સાઉથની “ગુલાબી ડુંગળી” ને નિકાસની છૂટ!!

નિકાસકારો ૧૦ હજાર મેટ્રિક ટનની મર્યાદામાં ૩૧ માર્ચ સુધી કરી શકશે ડુંગળીની નિકાસ

આ વર્ષે ચોમાસુ ખૂબ સારું રહેવાની શકયતા હતા જેના પરિણામે રાજ્યમાં ખૂબ સારું વાવેતર થયું હતું અને ખેડૂતો સારામાં સારી ઉપજ મેળવવાની અપેક્ષા રાખી રહ્યા ગત પરંતુ વરસાદની માત્રા વધતા લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ પરિણમી હતી જેના કારણે પાક બગડવાની ભીતિ સેવાઇ હતી. જો કે, અનેકવિધ પાકને નુકસાન પણ સર્જાયું છે તે બાબતને પણ અવગણી શકાય નહીં. પાક બગડવાની ભીતિએ સરકારે ગરીબોની કસ્તુરી સમાન ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. જેના કારણે અમુક રાજ્યોએ કેન્દ્ર સરકાર સામે મોરચો પણ માંડ્યો હતો.

ભારતમાં થતી ડુંગળીઓના ઘણા પ્રકાર છે. પ્રકાર મુજબ ડુંગળીનું આયુષ્ય પણ વધુ – ઓછું હોય છે. અમુક ડુંગળીનો સંગ્રહ એકાદ વર્ષ સુધી કરવામાં આવે તો પણ બગડતી નથી જ્યારે અમુક ચોક્કસ પ્રકારની ડુંગળીનો ઉપયોગ જો ૯૦ દિવસમાં ન થાય તો ડુંગળી બગડી જતી હોય છે. જેથી તેનો નિકાલ ઝડપી થાય તે પણ જરૂરી છે.

ભારત એશિયા ખંડમાં સૌથી મોટો ડુંગળીનો ઉત્પાદક અને નિકાસકાર છે. ભારત બાંગ્લાદેશ, શ્રી લંકા, મલેશિયા, યુનાઇટેડ આરબ અમીરાત સહિતના દેશોમાં ડુંગળીની નિકાસ કરે છે. પરંતુ પાક બગડવાની ભીતિએ ભારતમાં ડુંગળીની અછત ન સર્જાય તે હેતુસર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

જો કે, હવે એકાદ મહિનામાં ડુંગળીનો નવો પાક બજારમાં આવે તેવી પ્રબળ શકયતા છે ત્યારે ફરીવાર ડુંગળીની નિકાસને છૂટ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ રાજ્યોની ગુલાબી ડુંગળીને નિકાસની છૂટ આપવામાં આવી છે તેમજ પ્રત્યેક નિકાસકારને ૧૦ હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસ માટે છૂટ આપવામાં આવી છે.

વાણિજ્યક અને ઉદ્યોગ વિભાગના મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કરીને સતાવાર રીતે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વધારવા હેતુસર બેંગ્લોરની ગુલાબી ડુંગળી અને કૃષ્ણપુરમની ડુંગળીને નિકાસની છૂટ આપવામાં આવી છે. દરેક નિકાસકાર હાલ ૧૦ હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરી શકશે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા શુક્રવારે એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, બેંગ્લોરની રોઝ ડુંગળીની નિકાસ કરી શકાશે જેનું શિપમેન્ટ ફક્ત ચેન્નાઈ બંદર મારફત જ મોકલી શકાશે. નિકાસ ૩૧  માર્ચ ૨૦૨૧ સુધી કરી શકાશે. જેના માટે નિકાસકારોએ કર્ણાટકના બાગાયતી વિભાગના કમિશ્નરની ડુંગળીની ગુણવતા અને માત્રા અંગે મંજૂરી લેવી અનિવાર્ય રહેશે.  તેવી જ રીતે કૃષ્ણપુરમની ડુંગળીની નિકાસ માટે આંધ્રપ્રદેશના બાગાયતી ખેતી વિભાગના કમિશનરની મંજૂરી લેવી અનિવાર્ય રહેશે.  ભારતે ગયા વર્ષે ડુંગળીના વધતા ભાવોને પગલે ભાવ પર નિયંત્રણ મેળવવા નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો અને ડુંગળીના લઘુત્તમ નિકાસ ભાવ (એમઇપી) ને એક ટન દીઠ ૮૫૦ ડોલર નક્કી કર્યો હતો, જેથી પૂરને કારણે સ્થાનિક બજારમાં વધતા ભાવમાં ઘટાડો કરવામાં મદદ મળી શકે.   આ વર્ષે માર્ચમાં એમઇપી ઉપાડવામાં આવી હતી અને ડુંગળીને નિકાસ માટે મફત બનાવવામાં આવી હતી.  નાણાકીય વર્ષ ૨૦૨૧ ના  જૂન ગાળામાં ભારતે ૧૯૮ મિલિયન ડોલરડુંગળી અને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૪૦ મિલિયનની નિકાસ કરી હતી.

Loading...