દાયકાઓ પછી પ્રથમ વખત વિદેશી મહેમાન વગર પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

૨૬મી જાન્યુઆરીએ ભારત નહીં આવે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જહોનસન વચ્ચે ટેલિફોનિક સંવાદ: ૧૯૬૬ બાદ પ્રથમ વખત વિદેશી મહેમાન ઉજવણીમાં સામેલ નહીં રહે

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર જાણવા મળ્યા પછી ત્યાંના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતે આવશે કે નહીં તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું. અલબત્ત કોરોના વાયરસના સંક્રમણના કારણે વર્તમાન પરિસ્થિતિ અનુકૂળ નથી. યુકેમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરિણામે દાયકાઓ બાદ એટલે કે વર્ષ ૧૯૬૬ બાદ પ્રથમ વખત એવું બનશે કે ભારતનો પ્રજાસત્તાક દિવસ કોઈ વિદેશી મહેમાન વગર ઉજવાશે. જોકે ભારત અને બ્રિટન વચ્ચેની આર્થિક ભાગીદારીની ચર્ચા ચાલુ રહેશે હેલ્થ, સિક્યુરિટી અને ક્લાયમેટ ચેન્જ બાબતે ચર્ચા કેન્દ્રસ્થાને રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુકેના પ્રધાનમંત્રી બોરિસ જહોનસન સાથે ટેલિફોન પર સંવાદ કર્યો હતો.

ભારતે તારીખ ૨૬ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન માટે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને મુખ્ય અતિથિ તરીકેનું નિમંત્રણ મોકલ્યું હતું જે તેમણે ડિસેમ્બર મહિનામાં સ્વીકાર્યું હતું. તેઓના કાર્યલય તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. પણ, હવે કોરોના વાયરસના કારણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ભારતની મુલાકાત રદ કરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન તારીખ ૨૬મી જાન્યુઆરીએ ભારતના અતિથિ બનવાના હતા.

પ્રધાનમંત્રી જહોનસને આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ભારતના આમંત્રણ માટે આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ યુકેમાં પ્રવર્તિત બદલાયેલ કોવિડ-૧૯ પરિસ્થિતના સંદર્ભને ધ્યાનમાં લેતા તેમાં ભાગ લેવાની અસમર્થતા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે નજીકના ભવિષ્યમાં ભારતની મુલાકાત લેવા માટે તેમની ઉત્સુકતા દાખવી હતી.

પ્રધાનમંત્રીએ યુકેની અપવાદરૂપ પરિસ્થિતિ અંગેની પોતાની સમજદારી વ્યક્ત કરી અને રોગચાળો ફેલાતો અટકાવવા ઝડપી નિયંત્રણ માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે પરિસ્થિતિને સામાન્ય થયા પછી વહેલી તકે ભારતમાં પ્રધાનમંત્રી જહોનસનને આવકારવા ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

નેતાઓએ બંને દેશો વચ્ચે વર્તમાન સહકાર અંગેની સમીક્ષા કરી, જેમાં વિશ્વ માટે કોવિડ-૧૯ રસીઓ ઉપલબ્ધ કરાવવાના ક્ષેત્રનો સમાવેશ થાય છે. તેઓએ બ્રેકજિટ પછીના, કોવિડ પછીના સંદર્ભમાં ભારત-યુકેની ભાગીદારીની સંભાવના અંગેની તેમની સહિયારી માન્યતાને પુનરાવર્તિત કરી અને આ સંભાવનાને સાકાર કરવા માટે એક વ્યાપક માર્ગદર્શિકા તરફ કામ કરવા સંમત થયા હતા.

Loading...