Abtak Media Google News

ખેતીવાડી અધિકારીને સ્થળ પર બોલાવાયા: રૂ. ૧૨.૫૦ લાખનો માલ કબ્જે કરી ફેકટરીને સીલ કરી દેવાઈ

જૂનાગઢમાં નકલી ફૂગનાશક પાવડર બનાવી અને ખેડૂતોને બિન્દાસ રીતે નકલી ફુગનાશક પાવડર  ધાબડતી એક ફેક્ટરી ઉપર શનિવારે ખેડૂત આગેવાનોએ જનતા રેડ કરી લાખો રૂપિયાનો માલ પકડી પાડી ખેતીવાડી અધિકારીઓને જાણ કરતા ખેતીવાડી તંત્ર દ્વારા આ ફેક્ટરીને તાત્કાલિક ધોરણે સીલ કરાઇ છે, અને સેમ્પલ લઇ પૃથક્કરણ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાય છે, તો બીજી બાજુ જુનાગઢ પંથકમાં પકડાયેલ આ નકલી ફૂગ નાશક પાવડર બનાવતી કંપની પકડાતા ખેડૂતોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ ધોરાજી રોડ ઉપર ધમધમતી નકલી એક ફૂગ નાશક દવાની ફેકટરી ઉપર શનિવારે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી, ત્યારે જનતા રેડ સાથે જ ડઘાઈ ગયેલી ફેક્ટરીના માલિકે પોતાની પાસે લાયસન્સ ન હોવાનું જણાવતા ખેડૂત આગેવાનોએ તાત્કાલિક ખેતીવાડી વિભાગને જાણ કરતા અધિકારીઓ મારતી ગાડી ફેક્ટરીએ પહોંચ્યા હતા અને નકલી દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, અને ૧૨.૫૦ લાખ જેટલો માલ અને ફેકટરી સિલ  કરી દેવામાં આવી હતી.

ગુજરાત કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયા, જૂનાગઢ જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ મનિષભાઇ નાંદાનીયા, રાજકોટ જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ કેતન ગઢીયા, કિશોરભાઈ પટોલિયા સહિતના ખેડૂત આગેવાનોએ જૂનાગઢ ધોરાજી રોડ ઉપર આવેલા જય ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ નામની એક ખેડૂત માટે ફૂગનાશક પાવડર બનાવતી ફેક્ટરી ઉપર જનતા રેડ કરી હતી અને જનતા રેડ કરી તેમના માલિકો સાથે ચર્ચા કરતા નકલી પાવડર બનાવતા આ ફેક્ટરીના માલિકોએ તેમની પાસે લાયસન્સ ન હોવાનું અને અમદાવાદની એક ઇન્ડસ્ટ્રીઝના નામ, સરનામા વાળી દવાઓ બનાવી, વેચતા હોવાનું જણાવ્યું હતું. તો બીજી બાજુ ફેક્ટરીમાં લાખો રૂપિયાનો તૈયાર અને કાચો ફૂગનાશક પાવડર પણ જણાઈ આવતા તાત્કાલિક ખેડૂત આગેવાનોએ ખેતીવાડી અધિકારીઓને જાણ કરી હતી, અને આ બાબતની તંત્રને જાણ થતાં ખેતીવાડી નાયબ વિકાસ અધિકારી કેતન પરસાણીયા, ખેતીવાડી અધિકારી જે.યુ. ચૌહાણ સહિતની ટીમ નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઉપર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરતા, આ ફેક્ટરીના માલિક પાસે લાયસન્સ ન હોવાનુ  અને લાઇસન્સ વગર ફૂગ નાશક જંતુનાશક દવા બનાવતા હોવાનુ ખુલતા લગભગ ૧૨.૫૦ લાખનો શંકાસ્પદ માલ સીઝ કરવામાં આવ્યો હતો અને તેમના સિમ્પલ લઇ પૃથક્કરણ માટે મોકલવા માટેની તજવીજ હાથ ધરાઇ હતી.

જુનાગઢ પંથકમાં બેરોકટોક, બિન્દાસ અને ગેરકાયદેસર ચાલતી નકલી જંતુ નાશક દવા બનાવતી અને  સાડા બાર લાખ જેટલો ફૂગનાશક નકલી પાઉડરનો જથ્થો પકડાતા કિસાન પુત્રોમાં ખડભડાટ મચી જવા પામ્યો છે, કારણ કે ખેતરમાંથી ફૂગ દૂર કરવા માટે હજારો ખેડૂતોએ આ ફેકટરી નો ફૂગ નાશક પાવડર પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જો તે નકલી અને હલકી ગુણવત્તા વાળો  સાબિત થશે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

દરમિયાન ખેતીવાડી નાયબ  વિકાસ અધિકારી કેતન પરસાનિયા એ  જણાવ્યું હતું કે, હાલમાં આ જથ્થાના સેમ્પલો લેવાયા છે અને પૃથ્થકરણ માટે સરકારી લેબમાં મોકલશો અને જો તે નકલી અને યોગ્યતા ધરાવતા સાબિત નહિ થાય તો તેમની સામે કોર્ટ અને ફોજદારી રાખે ફરિયાદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.