Abtak Media Google News

ડ્રગ અને સ્મગલિંગના ગુન્હામાં દાઉદ ગેંગના મુખ્ય સૂત્રધાર ઈકબાલની મુંબઇ સ્થિત કુલ 3 સંપત્તિ ઇડીએ કરી જપ્ત

દાઉદ ગેંગના સાગરીત ઇકબાલ મિર્ચી પર ગાળિયો કસાયો છે. ઇડીએ મિર્ચીની મહારાષ્ટ્ર સ્થિત ત્રણ સંપત્તિ ટાંચમાં લીધી છે. ઇડીએ મિર્ચીની મુંબઇની રૂ. 500 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. સ્મલિંગ અને ગેરકાયદેસર ફોરેન એક્સચેન્જ તેમજ ડ્રગના વેપલાના ગુન્હામાં ઇકબાલ મિર્ચીની રૂ. 500 કરોડની સંપત્તિ ઇડીએ જપ્ત કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ મુંબઇ સ્થિત રાબીઆ મેન્સન, મરિયમ લોજ અને સી વ્યુ નામની ઇકબાલની સંપત્તિ જપ્ત કરીને ’મિર્ચી’ લગાડી છે.

ઇકબાલ મિર્ચીએ આંતરરાષ્ટ્રીય આતંકવાદી દાઉદ ઇબ્રાહિમનો રાઈટ હેન્ડ હોવાનું માનવામાં આવે છે. દાઉદના ડ્રગ ટ્રેફીકિંગ અને મની એક્સ્ટોર્શન સહિતના ગુન્હાનો મુખ્ય સુત્રાધાર છે. વૈશ્વિક સ્તરે ડ્રગનો વેપલો પૂરો પાડી યુવધનને નશાના કાળા અંધારામાં ધકેલવામાં ઇકબાલ મુખ્ય સુત્રોધાર છે.

ઈકબાલની સંપત્તિ જપ્ત કરવા અંગે ગત તારીખ 09 નવેમ્બરના રોજ ઇકબાલ અને તેના સાગરીતો અંગે જરૂરી પુરાવા રજૂ કરી સંપત્તિ જપ્ત કરવા અંગે મંજૂરી મેળવી હતી. ઈકબાલ વિરુદ્ધ સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેન્યુપ્લેટર એકટ અને એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બંને એકટ હેઠળ અગાઉ ઇકબાલ મિર્ચી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઈકબાલની સંપત્તિની કિંમત પ્રિવેંશન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ ચાલતી તપાસ દરમિયાન નક્કી કરવામાં આવી હતી. તેવું તપાસ એજન્સીએ એક નિવેદનમાં ઉમેર્યું હતું.

મિર્ચી વિરુદ્ધ મુંબઇ પોલીસે દાખલ થયેલી ફરિયાદોના આધારે મની લોન્ડરિંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મિર્ચીનું વર્ષ 2013માં લંડન ખાતે મોત થયું હતું.

મની લોન્ડરીંગ એકટ હેઠળ ગુન્હો નોંધ્યા બાદ તપાસ એજન્સી અને સ્થાનિક પોલીસ દ્વારા અનેક સ્થળોએ રેઇડ કરવામાં આવી હતી. મિર્ચીની અનેક સંપતિઓ ટાંચમાં લેવામાં આવી હતી. ગેરકાયદેસર ડીલિંગ, રિયલ એસ્ટેટ સંપત્તિની ખરીદી અને. વેંચાણ અંગે પણ તપાસ ચલાવવામાં આવી હતી. વર્ષ 2005માં ઇકબાલ અને મોહંમદ યુસુફ ટ્રસ્ટ દ્વારા કોર્ટમાં સંપતિઓ અંગે ખોટી રજૂઆતો કરવામાં આવી હતી. મિર્ચી અને ટ્રસ્ટ ઘ્વફ રિયલ એસ્ટેટની સંપત્તિ અંગે ખોટી માલિકી આપવાનો ગુન્હો સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેન્યુપ્લેટર એકટ તેમજ એનડીપીએસ એકટ હેઠળ ગુન્હો નોંધી ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની ખંડપીઠ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખોટી માલિકી ઉભી કરી સંપત્તિ દબાવી લેવાના ગુન્હામાં પણ મિર્ચી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.