Abtak Media Google News

યુએસે નિકાસના નિયમો હળવા કરી ભારત માટે એન.એસ.જી. સભ્યપદનો માર્ગ મોકળો કર્યો

નિકાસકારો માટે આનંદના સમાચાર છે. અમેરિકાએ ભારતને ગ્રેડ-૧માં મુકયું છે અને આ સાથે નિકાસના નિયમો હળવા કરી ભારત માટે ન્યુકલીઅર સપ્લાયર્સ ગ્રુપ-એનસીજીના સભ્યપદનો માર્ગ મોકળો કરી દીધો છે.

અમેરિકાના આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે. યુએસે ભારતને વેપારમાં નાટો દેશોને સમાન દરજજો આપ્યો છે. જણાવી દઈએ કે યુએસ દ્વારા આ નિર્ણય સંરક્ષણ ક્ષેત્રે હાઈટેક ઉપકરણો અને બિનસંરક્ષણ સંબંધિત ડિવાઈસીસના વેચાણમાં વધારો કરવાના હેતુથી લેવાયો છે.

આ સંરક્ષણ ક્ષેત્રના ડીવાઈસીસ એવા છે કે જેના વેચાણ માટે આકરા નિયંત્રણ અને લાયસન્સની જરૂર પડે છે પરંતુ અમેરિકાએ આ ક્ષેત્રે ભારતને ગ્રેડ-૧માં મુકતા ભારતીય નિકાસકારો માટે મોટી તક ઉભી થઈ છે અને તેઓ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીને હાંસલ કરી શકશે.

ટ્રમ્પ શાસનના આ નિર્ણયથી ચીનને એ પણ સ્પષ્ટ સંકેત મળી ગયા છે કે ગ્લોબલ ન્યુકલીઅર કોમર્સ ક્ષેત્રે ભારત ટોચનું સ્થાન હાંસલ કરવાની કાબિલયત ધરાવે છે. અમેરિકાએ ભારતને ગ્રેડ-૧માં સ્થાન આપતા ભારત-અમેરિકાના પોલીટીકલ સંબંધો પણ વધુ મજબુત બનશે અને બંને દેશો સૌથી મોટા ડિફેન્સ પાર્ટનર બનશે.

અમેરિકાના વાણિજય મંત્રી વિલ્બર રોસે ઈન્ડો-પેસેફિક બિઝનેસ ફોરમમાં આ અંગે જણાવતા કહ્યું કે, અમે ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઈજેશન સ્ટેટસ એસટીએ-૧ આપ્યું છે. આ ખાસ સ્ટેટસ છે અને તેનાથી ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ તેમજ આર્થિક સંબંધોને નવો અર્થ પ્રાપ્ત થશે. અમેરિકાના આ નિર્ણયથી ભારતને યુએસ તરફથી થનારી આયાત માટે જરૂરી લાયસન્સની સંખ્યામાં ઘટાડો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.