“પગમાં બેડી અને ગળે ફાંસો” કદી વિચાર્યું, ખેડૂતોનો ‘ધંધો’ શા માટે બંધાયો ?: ઈરફાન અહેમદ

ઈ.સ.૧૯૭૦ના દાયકામાં કોંગ્રેસ સરકારે એક ‘એપીએમસી એકટ’ નામનો કાયદો પસાર કર્યો હતો, જે ખેડૂતો માટે કેટલો લાભદાયી તે અંગે ઈરફાન અહેમદનો અભિપ્રાય

ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈરફાન અહમદે ખેડૂતોના હિતમાં ‘કલમ કસી’

ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈરફાન અહમદે કૃષિ વિધેયક પર પોતાનો અભિપ્રાય વ્યકત કર્યો છે. તેઓ જણાવે છે કે, કોંગ્રેસે ૭૦ વર્ષમાં દેશની જનતામાં ભ્રમ પેદા કરીને રાજનીતિ કરી છે. જે કૃષિ વિધેયકનો વિરોધ આજે કોંગ્રેસ પક્ષે કર્યો છે તે ધોખેબાજ કોંગ્રેસ પોતાની ગંદી રાજનીતિ બંધ કરે અને કિશાન હિતમાં જે નિર્ણય લેવાયો છે તેનું સ્વાગત કરે. સાલ ૧૯૭૦ના દાયકામાં કોંગ્રેસ સરકારે એક કાયદો પસાર કર્યો હતો જેનું નામ હતું. ‘એપીએમસી એકટ’ આ એકટમાં એ જોગવાઈ છે કે, ખેડૂત તેની ઉપજ માત્ર સરકાર દ્વારા જ નિશ્ર્ચિત એટલે કે, સરકારી બજારમાં વેંચી શકે અને આ બજારમાં જ કૃષિ ઉપજની ખરીદી પણ એ જ વ્યક્તિ કરી શકે જેનું એપીએમસીમાં રજિસ્ટ્રેશન હોય. આ આખી વ્યવસ્થા પાછળ એ ઉદ્દેશ હતો કે, વેપારીઓ ખેડૂતોને લૂંટે છે અને આ કૃષિ ઉપજનું ખરીદ-વેંચાણ ‘સરકારી ઈમાનદાર અધિકારી’ઓની નજર હેઠળ થાય. આ એકટ આવ્યા પછી ખેડૂતોનું શોષણ ઘણા અંશે વધ્યું હતું. આ કાયદાથી કૃષિ ઉપજ ખરીદનારોની સંખ્યા ખુબ સીમીત રહી. ઉપજના માત્ર ૧૦,૨૦ કે ૫૦ જ ગ્રાહકો હોય અને આ લોકો જ ઉપજના ભાવ નક્કી કરતા હોય છેે. ત્યારે આ મોંઘવારીના સમયમાં ખેડૂતોને રોવાનો વારો આવે છે. તેઓને પોતાની ઉપજના સાચા ભાવ મળતા નથી. જ્યારે ખરીદનારાઓ જ સંગઠીત અને સીમીત હોય ત્યારે ભાવ કઈ રીતે યોગ્ય મળી શકે ? જ્યારે ખરીદનાર લોકો વધુ હોય ત્યારે જ ઉપજના ભાવ સારા મળી શકે પરંતુ હાલની વ્યવસ્થા પ્રમાણે ખેડૂત પોતાની વર્ષભરની મહેનત બજારમાં લાવે છે ત્યારે વેપારીઓ સંગઠીત થઈને ખુબ ઓછી કિંમતમાં કિશાનોની ઉપજ ખરીદે છે અને અંતે ખેડૂતોને રોવાનો વારો આવી રહ્યો છે.

એપીએમસી બજારના ચેરમેન લોકલ એમએલએ અથવા નેતા જે મોટી રિશવત આપી નિયુક્ત થાય છે અને ખેડૂતોને લૂંટવાનું એપીએમસી બજારની આડમાં થાય છે. વધુમાં સરકારે ઘણા ટેકસ અને કમિશન ખેડૂતો ઉપર થોપી દીધા છે. જેમ કે, ખેડૂતોએ પોતાની ઉપજ એપીએમસીમાં વેંચવા પર ૩ ટકા માર્કેટ ફી, ૩ ટકા ગ્રામીટ વિકાસ ફંડ અને ૨.૫ ટકા કમિશન થોપી દીધું છે. મજૂરી ઉપરાંત આ બધો ખર્ચો ૧૦ ટકા જેવો થઈ જાય છે. ઘણા રાજ્યોમાં આ ખર્ચ ૨૦ ટકા સુધી પહોંચ્યો છે. આ તમામ ખર્ચો ખેડૂતોના માથે છે. આ ઉપરાંત બજારમાં ઉપજને લાવવાનો, રાખવાનો ખર્ચ અલગથી થાય છે.

એપીએમસીમાં ઉપજની ચોરી, વજનમાં ચોરી વગેરે બાબતો સામાન્ય છે. ઘણી વખત પાક વેંચાય નહીં ત્યારે ખેડૂતોએ ખુદ તેની દેખભાળ કરવી પડે છે. ખેડૂતો પોતાનો પાક અન્ય રાજ્યમાં લઈ જઈ શકે નહીં કારણ કે, અન્ય રાજ્યોમાં ઉપજ વેંચવી તે એપીએમસી કાયદાના વિરોધમાં છે. એપીએમસીમાં તમામ જણસી આવે છે જે શાકભાજી, અનાજ હોય કે ફળ હોય એટલે તો હિમાચલમાં ૧૦ રૂપિયા કિલોએ વેંચાતા સફરજન બજારમાં પહોંચતા ૧૦૦ રૂપિયા થાય છે.

ખેડૂતોના હિતમાં મોદી સરકારે કિસાનોને ઉપજના પુરા ભાવ મળી રહે તે માટે ત્રણ વિધેયક રજૂ કરાયા છે. જેમાં હવે ખેડૂતો પોતાની ઉપજ બજારની અંદર અને બહાર બન્ને રીતે વેંચી શકશે. ખેડૂતોનો સામન કોઈપણ વ્યક્તિ-સંસ્થા ખરીદી શકશે જેની પાસે પાનકાર્ડ હોય. જ્યારે ખેડૂતોની ઉપજ બજારની બહાર વેંચાય ત્યારે પણ સરકાર ખેડૂત પાસેથી કોઈ ટેકસ વસુલી નહીં શકે. ખેડૂત પોતાની ઉપજ કોઈપણ રાજ્યમાં કોઈપણ વ્યક્તિને વેંચી શકશે. ખેડૂતો કોન્ટ્રાકટ ખેતી કરવા માટે હવે સ્વતંત્ર છે. કોન્ટ્રાકટ ખેતીમાં કોઈપણ કંપની કે વેપારી સાથે ઉપજના વેંચાણ-કરાર થયા બાદ સારી ઉત્પાદકતા મેળવવા માટે જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ખરીદનારની રહેશે એટલે કે, ખરીદદાર ખેડૂતને કૃષિ ઉપકરણ, મશીનરી વગેરે ઉપલબ્ધ કરાવશે.ઘણા લોકોએ આ કાયદા વિરોધ દુષપ્રચાર કર્યો છે. જેમ કે, સરકારે વ્યાપારીકરણ બંધ કરી દીધું છે ? તેના જવાબમાં ઈરફાન અહમદ જણાવે છે કે, સરકારે વ્યાપારી કરણ બંધ કર્યું નથી. ખેતીવાડી ઉત્પન્ન બજાર પણ રહેશે પરંતુ ખેડૂતોને વિકલ્પ આપવામાં આવશે કે જો તેઓને વધુ ભાવ મળતો હોય તો તેઓ પોતાની ઉપજ ગમે ત્યાં વહેંચી શકશે. વ્યાપારી કરણ અને ન્યુનમ સમર્થન મુલ્ય બન્ને અલગ વસ્તુ છે. તમામ ઉપજ શાકભાજી, ફળો બજારમાં આવે છે પરંતુ એમએસઈ તમામ ઉપજો પર મળતું નથી. આ ત્રણ વિધેયક ખેડૂતોને અને ગ્રામીણ અર્થ વ્યવસ્થાની મુક્તિ માટેના છે. આજે સરકારે ખેડૂતો પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા બદીઓને દૂર કરી કોઈપણ પણ ખેડૂત પોતાની ઉપજ વેંચવા માટે સ્વતંત્ર છે અને ગમે ત્યાં પોતાની ઉપજ વેંચી શકે છે. ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યાં છે. પરંતુ કિસાન અને જવાન જ દેશનો આધાર છે તેમ અંતમાં ઈરફાન અહમદે જણાવ્યું છે.

Loading...