Abtak Media Google News

વરઘોડામાં ભડાકાના બનાવો અટકાવવા વરરાજા સામે કાર્યવાહી કરવી જોઇએ!!

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના બોરડા ગામે લગ્નના વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતી વેળાએ અકસ્માતે છુટેલી ગોળી બેન્ડ પાર્ટીના એક યુવકને લાગતા વરઘોડામાં અફડા તફડી મચી ગઇ હતી. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ ખાતે રહેતો સંજય જોન આચંડી સરસ્વતિ નાસિક ઢોલ નામની બેન્ડ પાર્ટીનો સંચાલકે મહુવા તાલુકાના બોરડા ગામે લગ્નના વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતી વેળાએ અકસ્માતે છુટેલી ગોળી ઢોલી દશરથભાઇ રાઠોડને વાગતા અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધવામાં આવી છે.

પોલીસની ફરિયાદમા જણાવ્યા પ્રમાણે અમરેલીના મોનીલભાઇ ડેરના લગ્ન મહુવાના બોરડા ગામે વરઘોડામાં અમદાવાદની બેન્ડ પાર્ટી આવેલી ત્યારે અજાણ્યા શખ્સે હવામાં ફાયરીંગ કરતી વેળાએ ઢોલીને લાગેલી ગોળીથી પ્રથમ તળાજા અને વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આરોપી પકડાયા બાદ બંદુક લાયસન્સ વાળુ છે કે કેમ બહાર આવશે.

અવાર નવાર લગ્નમાં વરઘોડામાં ફાયરીંગની ઘટનાઓ પ્રકાશમાં આવે છે અને અનેક નિર્દોષ યુવકના ભોગ લીધો છે. પોલીસે આ મામલે વરરાજા સામે ગુનો નોંધી કાર્યવાહી કરવી જોઇએ તો જ વરઘોડામાં બનતી ફાયરીંગ ઘટનાઓ અટકાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.