Abtak Media Google News

દંપતીના બે વર્ષ પહેલાં પુન: લગ્ન થયાતા: પતિ પાસે ઘર ખર્ચના પૈસા માગતા પત્નીને પતાવી દીધી

શહેરમાં રમજાનના પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરો ખુદાને બગદી કરતા હોય છે ત્યારે ભગવતીપરા મસ્જીદ પાસે રહેતા મુસ્લિમ દંપત્તી વચ્ચે ચાલતા ઝઘડાના કારણે ઉશ્કેરાયેલા પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરામાં હુસેનીયા મસ્જીદ પાસે રહેતી રૂકસારને તેના પતિ ઇકબાલ બાબુ જુણેજાએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીમાં રહેતા રૂકસારના પિતા ગુલામ રસુલ ભટ્ટીએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રૂકસારના પ્રથમ લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ થયા બાદ પતિને દારૂ પીવાની ટેવ હોવાના કારણે ત્રણ જ માસમાં છુટાછેડા કર્યા બાદ ભગવતીપરાના ઇકબાલ બાબુ જુણેજા સાથે પુન: લગ્ન થયા હતા. ઇકબાલ જુણેજાના પણ બે અઢી વર્ષ પહેલાં મામાની પુત્રી સાથે પ્રથમ લગ્ન થયા બાદ ઇકબાલને દારૂ પીવાની કુટેવ હોવાના કારણે પ્રથમ પત્નીએ છુટાછેડા લીધા હતા.

ઇકબાલ જુણેજાના છુટાછેડા થતા તેની ભાભી સુલતાના હુસેને રૂકસાર સાથે પુન: લગ્ન કરાવ્યા ત્યારે ઇકબાલ જુણેજા દારૂ પીતો ન હોવાનું જણાવ્યું હતું. લગ્ન બાદ ઇકલાબ દારૂ પીતો હોવાનું અને કંઇ કમાતો ન હોવાથી રૂકસાર અને તેના પતિ ઇકબાલ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ગઇકાલે રૂકસારે ઘર ખર્ચ માટે પૈસા માગતા બંને વચ્ચે ઝઘડો થતા દારૂના નશામાં રહેલા ઇકબાલ જુણેજાએ તેની પત્ની રૂકસારને છરીના ઘા ઝીંકી પાડોશમાં રહેતી તેની ભાણેજ મેરૂનને હત્યા કર્યા અંગેની જાણ કરી ભાગી ગયો હતો.

મેરૂન અને તેની માતા ઝરીના ઇકબાલ જુણેજાના ઘરે જઇને તપાસ કરતા કસાર લોહીલુહાણ હાલતમાં તરફડીયા મારતી હોવાથી તેણીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવા પ્રબંધ કરાયો હતો. જયાં તેનું મોત નીપજ્યું હતું.બી ડિવિઝન પોલીસે ગુલામ રસુલ ભટ્ટીની ફરિયાદ પરથી ઇકબાલ બાબુ જુણેજા સામે હત્યાનો ગુનો નોંધી પી.આઇ. વી.જે.ફર્નાડીઝ સહિતના સ્ટાફે શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.