Abtak Media Google News

“સભાપતિએ કહ્યું સાહેબ અમે રાજ્ય સરકારની દ્રષ્ટિએ વિરોધપક્ષના પણ નગરપાલિકામાં સત્તાધારી પક્ષ છીએ!”

પોલીસ ખાતામાં હંમેશા વિવિધ પ્રશ્ર્નો તો આવતા જ હોય છે. પરંતુ લગભગ દરેક ફરીયાદ સાથે બીજા અમુક જુઠ્ઠાણા પણ લોકો ચલાવતા હોય છે. ખાસ તો કોઈ બનાવ બને એટલેક તુરત જ જ્ઞાતિના આગેવાનો, રાજકારણીઓ અને પોલીસ બાબતના અમુક ખાસ નિષ્ણાંતો (આમ તો ખટપટીયા જ) ની સલાહ લઈને પછી જ ફરીયાદ કરવા આવતા હોય છે. આથી ચર્ચા દરમ્યાન જ કોને કોને સંડોવવા કોને બાદ કરવા વધારીને શું કહેવુ વિગેરે નકકી કરી ફરીયાદ ભારે, જાડી કે મોટી કરવાનું આયોજન કરીને આવતા હોય છે. આથી પોલીસનું કામ તો વધેજ પરંતુ કેટલીક વખત અદાલતોનું કામ પણ બીન જરૂરી રીતે વધી જતુ હોય છે. જો કે ખોટુ કયાંય ન ટકે, ખાસ તો અદાલતમાં તો નહિ જ, પણ ખોટી વાત નો ઉમેરો કરવાથી કેટલીક વાર મુળ કેસને નુકશાન પણ પહોંચતુ હોય છે. ટુંકમાં પોલીસને જે કામ ખરેખર કરવુ જોઈએ એ તેને બદલે મોટા ભાગે આવા જુઠ્ઠાણાઓને જુઠા સાબીત કરવામાં  જ તેનો સમય બરબાદ થતો હોય છે.

અગાઉના ” ભેળસેળ પ્રકરણમાં જણાવેલ રૂપીયા અઢાર લાખના જીરાની ચોરીની ફરીયાદ વખતે વગચંદ શેઠે સતા, સંપતિ અને સંગઠનના જોરે પોલીસ સાથે વાણી વિલાસ એવો કરેલો કે પોલીસ થી તો “શેકેલો પાપડ પણ ભાંગે તેમ નથી તે સમયે ઉંઝા પીઆઈ જયદેવ તેને તે રીતે જ વળતો જવાબ આપવા ઈચ્છતો હતો પરંતુ એલ.સી.બી. પીઆઈ ચૌધરીએ જયદેવને સમજાવીને ભડકો થતો અટકાવેલો. છતા આ અઢાર લાખ રૂપીયાની ચોરીનો ગુન્હો ડીટેકટ થયા પછી જયદેવે પ્રમાણસર ભાષામાં વગચંદ શેઠને પણ ચોંટીયો ખણેલો જ.

પરંતુ થોડા મહિનાઓમાં જ આ જ વેપારી વગચંદ શેઠ ફરીથી અમુક આગેવાનો સાથે સાંજના સાડા છ એક વાગ્યે ચાર પાંચ કાર લઈને પોલીસ સ્ટેશને ઘસી આવ્યા. જયદેવ હાજર જ હતો વગચંદ ઉપર જણાવેલ પ્રકારના નિષ્ણાંતોને સાથે લઈને આવેલા. જયદેવે તમામને ચેમ્બરમાં બોલાવી તકલીફ અંગે પુછપરછ કરી આથી વગચદ શેઠે તેની આદત મુજબ જ અવળવાણીમાં જ કહ્યુ કે “અઢાર લાખ રૂપીયાની જીરા ચોરી તો નસીબ સંજોગે કે અનાયાસ શોધાઈ ગઈ પણ હવે જો આ લુંટ ડીટેકટ કરો તો પોલીસ સાચી !

ખરેખર પોલીસે મહેનત કરી તેની પ્રશંસા કરવી જોઈએ તેને બદલે પોલીસ દળના જવાનો હતો ત્સાહ થાય તેવી વાણી બોલ્યા. વાણી ઘણી વખત અનર્થ કરતી હોય છે પરંતુ જો સાંભળનાર વ્યકિત તે વાણીનો આવા શબ્દોને પડકાર રૂપ ગણી ઈચ્છીત પરીણામ માટે પ્રયત્ન કરે તો ધાર્યુ પરીણામ કે સફળતા પણ મળતી હોય છે. આ કિસ્સામાં આવુ થયુ.

બનાવ એમ બનેલ હતો કે માર્કેટ યાર્ડ પેઢીમાંથી સાંજના છ વાગ્યે હિસાબ કિતાબ પુરો કરી બચેલા નાણા રૂપીયા દસ લાખ વગચંદ શેઠનો નાનો પુત્ર અમુલ એક થેલામાં નાખી થેલાની ચેઈન બંધ કરી હોન્ડા મોટરસાયકલના હેન્ડલમાં ભરાવી થેલો પેટ્રોલની ટાંકી ઉપર રહે તે રીતે રાખીને પોતાને ઘેર ગોલ્ડન ચોકડી તરફ સોસાયટીમાં જવા માટે નિકળેેલો. માર્કેટ યાર્ડના મુખ્ય ગેટમાંથી બહાર નિકળી રેલ્વે ફાટક પાસેથી પશ્ર્ચિમ દિશાએ રેલ્વે ટ્રકને સમાંતર જતા ડામર રોડ ઉપરથી પસાર થતો હતો ત્યાં સામેથી એક કાળા રંગની કારે અમુલ વગચંદ શેઠના મોટર સાયકલને આંતરીને રોકી દીધુ. કારમાંથી બે અજાણી વ્યકિતઓ પૈકી એક જણે અમુલને છરી બતાવી ઉભો રાખી દીધો બીજાએ જોંટ મારીને હેન્ડલમાં ભરાવેલો થેલો કાઢી લઈ ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યાંથી કારમાં નાસી ગયેલા પરંતુ ભયને કારણે કારનો નંબર લઈ શકેલ નહિ. સાંજનો સમય હતો રસ્તો ઓછી અવર જવર વાળો હોઈ ત્યારે બીજુ કોઈ હતુ નહિ વિગેરે મતલબની ફરીયાદ આપી. જયદેવને તો ખ્યાલ જ હતો કે આ ખટપટ ચંદ સાથે વધારે ચર્ચા અત્યારે કરવા નો કોઈ મતલબ નથી આ થી લખેલી એફઆઈઆર પી.એસ.ઓ.ને આપી ગુન્હો દાખલ કરવા સુચના કરી દીધી.

Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

સાથે સાથે જ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને વાયરલેસથી આવી મોટી લુંટનો બનાવ હજુ અડધા કલાક પહેલા જ બન્યો હોઈ કાળી કાર ની વોચ તપાસ માટે જાણ કરતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી ચાલુ ઈ ગઈ. જયદેવે ઉંઝા સેકન્ડ મોબાઈલને હાઈવે ચોકી ઉપર મહેસાણા, પાલનપુર અને ઉંઝા પાટણ રોડની કામગીરી સોંપી દીધી. જમાદાર રણજીતસિંહ અને રાયટર પુનાજીને પોતાની સરકારી જીપમાં સિધ્ધપુર રોડ ઉપર રવાના કર્યા અને જયદેવ પોતે ફરીયાદીની કારમાં જ બેસી ને દાસજ-ભાંખર રોડ પકડયો. ત્રણેક કલાકની રઝળપાટ કરી કોઈ કાળી કાર કે આરોપીઓના વાવડ કે પેગરૂ મળે તો તે માટે પ્રયત્નો કર્યા, પરંતુ કાંઈ મેળ પડતો ન હતો.

જયદેવ કારમાં બેઠા બેઠા ફરીયાદીના હાવભાવ અને વર્તનનો અભ્યાસ કરતો હતો સાથે સાથે આપેલ એફઆઈઆરના સંજોગોનું પણ મનન કરતો હતો. જયદેવને થયુ કે આવી ધનાઢય વ્યકિત જો ફકત ફરીયાદ આપવા માટે પોલીસ સ્ટેશને પણ ચાર-પાંચ કાર લઈને આવતા હોય તો રૂપીયા દસ લાખ જેવી માતબર રકત લઈ જવા માટે ફકત મોટર સાયકલનો ઉપયોગ કરે તે વાત ગળે ઉતરતી ન હતી. બીજી વાત એમ હતી કે માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજા થી ગોલ્ડન ચોકડી, સોસાયટી તરફ જવા માટેનો સલામત, સરળ અને વળી સાવ ટુંકો રસ્તો તો બાળોજ માતા મંદિર સામે થી જ જતો હતો, તો શા માટે છકે રેલ્વે ફાટક પાસેથી રેલ્વે ટ્રેકને સમાંતર જતા નિર્જન જેવા રોડ ઉપર જવુ જાઈએ ? આ બંને મુદાઓ શંકાસ્પદ હતા.

રાત્રીના અગિયારેક વાગ્યે ફરીયાદી વિગેરે થાકયા તો ખરાજ પણ ભુખ્યા પણ થયા, આથી તેમણે જયદેવને કહ્યુ બસ હવે અમને છુટાકરો તમારા પ્રયત્નો ચાલુ રાખો. આથી તમામ ઉંઝા પોલીસ સ્ટેશનમાં આવ્યા. જયદેવ જાણતો હતો કે વગચંદ કે તેનો ચિરંજીવી અમુલ પોલીસને આ તપાસમાં કોઈ સાચો સહકાર આપવાના જ નથી. તેમ છતા ઉપર જણાવેલ સંજોગો જોતા અમુલની વિશેષ પુછપરછ કરવી જ પડે તેમ હોય જયદેવે આ બે મુદા તેની ચેમ્બર માંજ અમુલને પુછયા. પ્રથમ પ્રશ્ન પુછયો કે એવા કેવા સંજોગો થયા કે આવડી મોટી રકમ કારમાં લઈ જવાને બદલે મોટર સાયકલ ઉપર લઈ જવી પડી. આથી અમુલે કહ્યુ કે હું ઘેર જતો હતો તેથી મેં સાથે લઈ લીધા. બીજો પ્રશ્ન, ટુંકો રસ્તો બાળોજ માતા મંદિર પાસેથી જવાને બદલે રેલ્વે ટ્રેક વાળો દુરનો અને ઓછી અવર જવર વાળો કેમ લીધો ?  અમુલે કહ્યુ રેલ્વે ટ્રેક પાસે ટ્રાફિક ઓછો હોય તેથી મને ત્યાંથી જવાનું મન થયુ એટલે ત્યાંથી ચાલ્યો “વગચંદે કહ્યુ બીજુ કાંઈ ? “જયદેવે તેમને પુછયુ કે તમે આટલા બધા વાહનો વાળા હતા તો પછી આ ઉંમરમાં નાની વ્યકિત સાથે મોટર સાયકલ ઉપર આવડુ મોટુ જોખમ કેમ મોકલ્યુ ? આથી વગચંદે કહ્યુ ” સાહેબ, અમારે અમારા છોકરાઓને બધી રીતે તૈયાર કરવાના હોય છે. જો આવુ ભારણ જવાબદારી ન નાખીએ તો જવાબદારી કયારે આવે ? જયદેવને મનમાં થયુ કે વાણીયો ખોટનો ધંધો કરી આવડી મોટી રકમના જોખમથી અને જાનના જોખમથી ટ્રેનીંગ આપે નહિ પણ વગચંદની કબાડ વાણી, તેની લાગવગને કારણે તે સમયે લપમાં પડવાનું માંડી વાળ્યુ. દરમ્યાન જયદેવના મોબાઈલ ફોન ઉપર રીંગ આવી.

જોયુ તો તે રીંગ ઉંઝાના નગરપતિ કૃષ્ણ પટેલની રીંગ હતી. જયદેવે ફોન એટેન્ડ કર્યો અને પુછયુ કે “કેમ મોડી રાત્રે ? આથી કૃષ્ણ પટેલે કહ્યુ અમે તો તમારી નવ વાગ્યા થી પાવન હોટલ ઉપર તમે વાળુ કરવા આવો તેની રાહ જોઈને બેઠા છીએ. આ સાડા અગીયાર વાગ્યા તમે ન આયા તેથી ફોન કર્યો. જયદેવે પુછયુ “શું કામ છે ? કૃષ્ણ પટેલે કહ્યુ  “રૂબરૂ જ વાત કરવી છે. આથી જયદેવે કહ્યુ આજે તો મેળ નહિ પડે આવતીકાલની વાત આવતીકાલે આથી તેણે કહ્યુ “સાયબ , સરકારની દૃષ્ટિએ અમે ભલે વિરોધપક્ષના ગણાઈએ પરંતુ નગર પંચાયતમાં તો અમે શાસક પક્ષ છીએ, આમ સાવ ફેંકીના દેવાય ! જયદેવે કહ્યુ “કાલે કાલે આથી તેણે કહ્યુ કે એવા તો કેવા ગંભીર મામલામાં રોકાયા છો કે સભાપતિને મળવાનો પણ સમય નથી ? જયદેવે કહ્યુ “બહુ મોટી ઉપાધી આવી છે રૂપીયા દસ લાખની લુંટ થઈ છે. આથી સભાપતિએ કહ્યુ “તમારે તો આ રોજનું થયુ, જેની પાસે હશે અને ધ્યાન નહિ રાખે તો જશે, પણ તમે પોલીસવાળા બીજાની ઉપાધી પણ  પોતાની ગણીને નાહકના વધારે પડતુ ટેન્શન લઈને ફરી છો તેથી જ પોલીસદળના સભ્યો નિવૃત થયા પછી લાંબુ જીવતા નથી અને વહેલા ચાલ્યા જાય છે.

જયદેવે કહ્યુ “એ વાત પણ ખરી પરંતુ આ મામલો પેચિદો છે. આથી તેણે પુછયુ “વળી એવુ શું છે ?  આથી જયદેવે કહ્યુ પેલા માર્કેટ યાર્ડ વાળા વેપારી વગચંદ શેઠના છોકરા અમુલના રૂપીયા દસ લાખની લુંટ થઈ છે. આથી સભાપતિએ ચમકીને મોટા અવાજે પુછયુ “શું અમુલ વગચંદ શેઠના દસ લાખ રૂપીયાની લુંટ થઈ ? જયદેવે કહ્યુ “હા હજુ કાર્યવાહી ચાલુ જ કરી છે. આ વગચંદે અગાઉ અઢાર લાખ રૂપીયાની ચોરી થયેલી ત્યારે પણ તેણે કેટલીય ખટપટ કરેલી પરંતુ તે ગુન્હો શોધાઈ ગયેલો, હવે આ લુંટની કાર્યવાહી ચાલુ છે. આ દરમ્યાન સભાપતિના મોબાઈલમાં બીજા લોકોની વાતો અને ચર્ચા તો જોરશોરથી અવાજ સંભળાવા લાગ્યો પણ સભાપતિએ ફશેન કાપી નાખ્યો.

આથી જયદેવે વગચંદને કહ્યુ સમગ્ર જિલ્લામાં નાકાબંધી ચાલુ છે અને અમારી તપાસ પણ ચાલુ જ છે હવે તમે છુટા. જતા જતા વગચંદે કહ્યુ આ વખતે તો પેલા ઓઠા જેવુ જ અધરૂ કામ છે હવે હું ચોકકસપણે જો તમે ગુન્હો શોધી કાઢો તો કહીશ કે “સાંબેલુ વગાડો તો જાણુ કે પોલીસ શાણી તે સમયે જયદેવના મગજમાં અનેક ઘોડા દોડતા હતા. પરંતુ વગચંદને અત્યારે જ તાત્કાલીક જવાબ આપવો યોગ્ય જણાયુ નહિ કેમ કે લુંટના સંજોગો અને ફરીયાદીનું અસહકાર ભર્યુ વલણ જોતા લુંટ શોધવી તે આ વાણીયાના જણાવ્યા પ્રમાણે સાંબેલામાંથી શરણાઈના સુર કાઢવા બરાબર અશકય જ હતુ.

વગચંદ અને તેના માણસો ચેમ્બરમાંથી બહાર નિકળતા હતા ત્યાં જયદેવ ઉપર ફરીથી સભાપતિનો ફોન આવ્યો કે “સાયબ આ તમારા ફરીયાદી વગચંદનો છોકરો અમુલ જ મોટો જુગારી સટોડીયો છે અને તે ક્રિકેટના સટ્ટામાં રૂપીયા દસ લાખ હારી જતા આજે જ તેણે એક જણને રૂપીયા દસ લાખનું પેમેન્ટ આપ્યુ છે. લુંટ બુંટ કાંઈ  નથી આ વાત સાંભળી જયદેવનું મન જે વગચંદની અવળ વાણીથી એકદમ વિષાદગ્રસ્ત થયુ હતુ. તેમાંથી તુર્ત જ આનંદમય બન્યુ અને તેના ચહેરા અને હાવભાવમાં પરીવર્તન આવી ગયુ. સભાપતિએ કહ્યુ આ દસ લાખ રૂપીયાની ડીલીવરી લેનાર વ્યકિત અિંંહ મારી સાથે જ છે.

પોલીસ ખાતામાં અનુભવે એવુ જણાયુ છે કે તાત્કાલીક કાર્યવાહી અને ત્વરીત જે તે સમય નો જે કુદરતી વાર્તલાપ, આરોપીનું વર્ણન સંજોગ, બનાવ, હેતુ અને વ્યવહારનું જે વર્ણન હોય છે તે ચોકકસ પણે ગુન્હા અને આરોપી સંબંધેનો ખુબજ સાચો અને વાસ્તવીક અભિપ્રાય હોય છે.

સભાપતિનાની વાત સાંભળીને જયદેવ ને થયુ કે આજે ઉંઝા પોલીસ ચોકકસ પણે સાંબેલામાંથી શરણાઈના સુર કાઢીને શાણપણમાં નામ લખાવશે અને આજે શરણાઈ ઉપરાંત બેન્ડવાજા અને પડઘમ વગાડતી પોલીસ પેઢી ઉપર જશે. જયદેવે સભાપતિને કહ્યું તમે ત્યાં પાવન હોટલ ઉપર જ રોકાવ હું ત્યાં વાળુ પાણી કરવા આવુ છે.

અને ઉતાવળે ઉતાવળે જયદેવ ચેમ્બરમાંથી બહાર આવી બિલ્ડીંગની બહાર કંપાઉન્ડમાં જોયુ તો વગચંદ શેઠ અને તેના સાથીદારો હજુ કુંડાળુ વળીને કાંઈક ચર્ચા કરી રહ્યા હતા. જયદેવે તેના ડ્રાઈવરને જીપ ચાલુ કરવા જણાવી વગચંદને નજીક બોલાવીને કહ્યુ શેઠ ખરી  વાત આ વખતે ગુન્હો ખરેખર સાંબેલામાંથી સુર કાઢવા જેવો જ અઘરો છે. આથી વગચંદ શેઠ પોરસાયા અને હરખાઈ ને ટોળાને કહ્યું “જોયુ પોલીસને કાન પકડાવ્યા ને ?

આથી તુર્ત જ જયદેવે વગચંદ શેઠ ને કહ્યુ “શેઠ આ વખતે ખાલી શરણાઈ ના સુર જ નહિ નિકળે પરંતુ સાથે સાથે બેન્ડવાજા પડઘમ સાથે જાન લઈને પોલીસ આવશે. આ સાંભળી વગચંદ શેઠ એકદમ ઢીલા થઈ ગયા અને અવાચક થઈ ગયા, અને ઘીરેથી કહ્યું શું ખરેખર સાહેબ ? જયદેવે જોયુ કે આ તેની વર્તુણુંક પેલા વતુુર્ણકના નિયમો મુજબની તેના ગુન્હા પછીની વર્તુણુંક છે આમ તો ખરેખર લુંટનો ગુન્હો શોધાય તો વગચંદે હરખાવુ જોઈએ તેને બદલે તેના હોંશકોસ ઉડી ગયા, વાતચીત કરવાના રંગઢંગ પણ બદલાઈ ગયા.

દરમ્યાન જયદેવની જીપ આવી જતા તે પણ ભુખ્યો થયો હોઈ હોટલ તરફ રવાના થયો. ત્યાં સભાપતિએ કહ્યુ “સાયબ મોડું ઘણુ થયુ પહેલા પેટ પુજા કરીલો પછી વિગતે વાત.  જયદેવને માટે પાવન હોટલના સંચાલક મંગળસિંહ અલગ જ જગ્યા રાખતા જેથી જયદેવ તાજી હવામાં કુદરતી રીતે ભોજન લઈ શકે.

જયદેવે વાળુ પાણી કરી રાતોરાત તપાસની ઘટતી કાર્યવાહી કરી. વગચંદ તો મીંયાની મીંદડી જેવા થઈ ગયા અનેક ભલામણો, વિનંતીઓ ઉચ્ચ કક્ષાએથી આવી. જયદેવે વગચંદને કહ્યુ શેઠ જો પોલીસદળને તેની રીતે મુક્ત પણે કાર્યવાહી કરવા દેવામાં આવે અને જનતાનો સાથ સહકાર મળે તો પોલીસની ઈચ્છા તો હંમેશા ગુન્હા શોધવાની જ હોય છે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપાની માફક જો નસીબ સાથ આપતુ હોય તો પરીણામ સારૂ જ આવતુ હોય છે.

ટુંકમાં વગચંદને તેના બોલાયેલા શબ્દો પાછા મળ્યા પણ બદનામી સાથે કે આખા શહેરને ખરબ પડી કે ક્રીકેટના સટ્ટામાં તેનો ચિરંજીવી રૂપીયા દસ લાખ હારી ગયો અને ઉપાધી પોલીસને ! પરંતુ પોલીસના નસીબે સભાપતિએ સત્યના વટાણા વેરી દેતા પોલીસને બીજી ખોટી દોડધામ બંધ થઈ.

આમ ઉપરા છાપરી રીતે જયદેવની રાહબરી તળે ઉંઝા પોલીસની સફળ કાર્યવાહી ને કારણે ગુન્હા શોધાવા લાગતા અને અઠંગ આરોપીઓ પકડાવા લાગતા જનતામાં રાહત સાથે તેને પોલીસદળ ઉપર વિશ્વાસ પણ બેઠો અને અમુક તત્વો દ્વારા ચલાવતા જુઠ્ઠાણા પણ ઓછા થવા લાગેલા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.