જેતપુરનાં ચકચારી લાંચ કેસમાં ડીવાયએસપી ભરવાડ ભાગેડુ જાહેર

100

રૂા.૮ લાખની લાંચનો ગુનો નોંધાતા ભૂગર્ભમાં ઉતરેલા ડીવાયએસપી પર એસીબીએ ભીંસ વધારી

જેતપુર તાલુકા પોલીસ વિસ્તારમાં હથિયાર સાથે ઝડપાયેલા શખ્સનાં મીત્રનુ નામ ખુલતા જે ગુનામાં માર નહીં મારવા માટે કોન્સ્ટેબલ વિશાલ સોનારા ડીવાયએસપી જે.એમ.ભરવાડ વતી રૂપિયા ૮ લાખની લાંચનાં ગુનામાં ઝડપાયો હતો. જે ગુનામાં ૩ માસથી પોલીસ ધરપપકડથી દુર જે.એમ.ભરવાડને અંતે ધોરાજી સેશ. કોર્ટે સી.આર.પી.સી. કલમ ૮૨ મુજબ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. જો હજુ જે.એમ.ભરવાડ પોલીસમાં રજૂ નહીં થાય તો કલમ ૮૩ મુજબ સ્થાવર અથવા જંગલમ મીલ્કત જપ્તી કરવાની કોર્ટ મારફતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ વિગત મુજબ જેતપુર તાલુકા પોલીસ મથકનાં વિસ્તારમાંથી સ્ટાફે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જે ગુનામાં એક આરોપીનુ નામ ખુલતા જેને માર નહીં મારવા તેમજ વધુ પુછપરછ ન કરવા ડીવાયએસપી જે.એમ.ભરવાડ રૂપિયા ૮ લાખની લાંચની માંગ કરતા અમદાવાદ લાંચ રૂશ્વત શાખા દ્વારા ગોઠવાયેલા છટકામાં ડીવાયએસપી જે.એમ.ભરવાડ વતી કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદભાઈ સોનારા ગત તા.૩/૮/૧૯ નાં રોજ ધોરાજી બાયપાસ રોડ પર આવેલી આવકાર હોટલે ઝડપાઈ જતા જે અંગેની જાણ ડીવાયએસપી જે.એમ.ભરવાડને થતા તેઓ રફુચક્કર થયા હતા.

પોલીસ ધરપકડની દહેશતથી ડીવાયએસપી જે.એમ. ભરવાડે પ્રથમ ધોરાજી કોર્ટમાં અને બાદ હાઈકોર્ટમાં કરેલી આગોતરા અરજી ફગાવી દીધી હતી. બાદ જે.એમ.ભરવાડ સામે સીઆરપીસી ૭૦ મુજબનુ ધરપકડનુ વોરંટ ઈસ્યુ કરતા જે વોરંટ રદ્દ કરવા જે.એમ.ભરવાડે હાઈકોર્ટનો સહારો લેતા પરંતુ ન્યાયધીશે આરોપીનુ ધરપકડ વોરંટની અરજી રદ્દ કરી હતી. બાદ પોલીસ ધરપકડ વોરંટ મેળવ્યા બાદ એસીબીએ આશ્રય સ્થાનોમાં દરોડા પાડવા છતા જે.એમ.ભરવાડ મળી ન આવ્યો હતો. સીઆરપીસી ૭૦ ની વોરંટની બજવણી ન થતા પોલીસથી નાસતા ફરતા હોય આથી લાંચ રૂશ્વત શાખા દ્વારા સીઆરપીસી કલમ ૮૨ મુજબ ધોરાજી સેશ.કોર્ટમાં ભુજ એસીબીનાં મદદનીશ નિયામક કે.એસ.ગોહીલ અને એચ.પી.દોશી દ્વારા દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ કાર્તિક પારેેખે કોર્ટમાં ધારદાર દલીલો તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા અધિક સેશન્સ.જજ એચ.એ.દવેએ જે.એમ.ભરવાડને ફરારી જાહેર કર્યા છે. જો જે.એમ.ભરવાડ પોલીસને નહીં મળી આવે તો સીઆરપીસી કલમ ૮૩ મુજબ તેમની સ્થાવર જંગમ મીલ્કત જપ્તી કરવા અંગેની કાર્યવાહી કોર્ટ મારફતે કરવામાં આવશે. લાંચનાં ગુનામાં ઝડપાયેલા કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદભાઈ સોનારાની કારમાંથી રૂા.૩.૭૩ લાખ મળી આવતા જેની વિરુઘ્ધ અપ્રમાણસરની મીલ્કત અંગેનો અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. જે ગુનાનાં કામે વિશાલ સોનારાની જામીન અરજી ધોરાજી કોર્ટે ફગાવી દીધી છે.

Loading...