સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ ડો.પેથાણીએ ‘વિજય’મુહૂર્તમાં પદગ્રહણ કર્યું

127

છેવાડાના વિદ્યાર્થી સાથે સંવાદ કરીશ: કુલપતિ ડો.નીતિન પેથાણી

સારું કામ કરનાર વિદ્યાર્થી અધ્યાપક અને વિભાગને અપાશે એવોર્ડ: ઉપકુલપતિ ડો.વિજય દેસાણી

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 17માં કુલપતિ તરીકે ડો.નીતિન પેથાણી અને 13માં ઉપકુલપતિ તરીકે વિજય દેસાણીએ ‘વિજય’મુહૂર્તમાં પદગ્રહણ કર્યું હતું. સંતોની અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા પદગ્રહણ સમારોમા નવનિયુક્ત કુલપતિએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા છેવાડાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો પ્રશ્ન ઉકેલીશ. જ્યારે નવા ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, નવા વર્ષથી સારુ કામ કરનાર વિદ્યાર્થી-અધ્યાપક અને ભવનને અવોર્ડ આપવામાં આવશે.

A ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે નવા કુલપતિ ડો.નીતિન પેથાણીને સૂતરની આંટીથી સ્વાગત પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણએ કર્યું હતું અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનું સ્વાગત સિન્ડિકેટની સભ્ય ડો.નેહલ શુક્લ અને ભાવિન કોઠારીએ કર્યું હતું. આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડિઓ દ્વારા બન્નેને શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ કાર્યકારી કુલપતિ ડો.નીલાબરી દવેએ ચાર્જ છોડતા પહેલા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મને 8 માસ સુધી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અઢીલાખ વિદ્યાર્થીઓની માં બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું તે બદલ આભાર વ્યક્ત કરું છું. પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરાએ સંબોધન કરતા જણાવ્યું કે, વસંત પંચમી એ માતા સરસ્વતીનો દીવસ છે ત્યારે આજ તકે નવા કુલપતિ અને ઉપકુલપતિએ પદગ્રહણ કર્યું છે તે અભુતપૂર્વ ઘટના છે.

રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનન્દજીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ થાય તેવા મારા આશીર્વાદ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આધ્યાત્મિક શિક્ષણનો અમલ કરે તેવી મારી લાગણી અને માંગણી છે.આર્ષ વિધા મંદિરના પરમાત્માનંદ સરસ્વતીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજકોટ સ્માર્ટ સીટી જાહેર કરવાનું કામ કોર્પોરેશનનું છે પરંતુ સ્માર્ટ સિટીઝન આપવાનું કામ સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીનું છે. વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યો અને જીવન ના આદર્શો પ્રાપ્ત થાય તેવા મારા આશીર્વાદ છે.

નવનિયુક્ત કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, હું ગામડાના મધ્યમ અને ગરીબ વર્ગમાંથી આવતો વિદ્યાર્થી છું અને આવા વિદ્યાર્થીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની જવાબદારી સોંપી છે તે મારા માટે ગૌરવની વાત છે. હું વિદ્યાર્થીઓ અને શિક્ષણની સમસ્યાઓથી વાકેફ છું જેથી વિદ્યાર્થીઓની સમસ્યા જાણી તેને દૂર કરવા માટે છેવાડાના વિદ્યાર્થી સુધી સંવાદ કરીશ. ઍર્થશાસ્ત્ર ભવનની પીએચ.ડીનિની પજવણી મામલે પૂછતાં તેમને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં છેડતીના બનાવોને લઇ લાલ આંખ કરવામાં આવશે.

ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા ધર્મ કરે છે જેથી આજે ધર્મગુરૂઓના આશીર્વાદ લઈને શુભ કાર્યની શરૂઆત કરી રહ્યો છું મારા આ કાર્યમાં વિદ્યાથી હંમેશા કેન્દ્ર સ્થાને રહેશે આ સાથે જ તેમને જણાવ્યું હતું કે, હવે યુનિવર્સિટીના ભવનમાં બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ લેકચરર અને યુનિવર્સિટીમાં બેસ્ટ ડિપાર્ટમેન્ટનો એવોર્ડ એનાયત થશે.

Loading...