દીવ જિલ્લામાં કોન્સ્ટેબલ સહિત આઠ કોરોનાના દર્દી સાજા થયા

આઠ નવા કેસ સામે

દીવમાં કોરોનાના કુલ ૩૨ કેસ

દીવમાં કોરોનાના વધુ ૮ કેસ બહાર આવ્યા છે તો બીજીબાજુ ૮ દર્દી સારવાર લઈ સાજા થયા છે. દીવ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દીવમાં ગઈકાલે ફરી પાછા કોરોના સંક્રમણના ૮ કેસો નોંધાયા હતા જોકે તેની સામે રાહતના સમાચાર એ હતા કે ૮ દર્દીઓ કોવિડ-૧૯ સરકારી હોસ્પિટલમાંથી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા હતા. સાજા થઈને પરત ફરનાર આઠ દર્દીઓમાંથી એક દીવ કોન્સ્ટેબલ ડયુટી કરતા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે દીવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દીવ સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ તેમનો ફરી પાછો રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો જેને કારણે ગઈકાલે તેમને ત્યાંથી રજા આપવામાં આવી હતી. કોરોનાને મ્હાત આપીને પરત ફરતા દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી, પી.આઈ પંકજ ટંડેલ તેમજ અન્ય પોલીસ વિભાગ સાથે ઉપસ્થિત રહી અને કોન્સ્ટેબલ સતીષને તાળીઓ સાથે શુભેચ્છાઓ આપી હતી અને ભવિષ્યમાં પણ તે સ્વસ્થ રહે તેવી શુભકામનાઓ આપી હતી. કોન્સ્ટેબલ સતિષ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દીવ સરકારી હોસ્પિટલમાં તેની ખુબ જ સારી રીતે સારવાર કરવામાં આવી છે. હાલ તેને સાત દિવસનું કવોરન્ટાઈન આપવામાં આવ્યું છે. કવોરન્ટાઈનનો સમય પૂર્ણ થતાની સાથે જ તે ફરી પાછા પોતાની ફરજ પર પાછા ફરશે. આ સાથે ગઈકાલે દીવ જિલ્લામાં દીવમાં ૧, વણાકબારામાં ૪, સાઉદવાડીમાં ૧ અને ધોધલામાં ૧ એમ ૮ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. પીડબલ્યુડીના કર્મચારી તેમજ દીવ કલેકટર એકાઉન્ટ ઓફિસના કર્મચારીને પોઝીટીવ આવતા બંને વિભાગની ઓફિસને તત્કાલ બંધ કરાવવામાં આવી હતી. તેમજ સંક્રમિત લોકોના સંપર્કમાં આવનાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝીટીવ આવનાર દર્દીઓને તુરંત દીવ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમના રહેણાંક વિસ્તારને ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે દીવમાં કુલ કોરોના એકટીવ કેસની સંખ્યા ૩૨ સાજા થનારની સંખ્યા ૪૪ અને ૧ દર્દીને સારવાર અર્થે દીવથી બહાર મોકલવામાં આવેલ છે. દીવ પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વારંવાર સુચના આપવામાં આવી રહી છે કે જો કોઈપણ વ્યકિતને શરદી, ઉધરસ કે શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તુરંત જ તેને દિવ સ્વાસ્થ્ય વિભાગ અથવા દીવ કલેકટર કચેરીનો સંપર્ક કરવો.

Loading...