Abtak Media Google News

જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા નાગમતી ભવનમાં પોલીસે દરોડો પાડી એક ફલેટમાંથી અંગ્રેજી શરાબની પચ્ચાસ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. જ્યારે લીમડા લેનમાં આવેલા એક એપાર્ટમેન્ટના ફલેટમાંથી એલસીબીએ અઢાર બોટલ ઝબ્બે લીધી છે. જ્યારે આરોપી હાજર નહીં મળી આવતા તેની શોધ શરૃ કરવામાં આવી છે.

જામનગરના લાલવાડી પાસે આવેલા આવાસ નજીકના નાગમતી ભવનમાં આવેલા એક રહેણાંકમાં અંગ્રેજી શરાબનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા શનિવારે સિટી-એ ડિવિઝનના પીઆઈ કે.કે. બુવળના વડપણ હેઠળ સ્ટાફ તે ભવનના બ્લોક નં.૧૦૪માં ત્રાટક્યો હતો.

આ સ્થળે વસવાટ કરતા નરેશ નાનજીભાઈ મંગેના બ્લોકમાં તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની પચ્ચાસ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૨૫ હજારની કિંમતનો શરાબનો જથ્થો તેમજ રૃા.પ હજારના મોબાઈલ સાથે નરેશ નાનજીભાઈની ધરપકડ કરી હતી. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે ઉપરોક્ત જથ્થો શંકરટેકરી વિસ્તારમાં આવેલા એક મંદિર પાસે વસવાટ કરતા સાગર ભાનુશાળી પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે.

જામનગરના લીમડા લેન વિસ્તારમાં આવેલી બ્રિલિયન્ટ સ્કૂલ સામેના રાજરતન એપાર્ટમેન્ટના એક ફલેટમાં અંગ્રેજી શરાબ રાખી ત્યાંથી હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે એલસીબીનો કાફલો તે એપાર્ટમેન્ટના જી/ર નંબરના ફલેટમાં ત્રાટક્યો હતો. આ ફલેટની તલાશી લેવાતા ત્યાંથી વેચાણ માટે રાખવામાં આવેલી અંગ્રેજી શરાબની અઢાર બોટલ ઝડપાઈ ગઈ હતી. જ્યારે ફલેટનો માલિક હિતેશ મોહનભાઈ ચૌહાણ નાસી ગયો હતો. એલસીબીના મિતેશ પટેલે રૃા.૭૨૦૦ની બોટલ ઝબ્બે લઈ હિતેશ ચૌહાણ સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે. હે.કો. બશીરભાઈ મલેકે આરોપીની શોધ શરૃ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.