Abtak Media Google News

આગામી પાંચમી જુલાઇએ મોદીજીની બીજી ટર્મની સરકારનું બજેટ સત્ર શરૂ થશે. બજેટનાં થેલામાંથી શું નીકળશૈ? શેર બજારને શું મળશે? ઇન્ડસ્ટ્રીને શું મળશે? મધ્યમ વર્ગીય પગારદારને શુ મળશે?  આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે પિયુષ ગોયેલે ચૂંટણી પહેલા જનતાને જે સપના દેખાડ્યાં હતા તે મેડમ નિર્મલા પુરા કરી રહ્યા હોવાની છાપ ઉભી થશે?

પિયુષ ગોયેલે પોતાના બજેટમાં બાંહેધરી આપી હતી કે ફરીથી સત્તા પર આવીશું તો પાંચ લાખ રૂપિયાની આવકને આવકવેરા માંથી મુક્તિ મળશે. આ એક એવું વચન છે જે નવા નાણામંત્રી નિર્મલાજીને માનવું જ પડશે. કદાચ નવું ટેક્ષ માળખું ૧૦ લાખથી ઉપરની આવકવાળા વર્ગ ઉપર વધારે બોજ નાખે એવું પણ બની શકે.

આમ તો સરકાર પાસે પાંચ મુખ્ય મુદ્દાની અપેક્ષા છે. લેબર રિફોર્મ, ફાઇનાન્શ્યલ સેક્ટરમાં સુધારા, NBFC સેક્ટરના ખખડી ગયેલા માળખાને રિપેર કરીને ફરી મજબુત બનાવવુ, ડાયરેક્ટ ટેક્ષના માળખાનું પુન:ગઠન તથા PSU સેક્ટરના યુનિટોમાં સરકારનું મુડીરોકાણ ઘટાડીને નાણાનાં સ્ત્રોત ઉભા કરવા.

ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રચર ડેવલપમેન્ટ માટે વિશેષ ફાળવણી ઉપરાંત ઇકોનોમીને વધુ મજબુત બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવે તેવી ધારણા છે. આમ થવાથી શેરબજારમાં જોમ આવશે,નાણાની પ્રવાહીતાના કારણે ઇકોનોમીની સાયકલ ફરી પાટે ચડશે. આ ઉપરાત નાણાકિય ખાધ ૩.૪ % થી નીચે રાખવા માટે સરકારને જરૂરી જે કોઇ પગલાં લેવા પડે તે લેવા જોઇશે.

આ ઉપરાંત મનરેગા જેવી યોજનાઓમામ પણ ફેરફાર કરવા પડશે. ખેડૂતોની નારાજગી સરકારથી અજાણી નથી. તેથી જ સરકારે ચૂંટણીઓ સમયે ખેડૂતોને સીધા ખાતામાં, ૬૦૦૦ રૂપિયા ભરવાનું વચન પાળવું પડશે, ખેડૂતોની આવક બમણી કરવાનો નારો આપ્યા પછી હવે તેના માટે પગલાં લેવા પડશે, સરકાર અગાઉ FPO ને પ્રોત્સાહન આપીને  ખેડૂતોના વિકાસનો વિચાર રજૂ કરી ચુકી છે.  આ સેક્ટરમાં વધુ નક્કર પગલાં લેવા પડશે.

આની મટીરિયાલિસ્ટીક લાઇફ સ્ટાઇલમાં અન્ય ઉપભોગની જરૂરિયાતો પાછળ થતા ખર્ચ અને માણસ જાતના આરોગ્ય માટે આવશ્યક દવાઓના ખર્ચ વચ્ચે ભારે મીસ મેચ જોવા મળે છે. આ બાબત સરકારના પણ ધ્યાનમાં છે. જેના કારણે કામદારો જીવલેણ રોગોની સમસ્યાથી ઘેરાતા જાય છે જેના માટે જરૂરી સુધારા પણ કરવા પડશે. યાદ રહે કે હવે આ સરકારને આગામી પાંચ વર્ષ માટે બજેટ રજૂ કરવાના છે તેથી હાલમાં સમય છે લાંબાગાળાની નીતિઓ તૈયાર કરવાનો અને તેના અમલીકરણનો. રોજગારી માટે સ્ટાર્ટઅપનો ખ્યાલ સરકારે આપ્યો હતો જેના સંદર્ભમાં આગામી બજેટમાં વિશેષ જોગવાઇ થઇ શકે છે.

દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ૨૦૨૪ સુધીમાં નવા ૧૦૦ લાખ કરોડ ફાળવવાનું વચન અપાયું છે. જો આનો અમલ કરવો હોય તો અત્યારથી જ તેનો અમલ શરૂ કરવો પડે તેમ છે. આવક વેરા કાનુનમાં સંશોધન કરવાની પણ સંભાવના વ્યક્ત થઇ રહી છે. અને આ બધું જ વૈશ્વિક મંદી, ક્રુડતેલનાં ભાવ અને ચીન- અમેરિકા જેવા દેશોના જંગ સાથે સંતુલન સાધીને કરવાનું છે.

સરકારે GST લાગૂ કર્યાને બે વર્ષ થયા છે. પરંતુ હજુ વેપારીઓ પરેશાન છે. આ નવા માળખામાં સુધારો કરીને તેને વધુ બિઝનેસ ફ્રેન્ડલી બનાવવાની જરૂર છે. જેના પર હવે સરકારે અવશ્ય કામ કરવું જ પડશે. આ ઉપરાંત આવકવેરાનું માળખું સુનિયોજીત કરીને સરળ બનાવવાની જ્રરૂર છૈ.

ગત કાર્યકાળમા મોદીજીની સરકારે મેઇક ઇન ઇન્ડિયાનો નારો આપ્યો જેને સાકાર કરવા માટે સરકારને કમર કસવાની જરૂર છે. આમ કરવાથી સ્થાનિક રોજગારીમાં વધારો ઉપરાંત વિદેશી હુંડિયામણની બચત થશે. આ ઉપરાંત સ્થાનિક કાચા માલના વપરાશ વધવાના કારણે સાર્વત્રિક ઔદ્યોગિક વિકાસ જોવા મળશે.

ટૂંકમાં નિર્મલા સિતારામનનું અને મોદી સરકાર-૨ નું સૌ પ્રથમ બજેટ અપાયેળા વચનોની પૂર્તિ તથા આગામી પાંચ વર્ષની સરકારના વિકાસના પ્લાનનો સુમેળ સાધીને બનાવવું પડશે. જેમાં સુચવવામાં આવેલા પગલાં અમલ થઇ શકે તેવા હોવા જરૂરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.