Abtak Media Google News

હસમુખ એક હસતો રહેતો અને ખુશમિજાજ માણસ છે જેને જીવનમાં ક્યારેય દુઃખ જોયું જ નથી, દુઃખનો સામનો કર્યો જ નથી અને હંમેશાં હસતું રહેવાની તેની ટેવ છે કેમકે તેને એક બીમારી છે કે તે હસવાનું એક વાર શરુ કરે પછી તે તેના પર કંટ્રોલ મેળવી શકતો નથી અને હસ્યા જ કરે છે.

રાજેશ તેનો ખૂબ સારો મિત્ર છે. તેના પપ્પા મૃત્યુ પામ્યા છે અને રાજેશ ના ઘરે બેસણામાં તેને જવાનું છે. હવે હસમુખ ક્યારેય પણ આ રીતે કોઈના બેસણામાં ગયો નથી. તેને ખબર નથી કે ત્યાં કેવું વાતાવરણ હોય અને તેનો સામનો કઈ રીતે કરવાનો હોય. તે રાજેશના ઘરે હસતો હસતો જાય છે. બધા સામે જોરથી હસીને એમને હાથ મિલાવે છે. હસતો હસતો બધાને મળે છે અને હસતો હસતો રાજેશ પાસે જાય છે. રાજેશને રડતા જોવે છે અને પોતે હસવાનું બંધ કરવા માંગે છે પણ બંધ કરી શકતો નથી. જોરજોરથી હસ્યા કરે છે. રાજેશ તેને ચૂપ થવા કહે છે પણ હસમુખ આદતથી મજબુર છે એ કંઈ પણ કરી શકે તેમ નથી. રાજેશના ઘરે આવેલા લોકો હસમુખને જોઈને થોડા રોષે ભરાય છે અને ગુસ્સે થાય છે.

એક વડીલે કહ્યું કે બેટા તને ખબર છે તું કઈ જગ્યાએ આવેલો છે?
હસમુખે હસતા હસતા કહ્યું હા મને ખબર છે. પેલા વડીલે કહ્યું કે તને ખબર તો છે ને કે રાજેશના પપ્પા મૃત્યુ પામ્યા છે?
હસમુખ જોરજોરથી હસીને કહે છે કે હા મને ખબર છે કે રાજેશ ના પપ્પા મૃત્યુ પામ્યા છે. વડીલે કહ્યું કે તો તું આવા પ્રસંગે શું કામ આ રીતે હસી રહ્યો છે?
હસમુખે કહ્યું મને મજા આવે છે આટલું સાંભળતા જ પહેલા વડીલે હસમુખને એક ઝાપટ મારી. ત્યાં બીજા લોકો પણ આવી પહોંચ્યા અને થોડી વધારે બોલાચાલી થઇ. હસમુખ હસતા હસતા બોલ્યો કે મને સાંભળો. લોકોએ એને બોલવા માટે મોકો આપ્યો. હસમુખે જોરજોરથી હસતા હસતા કહ્યું મને ખબર છે રાજેશના પપ્પા મૃત્યુ પામ્યા છે પણ મને મજા આવે છે આટલું સાંભળતા જ બધા લોકો તેને ફરીથી મારવા લાગ્યા.

હસમુખ પાછો બોલ્યો પહેલા મને સાંભળી તો લ્યો. મને ખબર છે રાજેશ ના પપ્પા મૃત્યુ પામ્યા છે પણ મને મજા આવે છે આટલું સાંભળતા ફરી એક વાર બધા લોકોએ તેને ખૂબ માર્યો.
હસમુખ જોરજોરથી હસતાં હસતાં બોલ્યો કે મને એકવાર ખાલી સાંભળી લ્યો પછી તમારે ગમે એટલું મારવું હોય મારી લેજો પણ પહેલા મને એક વાર સાંભળી લ્યો.
લોકોએ તેને ફરીથી બોલવા માટે મોકો આપ્યો ત્યારે હસમુખ બોલ્યો કે મને ખબર છે રાજેશ ના પપ્પા મૃત્યુ પામ્યા છે પણ મને મજા આવે છે એવું નથી.
હું હસી રહ્યો છું કેમ કે એ મારી ટેવ છે, આદત છે, મારી બીમારી છે અને હું તેને કંટ્રોલ નથી કરી શકતો. આવો પ્રસંગ મારા જીવનમાં પહેલી વાર આવ્યો છે. ત્યારે બધાને સમજાયું કે તેને હસવાની બીમારી છે. પછી બધાએ તેને છોડી દીધો એને હસમુખ રાજેશ ની રજા લઈને ત્યાંથી ગયો.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.