Abtak Media Google News

૫૦ કિલો ઘઉં, ૧૦ કિલો તેલ, ૫ કિલો ચોખા, વિવિધ દાળ-મસાલા સહિત ૨૧ ખાદ્યચીજોનો કિટમાં સમાવેશ

ઉમિયા માતાજી સંસ્થાન, પટેલ સેવા સમાજ અને પટેલ પ્રગતિ મંડળનું સ્તૃત્ય કાર્ય

કોરોના વાઈરસને કારણે ગંભીર બિમારી પ્રસરતી અટકાવવાનાં અનિવાર્ય પગલા તરીકે સરકારે અમલી બનાવેલા લોકડાઉનના કારણે અનેક જરૂરીયાતમંદ પરીવારો આફતમાં મુકાયા છે. રોજમદારી આવક પર નિર્વાહ કરતા પરિવારો તો વધુ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કડવા પાટીદાર સમાજના ઉતકર્ષ માટે અનેકવિધ પ્રવૃતિ કરતા ઉમિયા માતાજી સંસ્થાન (રાજકોટ), પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) તથા પટેલ પ્રગતિ મંડળ (ફિલ્ડ માર્શલ વાડી) દ્વારા રાજકોટ, વેરાવળ-શાપર, મેટોડા, કુવાડવા, પારડી વિગેરે વિસ્તારોમાં રહેતા કડવા પટેલ સમાજના જરૂરીયાતમંદ ૧૧૦૦ પરિવારને આગામી ત્રણ માસ ચાલે તેટલી રાશનકિટ માં ઉમિયાની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવી છે. આ સંસ્થાનાં પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)એ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે તો મુશ્કેલી ઉભી થઈ છે ઉપરાંત લોકડાઉન પછીના એકાદ-બે માસનો સમયગાળો રોજ-રોજનું કમાઈને નિર્વાહ કરતા પરીવાર માટે મુશ્કેલ બની રહેશે તેવી આગવી દ્રષ્ટિ સાથે જીવન નિર્વાહ માટે અત્યંત જરૂરી કુલ ૨૧ વસ્તુઓ ત્રણ માસ ચાલે તેટલા જથ્થામાં આ રાશન કિટમાં સામેલ કરવામાં આવી છે. એક કિટનો અંદાજે ૧૦૦ કિલો વજન થાય તેટલી મોટી કિટ જરૂરીયાતમંદ પરીવારને ઘેર-ઘેર પહોંચતી કરવામાં આવી છે. આ કીટમાં ૫૦ કિલો ઘઉં, ૧૦ કિલો સિંગતેલ, ૫ કિલો ચોખા, ૫ કિલો ખાંડ, ચા, વિવિધ દાળ, નમક, બટેટા, લસણ, ડુંગળી, સાબુ, વિવિધ મસાલા સહિત કુલ ૨૧ ખાદ્ય ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રૂા.૫૫ લાખનાં ખર્ચે ૧૧૦૦ કીટ તૈયાર કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, આ લાભાર્થી પરિવાર માસ્ક વગર કયાંય બહાર ન જાય તે વાત ધ્યાને લઈ દરેક કીટમાં ચાર માસ્ક પણ આપવામાં આવ્યા છે. આ અંગેના આયોજનની વિગતો આપતા અરવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, ગત તા.૧૩ થી તા.૨૫ એપ્રિલ સુધી રાજકોટ, શાપર-વેરાવળ, મેટોડા, પારડી, કુવાડવા વિગેરે સ્થળે વસતા પરિવારોને જરૂરીયાત હોય તો જણાવવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત ઘણા પરીવારો પોતાનું નામ નોંધાવામાં પણ ક્ષોભ અનુભવતા હોય તો તેવા પરિવારને કાર્યકરોએ શોધીને યાદી તૈયાર કરવામાં આવી. જરૂરીયાતમંદ કોઈ બકાત ન રહે, પણ બિનજરૂરી કોઈ ગેરલાભ પણ ન ઉઠાવે તેવી તકેદારી સાથે કુલ ૧૧૦૦ પરીવારની યાદી તૈયારી કરવામાં આવી હતી.

વિવિધ ચીજોની જથ્થાબંધ ખરીદી કરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કિટ તૈયાર કરવામાં આવી હતી. કિટ તૈયાર કરવા માટે કાર્યકરોએ કામ કરતી વખતે માસ્ક પહેરી રાખવા, સેનીટાઈઝેશનની પુરી વ્યવસ્થા કરી અને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કામ શરૂ કર્યું. આ રીતે કીટ તૈયાર કરવામાં મુશ્કેલી થતી હતી પરંતુ સમાજનું કોઈ કુટુંબ સહાયથી વંચિત ન રહે તેવી ભાવના અને માં ઉમિયાની શકિતને કારણે ૧૧૦૦ કીટ ટુંકાગાળામાં તૈયાર થઈ શકી. વહિવટીતંત્ર પાસેથી પૂર્વ મંજુરી મેળવી આ માં ઉમિયા પ્રસાદી રાશન કિટ વાહનમાં ભરી વિવિધ વિસ્તારમાં વિતરણ માટે રવાના કરવામાં આવી તે પહેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે માં ઉમિયાજી સમક્ષ કીટમાં સામેલ સમગ્ર કિટની ચીજોનો થાળ ધરવામાં આવ્યો હતો અને કાર્યકરોએ માં ઉમિયાની આરતી કરી હતી. આ સમયે પણ સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક વિગેરે સરકારની સુચનાનું પુરુ પાલન કરવામાં આવ્યું હતું. જરૂરીયાતમંદ લોકો સુધીમાં ઉમિયા પ્રસાદી રાશન કિટ પહોંચાડવામાં કાર્યકરોએ ઉઠાવેલી જહેમત અને દાતાઓના સહયોગ બદલ ત્રણેય સંસ્થા તરફથી અરવિંદભાઈ પટેલે આભારની લાગણી વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.