જામનગર મહાપાલિકાનું જાણો વિગતવાર પરિણામ, કઈ બેઠક રહી નિર્ણાયક

ભાજપે અઢી દાયકામાં કરેલા વિકાસ કામોને શહેરીજનોનીં મહોર!

૧૬ વોર્ડની ૬૪ બેઠકોમાંથી ભાજપને ૫૦, કોંગ્રેસ ૧૧ અને બસપાને ૩ બેઠક મળી

વોર્ડ નં.૬ની ત્રણ બેઠક કબ્જે કરી બસપાએ તમામ પક્ષને આંચકો આપ્યો

પૂર્વ મેયર કરમુરે ટિકિટ ન મળતા ‘આપ’ માંથી ઝંપલાવ્યું પણ નિષ્ફળતા મળી

જામનગર મહાપાલિકાના ચૂંટણી જંગમાં ભાજપનો ફરી વખત વિજય થયો છે. શહેરના મતદારોએ ફરી એ સાબિત કર્યુ છે કે ત્રીજો મોરચો ન ચાલે ભાજપે છેલ્લા અઢી દાયકામાં કરેલા વિકાસ કાર્યો પર શહેરીજનોએ વિજયની મહોર મારી છે. રાજયમંત્રી જાડેજા સાંસદ પુનમબેન માડમ સહિતનાઓએ વ્યકત કરેલો પ૦ બેઠકોનો લક્ષ્યાંક પૂર્ણ થયો છે. શહેરમાં ભાજપનું પેજ પ્રમુખ અભિયાન સફળ રહ્યું છે. જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય: ૫૦ બેઠકો કબ્જે કરી હરિયા કોલેજ ખાતે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં ભાજપએ ફરી સત્તા તરફ પ્રયાણ કર્યું છે. બપોરે ૩ વાગ્યાની સ્થિતિએ તમામ બેઠકો બેઠકના પરિણામમાં ભાજપે ૫૦ બેઠક જીતી અગ્રેસર રહ્યું છે તો ૨૫ વર્ષથી વિપક્ષની પાટલી શોભાવતા કોંગ્રેસના ફાળે માત્ર ૧૦ અને અન્યના હિસ્સામાં ૩ બેઠક ગઇ છે. ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણી કરતા આશરે ૩.૧૩ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. કોરોનાની બીક, ઉમેદવારોની પસંદગી સામે અસંતોષ કારણભૂત હોવાનું મનાય છે.

વોર્ડ નં.૧માં ૪ બેઠકમાં કોંગ્રેસમાંથી આવેલા બે પૂર્વ કોર્પોરેટરો અને એક ભૂતપૂર્વ કોર્પોરેટરને ટિકિટ આપી હતી છતાં ભાજપ પેનલ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. આ વોર્ડમાં કોંર્ગેસની આખી પેનલ વિજેતા બની હતી. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નુરમામદ ઓસમાણ પલેજાને ૨૮૦૭ મત, કાસમ જોખિયાને ૨૩૯૧, જુબેદાબેન નોતિયારને ૨૪૨૮ જ્યારે સમજુબેન પારિયાને ૨૨૫૨ મત મળ્યા હતાં. ભાજપના ઉમેદવાર મનિષાબેન બાબારિયા, હુશેનાબેન સંઘાર, ઉંમરભાઇ ચમરિયા અને ફિરોઝભાઇ પાતાનીની હાર થઇ હતી.

વોર્ડ નં.૨માં ગત વખતે ભાજપને ૪ માંથી ૩ બેઠક મળી હતી. જ્યારે એક બેઠક કોંગ્રેસને મળી હતી. કોંગ્રેસમાંથી આવેલા ભાજપના ઉમેદવાર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ) આ ચૂંટણી જીતી ગયા હતાં. જ્યારે ભાજપના અન્ય ઉમેદવાર ડિમ્પલબેન જગતભાઇ રાવલ, દિશાબેન ભારાઇ અને જશપાલસિંહ જાડેજા પણ જીત્યા હતાં. શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા સહિત કોંગ્રેસના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. વોર્ડ નં.૩ની વાત કરીએ  આ વોર્ડ સતત ભાજપની પેનલને જીતાડતો રહ્યો છે. આ વખતે માજી મેયર દિનેશભાઇ પટેલ ચાર ટર્મ અને ૬૦ વર્ષથી વધુ વયને લીધે ચૂંટણી લડી શક્યા ન હતાં પરંતુ ભાજપની રણનીતિ ઘડવામાં મદદરૂપ બન્યા હતાં અને સતત સક્રિય હતાં. ભાજપની આગેવાની સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઇ જોષીએ લીધી હતી. તેમની સાથે પૂર્વ કોર્પોરેટર અલ્કાબા વિક્રમસિંહ જાડેજા, પન્નાબેન રાજેશભાઇ કટારિયા (મારફતિયા) અને પરાગભાઇ પોપટભાઇ પટેલએ (છેલ્લા બે ઉમેદવારે પ્રથમ વખત ચૂંટણી લડી હતી.) ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ ચારેય ઉમેદવારમાંથી ચારે ઉમેદવાર ચૂંટણી જીત્યા હતાં.

વોર્ડ નં.૪ની વાત કરીએ તો અહિં પણ ભાજપ કોંગ્રેસ પર હાવી રહ્યો છે. અહિં ભાજપે સિટીંગ કોર્પોરેટર કેશુભાઇ માડમની આગેવાની નીચે પેનલ ઉતારી દાવ ખેલ્યો હતો. જે દાવ સફળ થયો છે. અહિં પણ પેનલનો ભવ્ય વિજય થયો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, અહિં ગત્ ટર્મમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રચનાબેન નંદાણિયાએ વર્ષ ૨૦૧૭ માં ભાજપમાં પ્રવેશ ર્ક્યો હતો. જો કે ભાજપ સાથે સારા સારી ન રહેતાં રચનાબેન ફરી કોંગ્રેસમાં જોડાયા હતાં અને અહિંથી જ ચૂંટણી લડ્યા હતાં. આ વખતે મતદારોએ તેઓને પરાસ્ત કર્યા હતાં. પરંતુ તેમના દ્વારા રિકાઉન્ટીંગ મંગાતા રચનાબેનનો વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના વિરોધપક્ષના નેતા રહી ચુકેલા આનંદ ગોહિલ અહિં ખાસ્સુ પ્રભુત્વ ધરાવતા હતાં પરંતુ મતદારોએ તેઓને પણ જાકારો આપ્યો છે. જ્યારે અન્ય ત્રણ વિજેતા ઉમેદવારો પૂર્વ દંડક જડીબેન સરવૈયા અને પૃથ્વીરાજસિંહ ઝાલા વિજેતા થયા છે.  વોર્ડ.નં.૫ પણ ભાજપની પેનલ જીત માટે સોફટ ટાર્ગેટ મનાતો હતો. પરંતુ આ વખતે પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુરને ૫ ટર્મ થઇ ગઇ હોવાથી ભાજપએ ટિકીટ આપી ન હતી અને તેમના કુટુંબીને ન પણ આપતા તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસમાં ગોઠવણ ન થઇ શકતા આમ આદમી માર્ટીમાંથી ઝંપલાવ્યું હતું. પરિણામે એક બેઠક માટે તેમના અને ભાજપના ઉમેદવાર કિશનભાઇ માડમ અને કોંગ્રેસના ઉમેદવાર રામદેવ ઓડેદરા વચ્ચે અનામત બેઠકનો જંગ હતો. પરિણામમાં ભાજપના ઉમેદવાર કિશનભાઇ માડમ વિજેતા જાહેર થયા હતા. જયારે અન્ય ત્રણ ઉમેદવારમાં ભાજપના બિનાબેન કોઠારી, આશિષભાઇ જોષી અને સરોજબેન જયંતભાઇ વિરાણીની પણ જીત થઇ હતી. આમ આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી.  આ વોર્ડમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જનસમર્થન વધુ મળ્યું હતું. વોર્ડ નં.૬માં ભાજપના ગઢમાં હાથીએ પોતાની સૂંઢ ફેરાવી છે અને ત્રણ બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા હતાં. જ્યારે માત્ર એક જ બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવારની જીત થઇ હતી. બહુજન સમાજના પાર્ટીના જ્યોતિબેન ભારવાડિયા, રાહુલ બોરીચા અને ફુરકાન શેખનો વિજય થયો હતો. જ્યારે ભાજપના એકમાત્ર મહિલા ઉમેદવાર જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલાનો આ વોર્ડમાં વિજય થયો હતો. આ વોર્ડમાં ભાજપના અન્ય ઉમેદવાર એવા રમાબેન ચાવડા, ભાયાભાઇ ડેર અને દિપકસિંહ ચૌહાણની હાર થઇ હતી.

વોર્ડ નં.૭માં પણ ભાજપે પોતાનો કેસરિયો લહેરાવ્યો અને ચારેય ઉમેદવાર વિજય થયા છે. ભાજપના એક ઉમેદવાર ઇજાગ્રસ્ત હોવાથી તેઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર કર્યો હતો અને વિજેતા થયા હતાં. ભાજપના લાભુબેન બંધિયા, પ્રભાબેન ગોરેચા, અરવિંદભાઇ સભાયા અને ગોપાલભાઇ સોરઠિયા વિજેતા બન્યા હતાં. આજ રીતે વોર્ડ નં.૮માં પણ ભાજપે પોતાનો ઝંડો ગાળ્યો હતો અને ભાજપનો ફરી કેસરિયો લહેરાયો છે. ભાજપના ચારે ઉમેદવારો વિજેતા થયા હતાં. ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના દિવ્યેશભાઇ અકબરી, કેતનભાઇ ગોસરાણી, સોનલબેન કણજારિયા અને તૃપ્તીબેન ખેતિયાનો વિજય થયો હતો. વોર્ડ નં.૯માં ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો હતો. આ વોર્ડમાં ભાજપના ચારે ઉમેદવારોનો વિજય થયો હતો. જેમાં ભાજપના નિલેશભાઇ કગથરા, ધિરજભાઇ મોનાણી, ધર્મિનાબેન સોઢા અને કુસુમબેન પંડ્યા જીતી ગયા હતાં. જ્યારે કોંર્ગેસના અશોક ત્રિવેદી અને બંટીબેન માંડલિયાની હાર થઇ હતી.

વોર્ડ નં.૧૦માં પણ ભાજપની પેનલનો વિજય થયો હતો. જેમાં પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવાના પુત્ર પાર્થ જેઠવા, મુકેશભાઇ માતંગ, આશાબેન રાઠોડ અને ક્રિષ્નાબેન સોઢાનો વિજય થયો હતો. આ વખતે ભાજપે પૂર્વ મેયર હસમુખભાઇની જગ્યાએ તેના પુત્રને ઉતારતા વોર્ડમાં થોડો અસંતોષનો માહોલ ઉભો થયો હતો પરંતુ ભાજપનું મોવડી મંડળ આ અસંતોષને ઠારવામાં સફળ રહ્યું છે અને વધુ એક વખત આ વોર્ડમાંથી ભાજપની પેનલનો વિજય થયો છે.

વોર્ડ નં.૧૧ની વાત કરવામાં આવે તો અહિં ઉલટ-સુલટભર્યા પરિણામોની ધારણા બાંધવામાં આવી હતી પરંતુ આ ધારણાઓ પણ પૂર્ણવિરામ ત્યારે મુકાયું જ્યારે ઇવીએમ મશીનમાં માત્ર કમળ જ કમળ ખિલી ઉઠ્યું. અહિંના કદાવર નેતા જશરાજ પરમારના પુત્ર તપનને ભાજપે મેદાને ઉતાર્યા હતાં. જ્યારે વોર્ડ નં.૫માંથી ચૂંટણી લડી કોર્પોરેટર બનેલા ધર્મરાજસિંહ જાડેજાને ભાજપે અહિંથી લડાવ્યા હતાં. ભાજપની આ વ્યુહરચના સફળ થતાં આ બન્ને ઉમેદવાર તથા તેની પેનલના હર્ષાબેન વિરસોડિયા, તરૂણાબેન પરમારનો વિજય થયો હતો. વોર્ડ નં.૧૨ની વાત કરવામાં આવે તો અહિં કોંગ્રેસનો ગઢ ગણાવી શકાય કારણ કે કોર્પોરેશનના ઇતિહાસમાં અહિં ભાજપ ખાતુ ખોલાવી શકી નથી. આ પરિણામ ફરી વખત સત્ય સાબિત થયા છે. અહિં ફરી વખત કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે. જેમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓ અલ્તાફ ખફી અને અસ્લમ ખિલજીની આગેવાની નીચે જેનબબેન ખફી અને ફેમીદાબેન જુણેજા વિજેતા થયા હતાં. વોર્ડ નં.૧૩ ની વાત કરીએ તો આ વોર્ડમાં ભાજપને ત્રણ બેઠકો પ્રાપ્ત થઇ હતી. જ્યારે કોંગ્રેસે પ્રથમ વાર આ વોર્ડમાં એક બેઠક ઉપર વિજય મેળવ્યો છે. આમ આ વોર્ડમાં ભાજપની પેનલમાં ભંગાણ થયું હતું અને કોંગ્રેસના ઉમેદવારે ખાતુ ખોલાવ્યું હતું. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર કેતનભાઇ નાંખવા ૮૭૭૫ મત, પ્રવિણાબેન રૂપડિયાને ૬૧૦૩ મત, બબીતાબેન લાલાવણીને ૫૪૨૯ મત મળ્યાં હતાં અને આ ત્રણેય ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતાં. આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ધવલ નંદાને ૭૦૦૬ મત સાથે વિજેતા જાહેર કરાયા હતાં જેની સામે ભાજપના ઉમેદવાર મોહિત મંગીને ૬૨૬૧ મત મળતા તેઓ હાર્યા હતાં. કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો રાજેશ વશિયરને ૪૧૮૧, ફરજાના દરજાદાને ૪૧૨૯ મત અને નિર્મળાબેન કામોઠીનો ૫૦૭૬ મતે પરાજય થયો હતો.

વોર્ડ નં.૧૪ પણ ભાજપનો ગઢ ગણાય છે. આ વોર્ડમાં ફરી પાછો ભાજપનો કેસરિયો લહેરાયો હતો અને ભાજપના ચારે ચાર ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. વોર્ડ નં.૧૫માં શિક્ષણ સમિત્તિના સભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પીએ પ્રવિણસિંહના પત્ની હર્ષાબા જાડેજા સહિત શોભાબેન પઠાણ, જયેશભાઇ ઢોલરિયા અને જયંતીભાઇ ગોહિલનો વિજય થયો હતો પણ થોડી જ ક્ષણો પછી કોંગ્રેસના ઉમેદવાર આનંદ રાઠોડ દ્વારા રિકાઉન્ટીંગ મંગાતા તેમાં આનંદ રાઠોડનો વિજય થયો હતો અને ભાજપના ઉમેદવાર જયેશભાઇ ઢોલરિયાનો પરાજય થયો હતો. વોર્ડ નં.૧૬માં પણ ભાજપે કોંગ્રેસ પર હાવી થઇ પરાસ્ત કરી દીધું છે. અહિં પણ ભાજપની ચાર સભ્યોની પેનલનો ભવ્ય વિજય થયો છે. અહિં ભાજપે શહેર મંત્રી વિનોદ ખિમસુર્યાની આગેવાની નીચે ટીમ ઉતારી હતી. આ ટીમ હેઠળ અન્ય ત્રણ ઉમેદવારોમાં ગીતાબા જાડેજા, ભારતીબેન ભંડેરી અને પાર્થ કોટડિયાનો જંગી બહુમતિથી વિજય થયો છે. આ વોર્ડ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ અહિં પ્રથમ વખત ભાજપ કમિટેડ મતદારોનો વધારો થતાં ભાજપે બાજી મારી છે.

વોર્ડ નં. વિજેતા ઉમેદવાર પક્ષ
૧. સમજુબેન તેજસીભાઈ પારીયા કોંગ્રેસ
જુબેદાબેન એલીયાસભાઈ નોતીયાર કોંગ્રેસ
નુરમામદભાઈ ઓસમાણભાઈ પલેજા કોંગ્રેસ
કાસમભાઈ જીવાભાઈ જોખીયા કોંગ્રેસ
૨. કૃપાબેન આલાભાઈ ભારાઈ ભાજપ
ડિમ્પલબેન જગતભાઈ રાવલ ભાજપ
જયરાજસિંહ અનોપસિંહ જાડેજા ભાજપ
જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા ભાજપ
૩. અલ્કાબા વિક્રમસિંહ જાડેજા ભાજપ
પન્નાબેન રાજેન્દ્રભાઈ કટારીયા ભાજપ
સુભાષભાઈ ગિરિજાશંકર જોશી ભાજપ
પરાગભાઈ પોપટભાઈ પટેલ ભાજપ
૪. જડીબેન નારણભાઈ સરવૈયા ભાજપ
રચનાબેન સંજયભાઈ નંદાણીયા કોંગ્રેસ
કેશુભાઈ મેરૂભાઈ માડમ ભાજપ
પૃથ્વીસિંહ ભરતસિંહ ઝાલા ભાજપ
૫. બીનાબેન અશોકભાઈ કોઠારી ભાજપ
સરોજબેન જયંતીભાઈ વિરાણી ભાજપ
કિશનભાઈ હમીરભાઈ માડમ ભાજપ
આશિષભાઈ મનુભાઈ જોષી ભાજપ
૬. જયોતિબેન દાદુભાઈ ભારવાડીયા બસપા
જશુબા અનિરુઘ્ધસિંહ ઝાલા ભાજપ
રાહુલ રાયધનભાઈ બોરીચા બસપા
કુરકાન અકિલગફાર શેખ બસપા
૭. પ્રભાબેન કિશોરભાઈ ગૌરેચા ભાજપ
લાભુબેન કાનાભાઈ બંધિયા ભાજપ
અરવિંદભાઈ વલ્લભભાઈ સભાયા ભાજપ
ગોપાલભાઈ ગોરધનભાઈ સોરઠીયા ભાજપ
૮. સોનલબેન યોગેશભાઈ કણજારીયા ભાજપ
તૃપ્તિ સુનિલકુમાર ખેતીયા ભાજપ
કેતન વેલજીભાઈ ગોસરાણી ભાજપ
દિવ્યેશભાઈ રણછોડભાઈ અકબરી ભાજપ
૯. ધર્મિનાબેન ગુણવંતભાઈ સોઢા ભાજપ
કુસુમબેન હરિહરભાઈ પંડયા ભાજપ
ધીરેનકુમાર પ્રતાપરાય મોનાણી ભાજપ
નિલેષભાઈ બિપિનચંદ્ર કગથરા ભાજપ
૧૦. ક્રિષ્ના કમલેશ સોઢા ભાજપ
આશાબેન નટવર રાઠોડ ભાજપ
મુકેશ ગાંગજીભાઈ માતંગ ભાજપ
પાર્થ હસમુખભાઈ જેઠવા ભાજપ
૧૧. તરૂણાબેન ભરતભાઈ પરમાર ભાજપ
હર્ષાબેન હિનલભાઈ વીરસોડીયા ભાજપ
તપન જશરાજભાઈ પરમાર ભાજપ
ધર્મરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
૧૨. જેનબબેન ઈબ્રાહિમભાઈ ખફી કોંગ્રેસ
ફેમિદા રીજવાન જુણેજા કોંગ્રેસ
અસલમ કરીમભાઈ ખીલજી કોંગ્રેસ
અલ્તાફ ગફારભાઈ ખફી કોંગ્રેસ
૧૩. પ્રવિણાબેન જેરામભાઈ રૂપડિયા ભાજપ
બબીતા મુકેશભાઈ લાલવાણી ભાજપ
કેતનભાઈ જેંતીભાઈ નાખવા ભાજપ
ધવલ સુરેશભાઈ નંદા કોંગ્રેસ
૧૪. શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા ભાજપ
લીલાબેન દિનેશભાઈ ભદ્રા ભાજપ
જિતેશભાઈ વિનોદભાઈ શિંગાળા ભાજપ
મનીષભાઈ પરસોતમભાઈ કટારીયા ભાજપ
૧૫. શોભના રસિક પઠાણ ભાજપ
હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા ભાજપ
જેન્તિલાલ મગનલાલ ગોહિલ ભાજપ
આનંદભાઈ રામજીભાઈ રાઠોડ કોંગ્રેસ
૧૬. ગીતાબા મહાવીરસિંહ જાડેજા ભાજપ
ભારતીબેન અશોકભાઈ ભંડેરી ભાજપ
વિનોદભાઈ નાથાભાઈ ખીમસુર્યા ભાજપ
પાર્થ પરસોતમભાઈ કોટડીયા ભાજપ

 

Loading...