Abtak Media Google News

૧૫ જિલ્લાના ૧૧ લાખ લોકોને સ્થળાંતર કરાવીને સુરક્ષીત સ્થળે મોકલાયા: વાવાઝોડું ૨ દિવસ ભારતમાં રહ્યા બાદ પાંચમીએ ૨૩ કિ.મી.ની ઝડપે બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે: કોલકત્તા એરપોર્ટ આજથી બે દિવસ બંધ રાખવાનો નિર્ણય: ૧૦૩ ટ્રેનો રદ્દ કરાઈ

વાવાઝોડુ ફેની ઓરિસ્સાના દરિયાકાંઠા ઉપર ત્રાટકયું છે. આ દરમિયાન ૧૭૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પણ પડી રહ્યો છે. આ વાવાઝોડાના પગલે વિનાશની ભીતિ સેવાઈ રહી છે. જયારે સલામતીના ભાગરૂપે સરકારે ઓરિસ્સાના ૧૫ જિલ્લાના ૧૧ લાખ લોકોને સ્થળાંતર કરાવી સુરક્ષીત જગ્યાએ મોકલી આપ્યા છે. હાલ વાવાઝોડુ ફેની ૨૩ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ તરફ આગળ ધપી રહ્યું છે.

ફેની વાવાઝોડુ ઓરિસ્સાના પુરી તટ સુધી પહોંચી ગયું છે. વાવાઝોડાના કારણે ૧૭૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ઉપરાંત દરિયામાં ઉંચા મોજા પણ ઉઠી રહ્યાં છે. બપોર સુધી આ વાવાઝોડાની અસર રહે તેવી શકયતા સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૨૩ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફેની વાવાઝોડુ બાંગ્લાદેશ તરફ આગળ વધવાનું છે. આ સંજોગોમાં પં.બંગાળના દરિયા કિનારાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.Fani

સલામતીના ભાગરૂપે ઓરિસ્સાના ૧૫ જિલ્લામાંથી ૧૧ લાખ લોકોનું સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. ફેનીને ૨૦ વર્ષનું ઓરિસ્સાનું સૌથી જોખમી વાવાઝોડુ માનવામાં આવી રહ્યું છે. ફેની વાવાઝોડુ આજે ઓરિસ્સાના પુરી તટે પ્રવેશયું છે. આ વાવાઝોડુ આવતીકાલે પશ્ર્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે ત્યારબાદ પાંચ મેના રોજ સવારે ૧૦ કલાકે બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

ફેની વાવાઝોડાના પગલે ભારે પવન સાથે અનેક સ્થળોએ વરસાદ પણ પડયો છે. વાવાઝોડાના કારણે તંત્ર દ્વારા ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઓરિસ્સા સરકારે ૦૬૭૪૨૫૩૪૧૭૭, ગૃહ મંત્રાલયે ૧૯૩૮ અને સુરક્ષા વિભાગે ૧૮૨ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. ઓરિસ્સા સરકાર દ્વારા ફેની વાવાઝોડા સામે બચાવ માટે અનેક પગલા લેવામાં આવ્યા છે. સરકારે આજે સવાર સુધીમાં ૧૧.૫૦ લાખ લોકોને સંવેદનશીલ વિસ્તારમાંથી ખસેડયા છે.

કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને રાહત કેન્દ્ર, શાળા, કોલેજો તથા અન્ય સુરક્ષીત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. રાજયમાં ૩૦૦૦થી વધુ રાહત કેમ્પો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૮ એનડીઆરએફ તથા ૫૨૫ ફાયર ફાઈટરની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે કોલકત્તા એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ૧૦૩ જેટલી ટ્રેનો પણ રદ્દ કરાઈ છે જેમાં અમદાવાદ આવતી બે ટ્રેનોનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સામાં ૧૯૯૯માં આવેલા સુપર સાઈકલોન બાદ પહેલી વખત રાજયમાં આટલુ પ્રચંડ વાવાઝોડુ આવ્યું છે. ૧૯૯૯માં આવેલા સુપર સાઈકલોનમાં ૧૦,૦૦૦ લોકોના જીવ ગયા હતા. આ તોફાનની ઝડપ ૨૭૦ થી ૩૦૦ કિ.મી.ની પ્રતિ કલાકની હતી. હવામાન વિભાગના અનુમાન મુજબ ફેની પણ ભયાનક તાંડવ મચાવી શકે તેમ છે જે થોડો સમય વીતતા નબળુ પણ પડી શકે તેમ છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ફેની વાવાઝોડામાં કાચા મકાન, ઝુંપડા સંપૂર્ણ બરબાદ થઈ જશે, રોડ રસ્તાને પણ ભારે નુકશાન થવાનું છે, વીજળીના પોલ અને ટેલીફોનના વાયરો તૂટી જવાની ભીતિએ સમગ્ર વિસ્તારમાં અંધારપટ્ટ અને ઝીરો કોમ્યુનિકેશનની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે. આ ઉપરાંત ફેનીના પગલે ચૂંટણીપંચે બચાવ અને રાહત કાર્યમાં સરળતા રહે તે માટે ૧૧ જિલ્લામાંથી આચારસંહિતા પણ દૂર કરી દીધી છે. ઉપરાંત સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સુચન પણ કર્યું છે અને જો કોઈ મુશ્કેલી સર્જાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.