Abtak Media Google News

મહાઅધિવેશનમાં રાજયનાં ૬૦૦૦ જેટલા ગ્રાન્ટેડ-નોનગ્રાન્ટેડ શાળાના સંચાલકો ઉપસ્થિત રહેશે શિક્ષણ મંત્રી અને કેબીનેટ મંત્રી સહિતનાં મહાનુભાવોની હાજરીમાં વિવિધ મુદ્દે ઠરાવો અને રજૂઆતો કરાશે

અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ તથા રાજય શાળા સંચાલક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજયના ગ્રાન્ટેડ-નોનગ્રાન્ટેડ શાળા સંચાલકોનું શૈક્ષણિક અને વહિવટી મહાઅધિવેશન તા.૨૯ને મંગળવારના રોજ “પ્રેક્ષા ભારતી,કોબા-ગાંધીનગર ખાતે મળશે, જેમાં રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહી આ મહાઅધિવેશનમાં શૈક્ષણિક અને વહિવટી માર્ગદર્શન આપશે.

આચાર્યો-શિક્ષકોની ખાલી જગ્યાઓ ત્વરિત ભરતી કરવા ઘટતી કાર્યવાહી કરવી, ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાના પરિણામો ઉપર ગ્રાન્ટકાપ નીતિ દૂર કરવી, નિભાવ ગ્રાન્ટમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે, મળતી ગ્રાન્ટમાંથી શાળાનું વીજળી બીલ પણ ભરી શકાતું નથી,જેમાં સુધારો કરવો, ૨૦૦૯ થી શાળાઓમાં કલાર્ક, પટ્ટાવાળા,ગ્રંથપાલ,ઉદ્યોગ શિક્ષકની ભરતી ઉપર પ્રતિબંધ છે તે દૂર કરવો, ધો.૯ અને ૧૦ના બે વર્ગવાળી શાળાઓમાં આચાર્ય સહિત ૩ને બદલે ૪ શૈક્ષણિક જગ્યા મંજૂર કરવા બાબત, શાળાઓની પરીક્ષા અને સંચાલન ઉપર સરકારી બિનજ‚રી અંકુશ દૂર કરવો, સ્વનિર્ભર શાળાઓ માટે ફી અંગે સ્વાયતતા આપવા બાબત, સ્વનિર્ભર શાળાઓ માટેની સરળ નીતિ નકકી કરવામાં આવતી નથી, સ્વનિર્ભર શાળાઓમાં વર્ગ વિદ્યાર્થી સંખ્યા ૨૪ કરતા ઓછી હોય તે વર્ગ બંધ કરવાનો નિયમ દૂર કરવા બાબતે આ બેઠકમાં ઠરાવ કરવામાં આવશે.

શાળા મંડળોએ લાખો-કરોડોના આર્થિક યોગદાનથી મકાનો અને ભૌતિક સુવિધાઓ ઉભી કરી સંસ્થાઓ શ‚ કરી છે, તેની જાળવણી કરવી મુશ્કેલ બની છે, ત્યારે શાળા સંચાલકોની જાગૃતિ માટે અને સંગઠન તથા શાળાઓનું અસ્તિત્વ ટકાવી રાખવા આ મહાઅધિવેશન બોલાવવામાં આવેલ છે, જેને સફળ બનાવવા માટે મહામંડળના અધ્યક્ષ એ.જે.પટેલ,નાયબ અધ્યક્ષ ડો.શુકદેવસિંહ વાંસિયા, પ્રમુખ નારણભાઈ પટેલ, મહામંત્રી સુરેશભાઈ પટેલ તથા કનુભાઈ સોરઠીયા, મંત્રી ડો.પ્રિયવદન કોરાટ, અરૂણભાઈ પટેલ અને રાજય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટના દિનેશભાઈ પંડયા, શબ્બીરભાઈ પટેલ જહેમત ઉઠાવી રહ્યાં છે, આ મહામંડળના રાજયમાં ૮૫૦૦ જેટલા સભ્યો છે તે પૈકી આ મહાઅધિવેશનમાં રાજયના ૬૦૦૦ જેટલા શાળા સંચાલકો ઉપસ્થિત રહેશે.

વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર આવવા અને પ્રશ્ર્નોના ઉકેલ માટે રાજય કક્ષાનું મહાઅધિવેશન યોજવામાં આવેલ છે. જેમાં ગ્રાન્ટેડ-નોનગ્રાન્ટેડ શાળા સંચાલકોએ હાજર રહેવા મહામંડળની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.