શિયાળાની ઋતુમાં ખૂબજ ગુણકારી ‘રીંગણા’

ઠંડીમાં શાકનો રાજા કહેવાતા ‘રીંગણા’ અનેક દર્દોમાં ઔષધિ સમાન

સ્ત્રીરોગ, તાવ, કફ, અનિંદ્રા, વાયુ વગેર જેવા રોગોમાં ‘રીંગણા’ ગુણકારી

આયુર્વેદ પ્રમાણે શરદ ઋતુમાં પિતનો પ્રકોપ જોવા મળે છે તેથી એ વખતે ‘રીંગણા’ ખાવાથી અનેક રોગ ઉત્પન થઈ શકે છે. એટલે જ આપણે ત્યાં દિવાળી પહેલા એટલે કે શરદઋતુમાં રીંગણા ન ખાવાની પ્રથા છે.

પરંતુ શિયાળાની ઠંડીઋતુમાં રીંગણા ખૂબજ ગુણકારી છે એટલે જ ‘રીંગણા’ શિયાળુ પાકના રાજા તરીકે ઓળખાય છે. ‘રીંગણા’ના ગુણ અને તેના ઉપયોગ વિશે વાત કરીએતો ‘રીંગણા’ના બેથી ચાર ફૂટ ઉંચા છોડ ભારતમાં અતિ પ્રાચીન કાળથી સર્વત્ર થાય છે. તેમ છતાં તેની મુખ્ય કાળી અને સફેદ એમ બે જાત જોવા મળે છે. જેમાંથી કાળા ‘રીંગણા’ વધારે ગુણકારી માનવામાં આવે છે.આકાર પ્રમાણે તેના લાંબા અને ગોળ એમ બીજા બે પ્રકાર પણ પડે છે.

આયુર્વેદ પ્રમાણે ‘રીંગણા’ સ્વાદમં મધૂર, તિક્ષ્ણ, ગરમ બચવામાં હળવા, ભૂખ લગાડનાર, બળવર્ધક, પુષ્ટિકર્તા હૃદયને હીતકારી તેમજ તાવ, કફ, વાયુ, અનિંદ્રા અને રાંઝણ મટાડનાર છે. નાનુ કુણું રીંગણું નિદોર્ષ કફ, અને પિતને મટાડનાર તથા ખૂબજ ગુણકારી ગણાય છે.

મોટુ, ઘરડુ, ખૂબજ બી વાળુ ‘રીંગણું’ પિત કરનાર અને વિષ સમાન છે. રાસાયણીક વિશ્ર્લેષણ પ્રમાણે તાજા રીંગણામાં જળ ૮૮ થી ૯૧.૫ ટકા, ખનીજ ૦.૫ ટકા, પ્રોટીન ૧.૩ ટકા, ચરબી ૦.૩ ટકા, કાર્બોહાઈડ્રેટ ૬.૪ ટકા કેલ્શ્યમ ૦.૦૨ટકા, ફોસ્ફોરસ ૦.૦૬ ટકા તથા લોહ ૧.૩ ટકા રહેલા હોય છે. આ ઉપરાંત રીંગણામાં વિટામીન એ, વિટામીન બી.૨ તથા વિટામીન સી. પણ રહેલા હોય છે.

રીંગણા ગરમ છે. એટલે સ્ત્રીઓનાં માસિકને લગતી કેટલીક તકલીફોમાં તેનું સેવન ફાયદાકારક છે. જે સ્ત્રીઓને માસિક બંધ થઈ ગયું હોય અથવા ક્ષીણ થઈ ગયું હોય કે સાફ ન આવતું હોય તેમણે શિયાળાની આ ઠંડી સીઝનમાં રીંગણાનું શાક, બાજરીનો રોટલો, અને ગોળનું એક બે દિવસે સેવન કરવું હિતાવહ છે. આ ત્રણેય દ્રવ્યો ગરમ છે. ગરમ પ્રકૃતિવાળી સ્ત્રીઓએ આ પ્રયોગ ન કરવા પણ જણાવાયું છે.

‘રીંગણા’ નિંદ્રાપદ-ઉંધ લાવનાર છે. કુમળા ‘રીંગણા’ને શેકીને મધમાં મેળવી રાત્રે ચાટી જવાથી ઉંધ સારી આવે છે.

આ ઉપચાર થોડા દિવસ નિયમિત કરવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થાય છે.રીંગણા સારા જઠરાગ્નિવર્ધક પણ હોય એટલે રીંગણા અને ટમેટાનો સુપ બનાવી ભોજન સમયે પીવાથી મંદાગ્નિ મટે છે. તેમજ આમનું પાચન થશય છે. જેમનું પેટ આદ્યમાન એટલે કે ગેસના કારણે ફુગ્ગાની જેમ ફૂલી ગયું હોય તેમના માટે રીંગણા ખૂબજ હિતકારી છે. તાજા, લાંબા, કાળા રીંગણાનું શાક લીલા અથવા સુકા લસણની કળીઓનાખી બનાવવું, હીંગનો વધાર કરવો દર બીજાદિવસે તેનું સેવન કરવાથી ગેસમાં રાહત થવા લાગે છે. આયુર્વેદ પ્રમાણે ‘રીંગણા’ મુત્રલ છે. એટલે કે મુત્રનું પ્રમાણ વધારનાર છે. ઉપરાંત મુત્ર માર્ગમાં નાની પથરી હોય તેમણે રીંગણાનું શાક નિયમિત ખાવું હિતાવહ છે. રીંગણાનું શાક અને કળથીના સુપનું એકાંતરે સેવન કરવાથી મુત્રવૃત્તિ છૂટથી થાય છે. અને એટલે પથરી જો નાની હોય તો ઓગળી કે નીકળી જાય છે.

આમ શિયાળામાં ‘રીંગણા’ આયુવેદની દ્રષ્ટિએ અનેક રોગોમા ઔષધી સમાન અને આર્શિવાદ રૂપ હોય ‘રીંગણા’નું સેવન કરવું હિતાવહ છે.

Loading...