Abtak Media Google News

સરકારની પૂર્વ મંજુરી વગર કરાયેલા પ્રતિનિયુકિતનાં હુકમો રદ કરવાનો આદેશ: પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો પરિપત્ર

રાજયની જિલ્લા પંચાયતોને કર્મચારીઓની પ્રતિનિયુકિત માટે હવે ફરજીયાત સરકારની મંજુરી લેવી પડશે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કરીને તમામ જિલ્લા વિકાસ અધિકારીને જણાવાયું છે કે પંચાયત સેવાના વર્ગ-૩ અને વર્ગ-૪નાં કર્મચારીઓની પ્રતિનિયુકિત કરવા માટે જિલ્લા પંચાયતોએ ફરજીયાતપણે સરકારમાં દરખાસ્ત કરવાની રહેશે. ઉપરાંત સરકારી પૂર્વ મંજુરી વગર કરાયેલા પ્રતિનિયુકિતનાં હુકમો રદ કરવાના પણ આદેશો આપવામાં આવ્યા છે.

રાજયની અમુક જિલ્લા પંચાયતો દ્વારા પંચાયત સેવાનાં કર્મચારીઓની અન્ય વિભાગો હેઠળની કચેરીઓમાં પ્રતિનિયુકિત કરવામાં આવતી હોવાની ફરિયાદો પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને મળી હતી. જેના પગલે વિભાગે એક પરિપત્ર જાહેર કરીને રાજયભરની જિલ્લા પંચાયતોનાં જિલ્લા વિકાસ અધિકારીઓને તે પરીપત્ર મોકલ્યો છે. તેમાં જણાવાયું છે કે, સરકારના ધ્યાને આવેલ છે કે અમુક જિલ્લા પંચાયતો દ્વારા પંચાયત સેવાના કર્મચારીઓને આ વિભાગની પૂર્વ મંજુરી લીધા સિવાય અન્ય વિભાગો હેઠળની કચેરીઓમાં પ્રતિનિયુકિત હેઠળ મુકવાના હુકમો કરવામાં આવે છે. વિવિધ જિલ્લાઓમાંથી આ પ્રકારની રજુઆતો પણ આ વિભાગને મળેલ છે.

જિલ્લાઓમાં વિવિધ કેડર પર ફરજ બજાવતા પંચાયત સેવા વર્ગ-૩ તથા વર્ગ-૪ના કોઈ કર્મચારીને અન્ય જિલ્લામાં આ વિભાગ હેઠળની ખાતાના વડાની કચેરીઓમાં કે અન્ય વિભાગની સમાન કેડરવાળી જગ્યા પર પ્રતિનિયુકિત પર મોકલવા અંગેની દરખાસ્ત જે-તે જિલ્લાના જે-તે સંવર્ગના સંખ્યાબળને ધ્યાને રાખીને આ વિભાગને પૂર્વ મંજુરી માટે મોકલવાની રહેશે. સરકારની પૂર્વ મંજુરી વગર પ્રતિનિયુકિતનાં કોઈપણ હુકમ જિલ્લા પંચાયત કચેરી દ્વારા કરી શકાશે નહીં. સરકારની આ સુચનાઓની કાળજીપૂર્વક આથી અમલવારી કરવાની રહેશે.

વધુમાં આ વિભાગની પૂર્વ મંજુરી વગર કોઈ કર્મચારીના હુકમો કરેલ હોય તો તાત્કાલિક અસરથી તેવા હુકમો રદ કરીને તે પ્રતિનિયુકિતથી ગયેલ કર્મચારીને મુળ મહેકમે પરત મુકવાની કાર્યવાહી કરવી અને તે અંગેની જાણ આ વિભાગને સત્વરે ઈ-મેઈલથી કરવા આદેશ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.