Abtak Media Google News

ઉપપ્રમુખ તરીકે ડો.ભગીરથસિંહ માંજરીયા, મંત્રી તરીકે ડો.કૈલાશબેન ડામોર અને સહમંત્રી તરીકે ડો.રાકેશ ભેદીની સર્વાનુમતે વરણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવિધ ભવનોમાં કાર્યરત ઓબીસી, એસટી અને એસસી કેટેગરીનાં અઘ્યાપકોની એક સભા તા.૯/૧૨/૨૦૧૯ને સોમવારનાં રોજ મનોવિજ્ઞાન ભવનનાં સેમિનાર હોલમાં મળી હતી. બેઠકનાં પ્રારંભે મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડો.યોગેશ જોગસણે ઉપસ્થિત સૌ અઘ્યાપકોને આવકાર્યા હતા. સૂટાના પૂર્વ પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, હાલનાં સમયમાં અઘ્યાપકોની મજબુત એકતા અનિવાર્ય છે તેમજ અનામત કેટેગરીનાં અઘ્યાપકોનાં બંધારણીય અધિકારોની હીફાજત માટે આ સંગઠન એક રચનાત્મક સંગઠન તરીકે પરીણામલક્ષી ભૂમિકા અદા કરશે તેવો દઢ વિશ્ર્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

સમાજશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ ડો.હરેશ ઝાલાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અઘ્યાપકોનું આ પ્રકારનું સંગઠન નિશ્ર્ચિતરૂપે અનામત વર્ગનાં અઘ્યાપકોને ન્યાય અપાવીને જ જંપશે. માનવ અધિકાર ભવનનાં ડો.ભગીરથસિંહ માંજરીયાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં આ સંગઠન દ્વારા યુવાન પ્રાઘ્યાપકોને માર્ગદર્શન અને સલાહ મળી રહેશે. અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.નવિન શાહે પોતાના વકતવ્યમાં જણાવ્યું કે, સરકારની અનામત વર્ગનાં લોકો માટેની અનામત અંગેની જોગવાઈઓ માત્ર કાગળ પરની જ રહે, વાસ્તવિક રીતે અમલમાં આવે તે આજના સાંપ્રત સમયની તાતી જરૂરીયાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નામદાર સુપ્રીમ કોર્ટ અને વિવિધ રાજયોની હાઈકોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાઓની ત્વરીત અમલવારી કરાવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આ સંગઠન હકક અને ફરજ બંને માટે જાગૃત રહે તેવી તેમણે ટકોર પણ કરેલ હતી.

7537D2F3 8

સર્વે સભાસદોએ એક સાથે દિપ પ્રાગટય દ્વારા આ મંડળની શરૂઆત (સ્થાપના) કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ અઘ્યાપકોએ બંધારણીય સમિતિની રચના કરેલ જેમાં સમાજશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ ડો.હરેશ ઝાલા, સૂટાના પૂર્વ પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, અર્થશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ, ડો.નવિન શાહ, માનવ અધિકાર ભવનનાં પ્રાઘ્યાપક ડો.ભગીરથસિંહ માંજરીયા અને નેનો ટેકનોલોજી ભવનના ડો.ભરત કટારિયાનો સમાવેશ કરેલ હતો ત્યારબાદ સર્વે સભાસદોએ સર્વાનુમતે આ સંગઠનનાં કાર્યકારી હોદેદારોની નિમણુક કરેલ હતી. જેમાં આ મંડળનાં પ્રમુખ તરીકે ડો.નવિન શાહ, ઉપપ્રમુખ તરીકે ડો.ભગીરથસિંહ માંજરીયા, મંત્રી તરીકે ડો.કૈલાસબેન ડામોર અને સહમંત્રી તરીકે ડો.રાકેશ ભેદીની નિમણુક કરવામાં આવી. વધુમાં આ મંડળનાં કારોબારી સભ્યો તરીકે ડો.યોગેશ જોગસણ, ડો.જે.એમ.ચંદ્રવાડિયા, ડો.ભરત ખેર, ડો.અમર પટેલ, ડો.પ્રભુ ચૌધરી, ડો.ભરત કટારીયા તેમજ ડો.અંજુબેન સોંદરવાનો સમાવેશ કરેલ છે.

જુલાઈ-૨૦૧૬થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવિધ ભવનોનાં અઘ્યાપકો પ્રમોશનથી વંચિત રહ્યા છે. વર્ષમાં બે વાર પ્રમોશન આપવાની જોગવાઈને અભેરાઈએ ચડાવી અને અઘ્યાપકોને લાંબા સમયથી પોતાના બઢતીના હકકથી વંચિત રાખવામાં આવેલ છે. તેમજ સીધી ભરતીની જાહેરાતમાં પણ કેટલીક તુટીઓ ઉડીને આંખે વળગે તેવી છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓબીસી, એસટી અને એસસી અઘ્યાપક મંડળની ભૂમિકા આગામી દિવસોમાં ખુબ જ મહત્વની અને ઐતિહાસિક બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.