Abtak Media Google News

રાજ્યસભાનું ‘અદભૂત’ સત્ર ૮ દિવસ વહેલુ સમેટાયું

ભારતના લોકતાંત્રીક ઈતિહાસમાં સંસદનું વર્તમાન સત્ર અદ્ભૂત કામગીરી માટે યાદગાર બનશે અનેકવિધ મહત્વકાંક્ષી કાયદા, ચર્ચા અને કામગીરી છતાં ઝડપથી ચાલેલુ સત્ર તમામ કાર્ય આયોજન પૂર્ણ કરીને ૮ દિવસ વહેલુ સમેટાવા પામ્યું છે. કેટલાક મુસદાઓને લઈને વિપક્ષોના વિરોધ વચ્ચે ચાલેલા આ સત્રમાં કુલ ૮ ખરડાઓ પાસ કરવામાં આવ્યા હતા. જેમાં વિદેશ યોગદાન અધિનિયમ ખરડો, ઔદ્યોગીક વિવાદોના દ્વિપક્ષીય આર્થિક ઉકેલ માટે સમાધાન અધિનિયમ, જમ્મુ-કાશ્મીર સત્તાવાર ભાષા અધિનિયમ, ત્રણ મજૂર કાયદાઓ અને ૨ સુધારા ખરડાઓ સહિત ૮ જેટલા કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા.  સમગ્ર દેશના ઉદ્યોગજગતને સીધા સ્પર્શતા મજૂર કાયદામાં ઉદ્યોગ જગતને સરળતા રહે તે માટે ધરમુળમાંથી સુધારાઓ કરવામાં આવ્યા છે.

મજૂર કાયદામાં કરવામાં આવેલી મહત્વની જોગવાઈમાં ૩૦૦ કર્મચારી સુધક્ષના ઔદ્યોગીક વ્યવસાયીક પ્રતિષ્ઠાનો માટે કામદારોની છટણી અને ભરતીની પ્રક્રિયામાંથી સરકારની મંજૂરીને મુક્તિ આપવામાં આવી છે. અગાઉ આ મર્યાદા ૧૦૦ કર્મચારીઓની હતી. ત્યારબાદ ૨૦૦ કર્મચારીની કરવામાં આવી હતી. હવે ૩૦૦ જેટલા કર્મચારીઓ ધરાવતા ઔદ્યોગીક ક્ષેત્રના ઉદ્યોગપતિઓને પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓની છટણી અને ભરતીની સંપૂર્ણ સ્વાયતતા આપવામાં આવી છે.

આ ઉપરાંત એફસીઆરએ અધિનિયમ અને જમ્મુ-કાશ્મીર ઓફિશીયલ લેંગ્વેજ બીલ અને બે વધારાના સુધારા ખરડા સાથે કુલ ૮ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે વૈંકેયા નાયડુએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ગૃહમાં જે રીતની ધમાલ થઈ તે ખરેખર દુ:ખદાયી છે. લોકતંત્ર માટે આ પરિસ્થિતિ ક્યારેય આવકાર્ય નથી. હવે દરેકે આ વાતનું પુનરાવર્તન ન થાય તે માટે સજાગ રહેવું જોશે. તેમણે વિપક્ષના નેતા ગુલાબ નબી આઝાદના આક્ષેપોનો રદ્દીઓ આપી જણાવ્યું કે, ગૃહમાં કોઈ કાર્યવાહી નિયમ વિરુધ્ધ થતી નથી.

આ કાયદાની સુરક્ષા, આરોગ્ય, કાર્ય સ્થિતિ અને ઉદ્યોગો અને કામદારો વચ્ચેના સંબંધોને વધુ પારદર્શક અને પરસ્પરના હિમાયતી બનાવવામાં આવ્યા છે. આ સુધારા કાયદાનો મુળભૂત હેતુ દેશમાં ઔદ્યોગીક વ્યવસાયને સાનુકુળ પારદર્શક બનાવવાનો છે. મંત્રીએ માહિતી આપી હતી કે, ૧૬ જેટલા રાજ્યોએ અગાઉ જ ૩૦૦ કામદારો સુધીના કારખાનાઓમાં છટણી અને ભરતીના સરકારી મંજૂરીની જરૂર ન હોવાની જોગવાઈ અપનાવી લીધી છે. રાજ્યોને મજૂર કાયદાના અમલ માટે કેટલાક અંશે સ્વાયતતા આપવામાં આવી છે. આ કાયદાથી શ્રમિકો અને કામદારોના વિનીમય માટેની સારી વ્યવસ્થા ઉભી થશે. આ કાયદાઓ કામદારો ઉપરાંત ઉદ્યોગપતિઓ માટે પણ સાનુકુળ વાતાવરણ ઉભા કરનારા બનશે. મજૂરોની સામાજિક સુરક્ષા માટેના ભંડોળમાં ૪૦ કરોડ અસંગઠીત કામદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઓછામાં ઓછા ૨૦ કામદારો ધરાવતા ઉદ્યોગોમાં ઈપીએફની જોગવાઈ અને હડતાલ જેવા સંજોગોમાં ૧૪ દિવસની નોટિસનો ધારો અમલમાં આવ્યો છે.

નવા મજૂર કાયદાથી ઔદ્યોગીક વિકાસ અને કામદારોના હક્ક-હિતની થશે જાળવણી

રાજ્યસભામાં પસાર થયેલા મજૂર કાયદાની જોગવાઈઓમાં ઉદ્યોગપતિઓને વ્યવસાયીક હિતમાં કેટલીક સ્વાયતતા આપવામાં આવી છે. સંગઠનનો દૂરઉપયોગ કરતા કામદારો વ્યવસાય માટે નુકશાનકારક થતા હોય તેવી પરિસ્થિતિમાં ઉદ્યોગપતિઓ પોતાના સ્ટાફમાં કોઈપણ મંજૂરી વગર છટણી અને ભરતી કરી શકશે. અગાઉ આ સંખ્યા ૧૦૦ની હતી હવે ૩૦૦ કર્મચારી ધરાવતા ઉદ્યોગો માટે આ છુટ લાગુ પાડવામાં આવી છે. આ ઉપરાંત શ્રમજીવીઓ, મજૂરો અને અસંગઠીત ક્ષેત્રના

કામદારોના જીવન ધોરણ, સવલતો, આરોગ્ય સંબંધી જોગવાઈઓમાં માનવીય ધોરણે વધુ છુટછાટ આપવામાં આવી છે અને જેનાથી કામદારોનું જીવન ધોરણ, આવક અને લઘુતમ વેતન દર અને રોજગાર, ઈપીએફઓ જેવી સવલતો સુરક્ષીત બનશે.

મજૂર કાયદો ઉદ્યોગ અને કામદારો બન્ને માટે ફળદાયી પુરવાર થશે

રાજ્યસભામાં બુધવારે પસાર થયેલા મજૂર કાયદા, ઉદ્યોગ અને કામદાર બન્ને માટે કાયાપલટ બનનારા સાબીત થશે. ઉદ્યોગોને સરળ સંચાલન, આર્થિક પડકારોને પહોંચવા માટેની સહાય અને ઉદ્યોગપતિઓને કામદારો રાખવા, છુટા કરવા અને ઉદ્યોગીક હિતમાં પોતાની રીતે સંચાલન કરવાની સ્વાયતતા આપવામાં આવતા ઉદ્યોગજગતના સંચાલનમાં ખુબજ સરળતા આવશે. બીજી તરફ કામદારોને પણ વૈશ્ર્વિક સ્તરના માપદંડ સાથે લઘુતમ વેતન, કામના નિશ્ર્ચિત કલાકો, પ્રોવિડંડ ફંડ અને રોજગાર સુરક્ષા જેવા લાભો મળશે.

આ નવા મજૂર ધારાથી ઉદ્યોગ અને કામદારો બન્નેને ફાયદો થશે. સંસદમાં બુધવારે ત્રણ ચાવીરૂપ મજૂર સુધારા કાયદા પસાર કરવામાં આવ્યા જેમાં કામદારોને ભરતી કરવા, છુટા કરવાની સાથે સાથે કામદારોને પણ સામાજિક સુરક્ષા પ્રદાન કરવાની હિમાયત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર સત્તાવાર ભાષા અધિનિયમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો દાયકાઓ જુનો ખાસ દરજ્જાથી ઉભી થયેલી સમસ્યાનો હલ લાવવામાં સફળતા મેળવ્યા બાદ જમ્મુ-કાશ્મીર, આતંકવાદ, સામાજિક અસમંજસતા અને અસ્થિરતામાંથી બહાર કાઢવા માટે એક પછી એક પગલાઓ ભરવા લાગ્યા છે. ગઈકાલે રાજ્યસભામાં પસાર થયેલા ૮ મુસદાઓમાં જમ્મુ-કાશ્મીર ઓફિશીયલ લેંગ્વેજ ધારાનો ખરડો પસાર કરવામાં આવ્યો. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરનો પ્રશાસનીક અને સામાજિક વ્યવહાર કોઈ નિશ્ર્ચિત એક ભાષામાં ચલાવવાની વ્યવસ્થા નથી. હવે જમ્મુ-કાશ્મીરને પણ દેશના અન્ય રાજ્યોની જેમ પોતાની પ્રાદેશિક ભાષાથી વહીવટનો દરજ્જો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.