Abtak Media Google News

ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા ઈચ્છુક ખેડુતોને વધુ એક તક.

મગફળી ઉત્પાદનના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા સરકારે નિર્ણય લીધો હતો અને મગફળી ખરીદવાની શરૂઆત સરકારે લાભપાંચમથી કરી હતી. પરંતુ મગફળી ખરીદીનો સરકારનો લક્ષ્યાંક પૂર્ણ થતા એકાએક ખરીદી બંધ કરવાનો નિર્ણય કરાતા ખેડુતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી પરંતુ હવે ખેડુતોએ ચિંતા કરવાની જરૂર નથી. કારણકે ૧૩૯ સેન્ટરો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ રાખવાનો સરકારે નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે, ખેડુતોને કોઈપણ માહિતી કે વિગત આપ્યા વગર જ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવાનો સરકારે આદેશ કર્યો હતો. જેના પગલે જે ખેડુતોનો હજુ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વારો નથી આવ્યો તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને હજુ વધુ મગફળીની ખરીદી કરવા ખેડુત આગેવાનો અને મંડળીઓએ રજુઆત કરી હતી. ત્યારે હવે, ગુજરાતના કૃષિ ડાયરેકટર ભરત મોદીએ જાહેરાત કરી છે કે હજુ ૧૩૯ ખરીદી કેન્દ્રો પર મગફળીની ખરીદી ચાલુ રહેશે જે ખેડુતો માટે મોટી રાહત ગણી શકાય.

ભરત મોદીએ કહ્યું કે, નાફેડ દ્વારા સરકાર લાભપાંચમના શુભદીનથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી અને ગુજરાત સરકારની આ માંગને કેન્દ્ર સરકારે સ્વિકારી ૪ લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવા મંજુરી આપી હતી. તેમજ અત્યાર સુધીમાં રાજય સરકારે રૂ.૩૪૭૫ કરોડની ૭.૭૬ લાખ મેટ્રીક ટન મગફળીની ખરીદી કરી છે અને આનો લાભ ૪,૦૧,૧૮૭ ખેડુતોને મળ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં ખેડુતોને ૨૫૮૪.૭૦ કરોડ રૂપિયાની ચુકવણી થઈ ગઈ છે. ગુજરાત કૃષિના ડાયરેકટર ભરત મોદીએ વધુમાં જણાવતા કહ્યું છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદીના પૈસા ખેડુતોના બેંક ખાતાઆેમાં જમા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે દર કિવન્ટલે મગફળીની ખરીદીના રૂ.૪૪૫૦ નકકી કર્યા હતા. જેની સામે રાજય સરકારે રૂ.૫૦નો વધારો કરી દર કવીન્ટલે રૂ.૪૫૦૦માં ખરીદી કરવી છે. જયારે મગફળીની બજાર કિંમત રૂ.૩૫૦૦થી ૩૬૦૦ની વચ્ચે છે.૧૩૯ સેન્ટરો પર મગફળીની ખરીદી ચાલુ રાખવાના રાજય સરકારના નિર્ણયથી ખેડુતોને મોટી રાહત મળી છે. જેમાં જે ખેડુતોનો ટેકાના ભાવે મગફળી વેચાણનો વારો આવ્યો નથી તેઓને વધુ એક તક મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.