Abtak Media Google News

જે તે વખતે જિલ્લા કલેકટરે ગ્રામ પંચાયતના અભિપ્રાય વગર ગૌચરની જમીન ટ્રસ્ટને સોંપી દીધી હોવાના આક્ષેપો

પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામે જે તે વખતે જિલ્લા કલેકટરે ગ્રામ પંચાયતના અભિપ્રાય વગર ગૌચરની જમીન ટ્રસ્ટને સોંપી દીધી હતી. આ જમીન કૌભાંડના વિરોધમાં ગ્રામજનો દ્વારા આગામી ૧૫મીથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવનાર છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા ઈશ્વરીયા ગામના સરપંચ રોહિત ચાવડાની આગેવાનીમાં ગ્રામજનોએ અબતક ની મુલાકાત લીધી હતી.

સરપંચ દ્વારા જણાવાયું હતું કે, પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામની ગૌચરની જમીન સર્વે નં.૨૪૮ પૈકીમાંથી ૧૦ ગુઠા જમીન સવજીભાઈ કોરાટ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને ફાળવવા માટે જિલ્લા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જે ફાળવણી અંગે ઈશ્વરીયા ગ્રામ પંચાયત તથા ગ્રામજનોએ કલેકટર તેમજ જિલ્લા નિરીક્ષકને લેખીતમાં રજુઆત કરી આ જમીન સોંપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. જમીન ગૌચરની હોય ગ્રામ પંચાયતનો અભિપ્રાય લીધા વીના જ આ જમીનનો કબજો સોંપવામાં આવ્યો હતો. ઉપરાંત કબજો સોંપતી વેળાએ ગ્રામ પંચાયતના કોઈપણ પદાધિકારીને સામેલ કરવામાં આવ્યા ન હતા.

વધુમાં જણાવાયું કે, જમીન ફાળવણી વેળાએ આ ગૌચરની જમીનનો અભિપ્રાય મંગાયો હતો ત્યારે ઈશ્વરીયા ગ્રામ પંચાયતે એવો અભિપ્રાય આપ્યો હતો કે, આ જમીન ગામની તદન નજીક હોય તેમજ પશુપાલન માટે અનુકુળ હોય તે માટે ગ્રામ પંચાયતને આ જમીનની ખાસ જરૂરી છે. આવા અભિપ્રાયને કોઈ અધિકારીએ ધ્યાનમાં લીધો ન હતો અને અંતે આ જમીનની ફાળવણી ટ્રસ્ટને કરી દેવામાં આવી હતી. આ સમગ્ર જમીન કૌભાંડના વિરોધમાં ઈશ્વરીયા ગ્રામજનો દ્વારા આગામી તા.૧૫ થી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.