આગ ભલેને ઓકતો ,તો પણ રજાઓ લાવ્યો ઉનાળો..! તડબૂચ-ટેટી, રાયણ- કેરીની મજાઓ લાવ્યો ઉનાળો..!!

201
even-if-the-fire-started-even-the-holidays-brought-summer-watermelon-taiti-ryan-mangos-fun-brings-summer
even-if-the-fire-started-even-the-holidays-brought-summer-watermelon-taiti-ryan-mangos-fun-brings-summer

જે ઋતુ વિશે વાત કરતાં જ પરસેવે રેબઝેબ થઈ જવાય એ ઉનાળો. ઋતુઓની વાત થાય અને ચહેરા પર થાક, કંટાળો, અણગમો અને અકળામણ વર્તાઈ આવે એ જ ઉનાળો. ભાગ્યેજ આપણાં માંથી કોઈની મનગમતી ઋતુ ઉનાળો હશે. મનગમતી ઋતુ વિશે કોઈને પૂછીએ તો જવાબમાં શિયાળો કે ચોમાસું જ સાંભળવા મળે, એ રીતે જોતા ઉનાળો એ અણમાનીતી ઋતુ કહેવાય પરંતુ આ ઉનાળો જો ન હોત તો બીજી ઋતુઓનું મહત્વ હોત ખરું?

ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે આપણાં દેશમાં વર્ષમાં મુખ્ય ત્રણ ઋતુઓ હોય છે. હિન્દૂ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમજ શક સંવત પ્રમાણે ચૈત્ર,ફાગણ,વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે. લગભગ આપણે બધાજ ઉનાળા પ્રત્યે ઓરમાયું વર્તન કરતા હોઈએ છીએ પરંતુ પ્રકૃતિની ગોઠવણ  પાછળનો  કોઈતો ઉદ્દેશ્ય છે જે આપણે જાણવા છતાં સ્વીકારી નથી શકતા. શિયાળાની કડકડતી ઠંડીમાં વસાણાં ખાઈને શરીરને આખું વર્ષ શક્તિસંચાર માટે તૈયાર કર્યું હોય એ પછી બળબળતો ઉનાળો આકરો તો લાગે. સ્વેટર,ટોપી,મોજ,અને બ્લેન્કેટ માંથી નીકળીને લૂ ઝરતી આગમાં રહેવાનું કોને ગમે? પ્રકૃતિનો બદલાવ અને એ મુજબના ખાનપાન એ નિરોગી શરીર માટે જરૂરી છે. જીવમાત્રની જરૂરિયાત છે આ બદલાવ.

આપણે ઉનાળાને હંમેશા અણગમાનાં ભાવથી જ જોયો છે. ક્યારેય એની મજા વિશે આપણે વિચારતા જ નથી. ઉનાળો એ આમ જોવા જઈએ તો રંગોની ઋતુ છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા વડીલો જો બાળકોની પ્રિય ઋતુ પૂછે તો જવાબમાં ઉનાળો જ સાંભળવા મળે. આપણે પણ આપણા બાળપણ વિશે વિચારીએ તો સમજાય કે હંમેશા આપણે ઉનાળાની મજા વિશે જ યાદો સાચવી છે શિયાળાનું તાપણું કે ચોમાસાની કાગળની હોડી સામે ઉનાળાની બપોરે આંબા પર ચડયાની યાદો હંમેશ બાજી મારી જાય. ઉનાળો એટલે વર્ષ દરમ્યાન અભ્યાસની કડકાઈ માંથી છૂટીને આઝાદીથી જીવવાની મોસમ. તબિયત અને ખાનપાનની દ્રષ્ટિએ ઉનાળાનું મહત્વ જરાપણ ઓછું નથી.

આજકાલ દરેક જગ્યાએ એકજ  પ્રકારની બૂમ સાંભળવા મળે છે કે સખત ગરમી છે, આવી ગરમી તો કોઈ વર્ષે નથી હોતી. દરવર્ષે આપણી વાત આ જ હોય છે કે કોઈ વર્ષ આવી ગરમી નથી હોતી પરંતુ દરવર્ષે ગરમી આવી જ હોય છે હા, એ વાત અલગ છે એ વસ્તી,વાહન અને ઉદ્યોગો વધતા પ્રદુષણ વધ્યું હોય અને વાતાવરણમાં એની ગરમી ભળી હોય જે વર્ષોવર્ષ વધતી રહે પરંતુ એકંદરે દરવર્ષે ગરમી આવી જ હોય છે. એક સત્ય આપણે સ્વીકારી નથી શકતા કે ઉનાળો ગરમીનીજ મોસમ છે તો એમાં ગરમી તો પડવાનીજ. આપણે શિયાળાની ઠંડી કે ચોમાસાના વરસાદ માટે ક્યારેય આવો કકળાટ નથી કરતા. અને જો ઉનાળામાં ગરમી ન પડી તો શુ? વિચાર્યું છે ક્યારેય આવું? દરેક ઋતુ એની આગલપાછળની ઋતુને આધારિત હોય છે. ઉનાળાનો પ્રખર તાપજ ચોમાસામાં વરસાદ લાવશે એ તો આપણે સૌ જાણીએ છીએ. આપણી ઘટતી જતી સહનશક્તિ કે  પછી વધુ પડતા ભૌતિક સુવિધાઓના ઉપભોગના કારણે આપણે કાળઝાળ ગરમીથી અકળાઈએ છીએ અને એ જ કારણે આપણને ઉનાળો અપ્રિય છે.

ઉનાળો  સ્વાસ્થ્ય માટે કઈ રીતે જરૂરી છે એ આપણે ભાગ્યેજ વિચારીએ છીએ. શિયાળા દરમ્યાન અવનવા વસાણાં,ઘી ,ગુંદ,અડદ જેવા ચિકણા પદાર્થોનું સેવન કર્યું હોય શરીરમાં કફ વધી જાય છે. ઉનાળાની ગરમીમાં એ કફ ઓગળે છે પરિણામે આ ઋતુમાં શરદી,ખાંસી ,તાવ જેવા રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઉનાળામાં થતા આ ઋતુજન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે કડવા, તૂરા તેમજ ઠંડા પદાર્થોનું સેવન હિતાવહ છે. એ જ કારણથી ઉનાળામાં લીમડાના કોલના સેવનનું અતિ મહત્વ છે.  લીમડાનો કોલ અને કુણા પાનના સેવનનું ધાર્મિક વિધિમાં પણ મહત્વ દર્શાવાયું છે. ગુડી પડવાના દિવસે ભગવાનને પણ લીમડાનો કોલ ધરાવાય છે. લીમડાનું સેવન આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે.

ઉનાળો રંગોની ઋતુ પણ છે. સતત અવગણના કરતા ઉનાળા ના ફાયદા તો ઘણા જ છે પરંતુ આ ઋતુ રંગોની મોસમ પણ છે. તડબૂચ, ટેટી,દ્રાક્ષ, કાળામીઠા જાંબુ, અને  ફ્ળોનો રાજા એવી કેરી તો ખરીજ. તાજા અને મીઠા રંગબેરંગી ફળો ગરમીને આહલાદક બનાવે છે. માત્ર ફળોથીજ રંગોની ઋતુ છે એવું પણ નથી. આ ઋતુ આ લીલો લીલો લીમડો અને એમાં ઝૂલતો સફેદ કોલ, ઘેઘૂર લીલાછમ આંબામાં ઝૂલતી નાની  નાની કેરી અને સાથે ઝૂલી રહેલો સફેદ મોર, લીલાછમ ઘેઘૂર ગુલમહોરમાં ખીલેલા લાલ ચટ્ટક ફૂલો અને મનમોહક કેસરી કેસુડો…આહા કાળઝાળ ગરમીમાં પણ ઠંડક અનુભવાયને? આ સિવાય પણ ઘરઘરમાં ફેલાતી  અથાણાં-મસાલાની સોડમ, ગોલા આઈસ્ક્રીમની પાર્ટીઓ અને મોડી રાતની રખડપટ્ટી.. એ તો કોઈ ઉનાળુ રસિકજ સાચું વર્ણન કરી શકે.

આપણે તકલાદી થઈ ગયા છીએ. ફાસ્ટફૂડ પર જીવી રહેલી આજની પેઢીને ઉનાળાનું મહત્વ ક્યાંથી સમજાય? ખેતરમાં કાળી મજૂરી કરતો ખેડૂત જ્યારે વાવણી કરીને આકાશ તરફ નેજવું  કરી વરસાદની રાહ જોઈ રહ્યો હોય એને ઉનાળાનું મહત્વ પૂછો. કોઈ ખેડૂત ક્યારેય એવું નથી કહેતો કે સખત ગરમી છે, એ હંમેશ એવું કહે કે સૂરજ, બાપલા તું તારે તપ…અને પછી બારે મેઘ ખાંગા કરજે. જન્મતાવેંતજ બાળકને એરકન્ડિશનનું વળગણ કરાવનાર આપણે શાળાઓમાં, ટ્યુશનકલાસમાં, અન્ય એક્ટિવિટી કલાસીસમાં પહેલું એ જોઈએ છીએ કે ત્યાં એ.સી. તો છે ને? બાળક એ.સી. વગર નથી રહી શકતું એ વડીલો માટે કદાચ પોરસાવાનો મુદ્દો હોઈ શકે પરંતુ બાળકના સ્વાસ્થ્ય અને આપણી ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ માટે ઉનાળાનું મહત્વ જરાપણ ઓછું નથી. એક સમય એવો આવશે કે નવી પેઢીને ગરમી એટલે શું એ ખબર જ નહીં પડે અને બાળકને જ્યારે પૂછવામાં આવશે કે ઉનાળો એટલે શું? ત્યારે જવાબ કંઈક આવો હશે, ટીવીમાં અમિતાભ બચ્ચન નવરત્ન તેલની એડ. કરે એટલે ઉનાળો, કૈટરીના કેફની માઝાની એડ.આવે એટલે ઉનાળો, રૂહઅફઝા અને રસનાની જાહેરાતો આવે એટલે ઉનાળો, કરીના કપૂર ડર્મીકુલનો ફુવારો કરે એટલે ઉનાળો.

ખાનપાન, તબિયત,ફળો,ફૂલોના વૈવિદ્યત્યિ લથબથ કોઈ ઋતુ હોય તો એ ઉનાળો છે પરંતુ સાથોસાથ મનોરંજન અને રૂટિનના જીવન માટે ફરીથી ચાર્જ થવાની મોસમ એટલે પણ ઉનાળોજ. બાળકોનું વેકેશન હોય કે  ક્રિકેટપ્રેમીઓની આઇપીએલ, સ્ત્રીઓનું પિયર હોય કે હિલસ્ટેશનનું આઉટિંગ પણ આ બધ સાથે જીવનને તરોતાજા કરવા માટે ઉનાળો ઉત્તમ ઋતુ છે.  શિયાળા અને ચોમાસા માટે  જેટલા ગીતો અને કવિતાઓ લખાયા છે એટલા કદાચ ઉનાળા માટે નથી લખાયા કદાચ એથી ઉનાળાનું મહત્વ નથી ગવાયું પરંતુ કવિશ્રી જયંત પાઠકની આ રચના ઉનાળાને આબેહૂબ વર્ણવે છે.

“રે આવ્યો કાળ ઉનાળો અવની અખાડે,અંગ ઉઘાડે,

અવધૂત ઝાળજટાળો રે આવ્યો …

એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા, એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા… ભરતો ભૈરવ ફાળો રે આવ્યો કાળ ઉનાળો…

દરેક ઋતુનું એક ખાસ મહત્વ છે અને દરેક ઋતુ બીજી ઋતુ પર આધારિત છે ત્યારે ઉનાળાને પણ હરખભેર વધાવીએ અને એની પણ એવી જ માવજત કરીએ જેવી અન્ય ઋતુઓની કરીએ છીએ.

ચકલીનો માળો હોય કે પાણીનું મહત્વ હોય, લીમડાની કડવાશ હોય કે કેરીની મીઠાશ દરેક વાત જીવનમાં એટલી જ જરૂરી છે એ વાત આપણે પણ સમજીએ અને બાળકને પણ સમજાવીએ તો આવનાર સમયમાં ઉનાળો પણ પ્રિય બની જશે.

 મિરર ઇફેક્ટ:-આજના સમયના રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ એ બીજું કશું નથી બસ આપણેજ ઉભી કરેલી અને વધારેલી ગરમી છે. પ્રદૂષણથી ફેલાતી ગરમી માત્ર માણસજાત જ અટકાવી શકે છે.

Loading...