Abtak Media Google News

કાશ્મીરના રાજોરીના એડી.કલેકટરના ખોટા સહી સિક્કા બનાવી બોગસ હથિયાર પરવાનો બનાવ્યાનું ખુલ્યુ

શહેરની જુદી જુદી પાંચ જેટલી સિક્યુરીટી એજન્સીના પાંચ સિક્યુરીટીમેન પાસે ગેર કાયદે રાયફલ હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફે પાંચેય પરપ્રાંતિય સિકયુરીટીમેનની પાંચ રાયફલ અને ૫૬ જીવતા કારતુસ સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા પાંચેય શખ્સોએ કાશ્મીરના રાજોરીના એડી.કલેકટરના બોગસ સહી-સિક્કા કરીને બોગસ હથિયાર પરવાનો બનાવ્યાનું ખુલ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અષાઢી બીજની રથયાત્રા પૂર્વે પોલીસ સ્ટાફ વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમિયાન એસઓજી સ્ટાફે મુળ કાશ્મીરના રાજોરી દલહોરી ગામના વતની કમલસીંગ ક્રિષ્નલાલ હાઉસ, રોમેશસીંગ હરીસીંગ પંજનારા, સુરજીતસીંગ બલદવસીંગ, કાશ્મીરીસીંગ મસ્તરામસીંગ અને દીલીપસીંગ નૈનસીંગ રાજપૂત નામના શખ્સોને રૂ.૧,૯૫, ૬૦૦ની કિંમતની પાંચ રાયફલ અને ૫૬ જીવતા કારતુસ સાથે એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એન.ગડુ, પી.એસ.આઇ. ઓ.પી.સીસોદીયા, એચ.એમ.રાણા, હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજા, ધમેન્દ્રસિંહ રાણા, વિજયભાઇ શુકલ, રાજેશભાઇ ગીડા અને અનિલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

પાંચેય શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓએ કાશ્મીરના રાજોરીના એડી.કલેકટરની બોગસ સહી અને સિક્કા લગાવી હથિયાર પરવાનો બનાવ્યાની કબૂલાત આપી હતી. હથિયાર પરવાનો અને રાયફલ હોય તો સિકયુરીટીમાં વધુ પગાર આપતા હોવાથી હથિયાર અંગેનું બોગસ લાયસન્સ બનાવી બોગસ લાયસન્સના આધારે હથિયાર કંપનીમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી રાયફલ અને કારતુસ ખરીદ કર્યા અંગેનો પાંચેય સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.