વોર્ડ નંબર 9માં સરકારી ડિજીટલ શાળાનો લાભ મળે તેવી લોકોની અપેક્ષા

રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ

રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ

વોર્ડ નં. ૧ થી ૯માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

વોર્ડ નંબર ૯ના નગર સેવકો રહેવાસીઓને પોતાનો પરિવાર માને છે: અજય રાજાણી (શિક્ષક, રસાયણ વિભાગ)

રસાયણ વિભાગ ના શિક્ષક અને રાજકોટ શહેરમાં ખાનગી ટ્યુશન કલાસ તેમજ અનેક સ્કૂલ સાથે જોડાયેલ અજયભાઈ રાજાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લી ૩ ટર્મથી વધુ સમયથી વોર્ડ નંબર ૦૯માં ભાજપનું શાસન રહેલ છે .વોર્ડ નંબર ૯ માં ૩૩ જેટલા પબ્લિક ગાર્ડન આવેલ છે. અમે શિક્ષકો દરરોજ વોકિંગ કરવા માટે ગાર્ડનમાં જઈએ છીએ. સ્વાસ્થ્ય સારું રહે છે અને તંત્ર દ્વારા અમૂલ્ય ભેટ આપવામાં આવેલ છે. સ્થાનિક નગર સેવકોના પ્રયાસથી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ વોર્ડ નંબર ૯ ને મળ્યો છે.સાથે જ ગુજરાતની સૌથી મોટી કહી શકાય તેવી સરકારી લાયબ્રેરી પણ અહીં જ આવેલ છે. સરકારી ભરતી માટેની પરીક્ષાઓની તૈયારી કરવા માટે અનેક વિદ્યાર્થીઓ અહીં રીડિંગ માટે આવે છે.અમે તમામ શિક્ષકો પણ વાંચન માટે આ લાઈબ્રેરીનો લાભ લઈએ છીએ. એક શિક્ષકનું હૃદય હોવાને કારણે આવનારા નગર સેવકો પાસે એક આશા છે કે સરકારી ડિઝિટલ શાળાનો લાભ વોર્ડ નંબર ૯ ના રહેવાસીઓને મળે. અમારા વોર્ડના નગર સેવકો સ્થાનિકોને એક પરિવાર માને છે.

એક માત્ર મહિલા સ્નાનાગાર વોર્ડ નંબર ૯માં  છે: જયેશ વિરડીયા (ટ્રસ્ટી, અક્ષર સ્કૂલ)


વોર્ડ નંબર ૯ માં આવેલ અક્ષર સ્કૂલના ટ્રસ્ટી જયેશભાઇ વિરડીયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક માત્ર મહિલા સ્નાગાર વોર્ડ ૦૯ માં આવેલ છે. કોઈ પણ પ્રશ્ન આવે તકલીફ થઇ હોઈ, નગર સેવકોને ફોન કરતા તુર્તજ હાજર રહી પ્રશ્નનું નિરાકરણ કરે છે.આવનારા વર્ષોમાં વોર્ડના વિકાસ ને આગળ વધારે તેવા નગર સેવકો અમે વધુ પસંદ કરીશું. હાલના તમામ નગરસેવકોની કામગીરીથી અમે ખુબજ ખુશ છીએ.વોર્ડના નગર સેવકો અમને એક પ્રજાની દ્રષ્ટિએ નહિ પરંતુ એક પરિવારજન તરીકે સાંભળી કોઈ પણ પ્રશ્નોના યોગ્ય નીર્ણય લે છે.

 

Loading...