Abtak Media Google News

નિર્દિષ્ઠ સ્થળ સિવાયની જગ્યાએ ફટાકડા વહેંચી નહીં શકાય તેમ કલેકટરે જણાવ્યું છે. જામનગર (શહેર)માં આગામી દિવાળી-નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને કોવિડ-૧૯ને ધ્યાને લેતા મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ/વેચાણ માટે લાયસન્સ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. જે-તે સ્થળોએ હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેવા અરજદારના ધંધાના સ્થળની જગ્યા લઘુતમ ૫૦૦ ચો.ફુટની બાંધકામવાળી કે ખુલ્લી જગ્યા હોવી જોઈએ. અરજદારના ધંધાના સ્થળની ૧૫ મીટરની અંદર હોસ્પિટલ, ખાણીપીણીની હોટલો, દુકાનો તેમજ જલ્દી સળગી ઉઠે તેવા પદાર્થની દુકાન આવેલ ન હોવી જોઈએ તેમ જણાવ્યું છે.

કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીને અનુલક્ષીને ભારત સરકાર તથા ગુજરાત સરકારની માર્ગદર્શિકા સુચનાઓને અનુલક્ષીને કલેકટરના તા.૧/૧૦/૨૦૨૦ના જાહેરનામા અન્વયે હાલ અનલોક-૫ની જોગવાઈઓ અમલમાં છે. ફટાકડા વેચાણ/સંગ્રહ માટે ઉપરોકત શરતોને આધીન જે તે સ્થળો સિવાયના અન્ય કોઈપણ જગ્યાઓમાં હંગામી ફટાકડા લાયસન્સ આપવામાં આવશે નહીં. આ માટેના અરજી ફોર્મ મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ જામનગર (શહેર)ની કચેરી, મહેસુલ સેવા સદન, પ્રથમ માળે, શરૂ સેકશન રોડ, જામનગર ખાતેથી મેળવી જરૂરી આધાર-પુરાવાઓ સાથે ત્યાં રજુ કરવાના રહેશે.

અરજી ફોર્મ તા.૨૭/૧૦/૨૦૨૦ સુધી જ સ્વીકારવામાં આવશે. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે તેમ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.