Abtak Media Google News

રૂપાણી સરકારનો આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય

નિકાસનાં ઓર્ડર હોય તેવા ઉધોગોએ જિલ્લા કલેકટર પાસેથી ઉધોગ શરૂ કરવાની મંજુરી મેળવવાની રહેશે

કોરોનાનાં પગલે જયારથી લોકડાઉનની સ્થિતિ સર્જાય છે ત્યારથી ધંધા-રોજગારો બંધ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ સરકારે અર્થવ્યવસ્થાને પાટા પર ચડાવવા માટે ઔધોગિક એકમોને શરતોને આધીને છુટછાટ આપવામાં આવી છે ત્યારે રૂપાણી સરકાર દ્વારા આર્થિક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે જેમાં નિકાસકર્તા એકમોને છુટછાટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્ર્વિનીકુમાર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એકસપોર્ટનાં ઓર્ડર હોય તેવા ઉધોગોએ જિલ્લા કલેકટર પાસેથી શરતોને આધીન ઉધોગ શરૂ કરવાની મંજુરી મેળવવી પડશે. લોકડાઉન દરમિયાન રાજયનાં એકસપોર્ટ ઓરીયેન્ટેડ એકમોને આર્થિક રીતે સઘ્ધરતા આપવા આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે ઉધોગોને ૨૫ એપ્રિલથી શરૂ કરી શકાશે. વધુમાં તેમના જણાવ્યા મુજબ આ પ્રકારનાં એકસપોર્ટ એકમો કે જેમની પાસે એકસપોર્ટનાં ઓર્ડર પેન્ડીંગ હોય અને ઉધોગ એકમ મ્યુનિસિપલ લીમીટમાં હોય પરંતુ ક્ધટેન્ટમેન્ટ વિસ્તારની બહાર કાર્યરત હોય તે તમામ એકમોને પુન: શરૂ કરવાની પરવાનગી અપાશે.

આ હેતુસર ઉધોગ એકમોએ સંબંધિત જિલ્લા કલેકટરને અરજી કરી પરવાનગી મેળવવાની રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતનાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની સુરક્ષા, સલામતીની ગાઈડલાઈનનાં નિયમો પણ જાળવવા પડશે તેવી મુખ્યમંત્રીનાં સચિવ દ્વારા માહિતી આપવામાં આવી હતી. સાથો સાથ જે કંપની તેમના નિકાસને લગતા ઉધોગ શરૂ કરવા માંગતી હોય તે તમામ યુનિટોએ તેમનાં કર્મચારીઓ માટે એકમોડેશનની સુવિધાઓ પુરી પાડવામાં આવી જોઈએ એવું પણ જણાવ્યું હતું અને સાથોસાથ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ સોશિયલ ડિસ્ટન્સીંગ રાખીને આયોજન કરવાની તાકિદ કરવામાં આવી છે. સાથો સાથ એમ્પ્લોયરને ૧૨ કલાકની શીફટ કરવાનું પણ જણાવ્યું છે. જે મુજબ અતિરેક મહેનતાણું કામ કરતા કર્મીઓને આપવા પણ જણાવાયું છે. જો એકસપોર્ટ યુનિટમાં કોઈપણ મહિલાઓ કામ કરતી હોય તો તેઓને સવારનાં ૭ વાગ્યાથી સાંજનાં ૬ વાગ્યા સુધી જ કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે. જે કોઈ ઉધોગ આ સુચનો અને શરતોનું ઉલ્લંઘન કરશે તો તેમને મળેલા રિલેકસેશનને બાદ કરી તે યુનિટને બંધ કરી દેવામાં આવશે તેમ મુખ્યમંત્રીનાં સચિવ દ્વારા જાણવામાં આવ્યું હતું.

પુન: કામ પર કેવી રીતે ચડીશું ?

લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકોને ફરી કામ પર કેવી ચડાવવા તે જે-તે ઉધોગ માટે સૌથી મોટો પ્રશ્ર્ન બની રહેશે. કોરોનાનાં કારણે જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી છે તેનાથી ઘણાખરા ધંધા-રોજગારોને પણ તેની માઠી અસરનો સામનો કરવો પડયો છે. હાલ કોરોનાને લઈ કામ કરતા કર્મચારીઓમાં ભયનો માહોલ પણ ઉદભવિત થયો છે જો નિયત સમય પર ધંધા-રોજગારો ફરીથી શરૂ નહીં થાય તો તેની અસર સીધી જ અર્થવ્યવસ્થા પર પડશે જે માટે કર્મચારીઓએ તેમનાં કામ પર જવું અત્યંત જરૂરી છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સામે રાખવો પણ એટલું જ અનિવાર્ય છે.

આવનારા સમયમાં કર્મચારીઓ જે કામ કરતા હોય તેઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું અનિવાર્ય બનશે અને સાથો સાથ અર્થવ્યવસ્થાને પણ પાટે ચઢાવવા માટે કામ કરવા પડશે. હાલ સરકાર આ તમામ મુદાઓને ધ્યાને લઈ હેલ્થકેર ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તેવું પણ માનવામાં આવશે. સર્વે મુજબ ૬૦ વર્ષ કે તેથી વધુનાં લોકોની આ સમયમાં સારસંભાળ લેવી અત્યંત જરૂરી છે જેના માટે આ વયનાં લોકોને સમાજ અને સામાજીક પ્રવૃતિઓથી દુર રાખવા પણ સુચવવામાં આવ્યું છે ત્યારે આ તમામ કર્મચારીઓ લોકડાઉન બાદ પુન: કામ પર કેવી રીતે ચડશે તે જાણવું અત્યંત જરૂરી બન્યું છે.

ઓવરડ્રાફટ અને સી.સી.ની રકમ ઈલેકટ્રોનિક કાર્ડથી ઉપયોગ કરી શકાશે

દેશનાં બેન્કિંગ ક્ષેત્ર માટેનાં નિયમો હળવા કરીને ગુરૂવારનાં રોજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને ઓવરડ્રાફટ ખાતા ધરાવતા ખાતેદારો માટે ઈલેકટ્રોનિક કાર્ડ ઈસ્યુ કરવાની મંજુરી આપી છે જેમાં સી.સી. ધારકોને પણ આ કાર્ડનો લાભ મળી શકશે. પ્રતિબંધો અને નિયમોની મર્યાદામાં રહીને માત્ર પર્સનલ લોન માટે જ ઈલેકટ્રોનિક કાર્ડ ઈસ્યુ કરવા આરબીઆઈએ મંજુરી આપી છે. સેન્ટ્રલ બેંક દ્વારા જુલાઈ-૨૦૧૫માં ગ્રાહકોને ડેબિટ કાર્ડ આપવા નિયમો બનાવવામાં આવ્યા હતા. આરબીઆઈનાં સંપર્ક સુત્ર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ઈલેકટ્રોનિક કાર માત્ર ઓવરડ્રાફટ એકાઉન્ટ અને કેશ ક્રેડિટ માટે જ વાપરી શકાશે પરંતુ આ કાર્ડનો ઉપયોગ ચેક અને રોકડની અવેજીમાં નહીં વાપરી શકાય. બેંકોને આ યોજનાનો અમલ કરવા માટે મંજુરી અને ઈલેકટ્રોનિક કાર્ડની કામગીરીની સુરક્ષા તથા તેમના વપરાશનાં જોખમની શકયતાનો અભ્યાસ અને આંતર માળખાકિય સુવિધા ઉભી કરી તેની અમલવારી અંગે ચકાસણી પણ કરવામાં આવી છે. બેંકોને ગ્રાહકોના ઓવરડ્રાફટ એકાઉન્ટ માટે ઈલેકટ્રોનિક કારની મંજુરીનાં આરબીઆઈનાં નિર્ણયથી બેન્કિંગ વ્યવહારને ડિજિટલ ટ્રાન્ઝેકશન તરફ લઈ જવા માટે વધુ એક ડગલુ આગળ વધાર્યું છે.

લોન લેનાર ઉધોગ સાહસિકોને લોન ભરપાઈ કરવામાં પડી રહી છે મુશ્કેલી

એસોસીએશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, ઉધોગ સાહસિકો દ્વારા જે લોન લેવામાં આવી હોય તે લોનની ભરપાઈ કરવી અત્યંત મુશ્કેલ બની છે ત્યારે સરકારે આ પ્રકારનાં ઉધોગોને સરકારે કેવી રીતે છુટછાટ આપવી જોઈએ. કયાં પ્રકારનું રીલેકસેશન આપવું જોઈએ આ તમામ મુદાઓ હાલ ધ્યાને લેવામાં આવે તો ઘણાખરા પ્રશ્ર્નોનું નિવારણ થઈ શકે તેમ છે. કોરોનાનાં પગલે જે કોઈ નાના ઉધોગ સાહસિકો દ્વારા લોન લેવામાં આવી હોય તેની ભરપાઈ કરવાનો પુરતો સમય હજુ સુધી મળેલ નથી જેનું એકમાત્ર કારણ લોકડાઉનનાં પગલે જે ઉધોગો બંધ થઈ ગયા છે તેને લઈ નાણાકિય વ્યવહાર પણ ઠપ્પ થતા આ તકલીફ ઉદભવિત થઈ છે. લોનની ભરપાઈ કરવામાં ન આવતા નાના ઉધોગકારોનાં ક્રેડિટ સ્કોરને પણ અસર પહોંચી હોવાનું સામે આવ્યું છે ત્યારે પર્સનલ લોનનું આઉટ સ્ટેન્ડીંગ ૨૫.૩૨ લાખ કરોડ ફેબ્રુઆરી ૨૦૨૦નાં અંત સુધીમાં જોવા મળ્યું હતું. લોન લેનાર નાના ઉધોગકારોએ તેમના લોનના હપ્તા નિયત સમયમાં ભરવાની પણ ફરજ પડી છે જેથી તેમનો ક્રેડિટ સ્કોર જળવાય રહે પરંતુ હાલની સ્થિતિ જોતા એ વાત પણ સામે આવે છે કે, આ કાર્ય કેવી રીતે શકય બનશે. એસોસીએશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં જણાવ્યા મુજબ એજયુકેશન ક્ષેત્રે લોન લેવાનાં દરમાં ૩.૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલનાં સમયે કોઈપણ પ્રકારની પારાવાર મુશ્કેલીનો સામનો નાના ઉધોગકારોએ ન કરવો પડે અને તેમનાં ક્રેડિટ સ્કોરને કોઈ અસર ન પહોંચે તે દિશામાં વિચારવું અત્યંત જરૂરી બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.