Abtak Media Google News

મોરબી જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી ૪૩.૬૦ લાખના ખર્ચે પ્રોજેક્ટર-એલઇડી સ્ક્રીન ઇન્સ્ટોલ કરાયા : મોરબી તાલુકામાં ૬, વાંકાનેરમાં ૧૦, ટંકારા-માળીયા(મીં)માં ૨-૨ અને હળવદ તાલુકામાં ૧૦ સ્માર્ટ ક્લાસ તૈયાર

મોરબી જિલ્લાની ગત કારોબારી બેઠક તારીખ ૨૦મેના રોજ મળી હતી. જેમાં હળવદના હેમાંગભાઈ  રાવલ (કારોબારી અધ્યક્ષ મોરબી જીલ્લા પંચાયત)ના પ્રસ્તાવથી સર્વાનુમતે જિલ્લામાં ૩૦ સ્માર્ટ ક્લાસ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લામાં સરકારી શાળાઓને સ્માર્ટ બનાવવાના ભાગ રૂપે તમામ સભ્યોએ આ પ્રસ્તાવને ટેકો આપતા ત્વરિત સ્વભંડોળમાંથી સ્માર્ટ ક્લાસ બનાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.

સરકાર તરફથી દરેક જિલ્લા પંચાયતોને પ્રજાલક્ષી કામગીરી માટે એક નિશ્ચિત ભંડોળ ફાળવવામાં આવે છે.

મોરબી જિલ્લા પંચાયતની ગત કારોબારી બેઠકમાં આ સ્વભંડોળમાંથી સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવવા માટે કારોબારી અધ્યક્ષ હળવદના હેમાંગભાઈ  રાવલ એ પ્રસ્તાવ મુક્યો હતો, જેને સર્વસંમતિથી પાસ કરવામાં આવતા મોરબી જિલ્લાની ૩૦ શાળાઓના ક્લાસરૂમને આધુનિક બનાવવા માટે ૪૩.૬૦ લાખના ખર્ચે પ્રોજેક્ટર મશીન તથા એલઇડી સ્ક્રીન ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

જિલ્લાના મોરબી તાલુકાની ૬ સરકારી શાળાઓ, વાંકાનેરની ૧૦ શાળાઓ, હળવદની ૧૦ સરકારી શાળાઓ તેમજ માળીયા. મી. અને ટંકારાની ૨-૨ શાળાઓને સ્માર્ટ કલાસરૂમમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ તમામ શાળાના આચાર્યો તેમજ શિક્ષકોને આ અંગેની તાલીમ આપવાનું કાર્ય પણ પૂરું થઈ ગયું છે. દરેક શાળાના આચાર્યોએ આ અંગેની તાલીમ લેવી ફરજીયાત બનાવાઈ હતી. હવે જયારે વેકેશન ખુલશે ત્યારે જિલ્લાની કુલ ૩૦ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં અપાતા શિક્ષણ જેવું શિક્ષણ મેળવી શકશે એવી આશા રખાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાઓની તુલનાએ સરકારી શાળાઓના અભ્યાસ અંગે લોકોમાં ઘણા મતમતાંતરો છે ત્યારે હવે સરકારી શાળાઓ પણ આધુનિક બની રહી છે. સ્માર્ટ ક્લાસરૂમો શરૂ થવાથી સરકારી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ-વાલીઓ પણ આકર્ષાશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.