Abtak Media Google News

પ્રથમ વખત ફિફા વર્લ્ડકપનું યજમાનપદ મેળવનાર રશિયાના ૧૧ શહેરોમાં ૬૪ મેચો રમાશે૨૦ ટીમો બેક ટુ બેક ભાગ લેશે: ૧૫ જુલાઈએ મોસ્કોના લુઝનીકી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે

આવતીકાલથી ફિફા ફુટબોલ વર્લ્ડકપનો રશિયામાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. ૧૫ જુલાઈ સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં વિશ્ર્વની ૩૨ ટીમો ભાગ લઈ રહી છે. તમામ ટીમોને ૮ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ ટુર્નામેન્ટ અગાઉ ૨૦ વખત ટુર્નામેન્ટ યોજાઈ ચુકી છે. જેમાં બ્રાઝીલની ટીમે સૌથી વધુ પાંચ વખત ટાઈટલ જીત્યા છે. જયારે જર્મનીની ટીમ ચાર વખત ચેમ્પીયન બની ચુકી છે. જર્મની પાસે આ વખતે ટાઈટલ જીતી સૌથી વધુ વખત ટાઈટલ જીતવાના બ્રાઝીલના રેકોર્ડની બરાબરી કરવાની સાથે સતત બે વખત ટાઈટલ જીતવાની બરાબરી કરવાની તક છે.

બ્રાઝીલ ૧૯૫૮ અને ૧૯૬૨માં બે વખત ચેમ્પીયન બની હતી. જર્મની ૨૦૧૪માં ચેમ્પીયન બની હતી. તેની પાસે પણ ટાઈટલ જીતવાની તક છે. વર્લ્ડકપ માટે અમેરિકાના પ્રસિઘ્ધ ગાયક નીકિ જૈમે પોતાના યુ-ટયુબ ચેનલ પર ઓફિશીયલ થીમ સોંગ રીલીઝ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ થીમ સોંગને બહોળો પ્રતિસાદ મળ્યો છે. વર્લ્ડકપ માટેની ટીકીટ મેળવવામાં પણ પડાપડી જોવા મળી રહી છે. લાખો લોકોએ ટીકીટ મેળવી છે ત્યારે ફિફા વિવિધ દેશોમાં સ્થાનિક અધિકારીઓના સહયોગથી ગેરકાયદેસર ટીકીટ વેચાણને રોકવાના પ્રયાસો કરી રહ્યું છે.

ફિફા વર્લ્ડકપ ૮ ગ્રુપમાં વહેંચી દેવાયેલી ૩૨ ટીમો વચ્ચે રમાશે. આમાંની ૨૦ ટીમ બેક ટુ બેક રમી રહી છે એટલે કે ૨૦૧૪ની સ્પર્ધામાં પણ આ ટીમોએ ભાગ લીધો હતો. જયારે આઈસલેન્ડ અને પનામા આ ટુર્નામેન્ટમાં પહેલી વખત રમવા જઈ રહ્યું છે. સ્પર્ધામાં કુલ ૬૪ મેચો રમાશે. આ મેચો મોસ્કો અને સોચી સહિત ૧૧ શહેરોમાં ૧૨ સ્થળોએ રમાશે. ફિફા વર્લ્ડકપનો ફાઈનલ મેચ ૧૫ જુલાઈએ મોસ્કોના લુઝનીકી સ્ટેડિયમમાં રમાશે. લુઝનીકી સ્ટેડિયમની ક્ષમતા ૮૧ હજાર દર્શકોની છે. રશિયા પ્રથમ વખત જ ફિફા વર્લ્ડકપનું યજમાનપદ ભોગવી રહ્યું છે. ટુર્નામેન્ટમાં રશિયા ૧૧મી વખત ભાગ લેવા જઈ રહ્યું છે. રશિયામાં કાલથી ફિફા વર્લ્ડ કપ ટુર્નામેન્ટનો પ્રારંભ થનાર છે અને તે સાથે જ સમગ્ર જગત એક મહિના સુધી ફુટબોલમય બની જશે. રશિયામાં કાલથી ૧૫ જુલાઈ દરમિયાન એક મહિના સુધી ફુટબોલનો મહાકુંભ ચાલશે. ફુટબોલનો આ ૨૦મો વર્લ્ડકપ છે.

વર્લ્ડકપમાં બ્રાઝીલનો દબદબો રહ્યો છે અને તેણે સૌથી વધુ પાંચ વખત વર્લ્ડ કપ જીત્યો છે. જોકે, ફુટબોલની ટ્રોફી ઉંચકવી પ્રત્યેક ફુટબોલરનું સપનું હોય છે પરંતુ ફુટબોલ ટ્રોફી પાછળનો ઈતિહાસ તેના જેટલો જ રોમાંચથી ભરેલો રહ્યો છે. ફિફા ફુટબોલ વર્લ્ડ કપની પ્રથમ ટ્રોફીનું નામ ગોડેસ ઓફ વિકટરી રાખવામાં આવ્યું હતું જેને વિકટરી ટ્રોફી તરીકે પણ ઓળખવામાં આવે છે. બાદમાં આ જ ટ્રોફીનું નામ જુલ્સ રિમેટ ટ્રોફી કરવામાં આવ્યું હતું. બ્રાઝિલ બીજી વખત ચેમ્પિયન બન્યું ત્યારે તેને આ ટ્રોફી કાયમ માટે આપી દેવામાં આવી હતી. ૧૯૭૬થી ઉપયોગમાં લેવામાં આવતી વર્તમાન ટ્રોફીને ફિફા ટ્રોફી કહેવામાં આવે છે. બીજા વિશ્ર્વ યુદ્ધના કારણે ૧૯૪૨ અને ૧૯૪૬માં વર્લ્ડ કપ રમાયો ન હતો પરંતુ યુદ્ધ પુરુ થયા બાદ ટ્રોફીને ૧૯૨૧ થી ૧૯૫૪ દરમિયાન ફિફાના પ્રમુખ રહેલા જુલ્સ રિમેટના સન્માનમાં જુલ્સ રિમેટ કપનું નવું નામ મળ્યું હતું. ૧૯૫૦થી ફરીથી વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.