અને બાદમાં આ યાત્રા ટંકારા તરફ રવાના થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.