કોરોના રોગચાળાની વિગતો જાહેર કરવામાં વિસંગતતા

રોગચાળો વઘ્યો કે ઘટયો તે નકકી થઇ શકતું નથી

કોરોનાના નવા કેસ બહાર આવ્યા બાદ ક્નટેઇનમેન્ટ અને બફર ઝોન તત્કાલ જાહેર કરતા ઉઠતી માંગ

જામનગરમાં કોરોનાના આંકડા જાહેર કરવામાં વિસંગતા હોવાથી લોકોમાં દ્વિધા થાય છે. જેને વિસ્તારમાં કોરોનાના દર્દી મળ્યા બાદ એવા વિસ્તાર મિડિયાના માઘ્યમથી ક્નટેઇજમેન્ટ બફર ઝોન જાહેર કરવા જોઇએ.

કોરોના મહામારીમાં નિયમોના પાલન માટે લોકોને સતત જાગૃતિ દર્શાવી અમલવારી કરવા, કરાવવા સરકારના વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ દ્વારા સતત અનુરોધ-અપીલ કરવામાં આવે છે અને લોકોને કોરોના સંબંધી છેલ્લામાં છેલ્લી વિગતો મળે તે માટે તમામ ન્યૂઝ ચેનલ, સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયામાં સત્તાવાર રીતે માહિતી આપવામાં આવે છે.

કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા કોરોના પોઝિટિવ દર્દીના નામ, પૂરેપૂરા સરનામા, ઉંમર સહિતની વિગતો જાહેર કરવાની પદ્ધતિથી પોઝિટિવ કેસના પરિવારજનો, તેના પાડોશીઓ, તેના વિસ્તારના લોકોને કોરેન્ટાઈન થવાની પણ જાણ થાય છે. એટલું જ નહીં, તે એપાર્ટમેન્ટ, શેરી-ગલી કે વિસ્તારમાં જતા-આવતા લોકોને પણ ખબર પડે છે. આ ઉપરાંત કોરોના દર્દીઓની સંખ્યા, મૃત્યુની સંખ્યા, ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યાની જાણકારીથી આમપ્રજામાં ચિંતા દૂર થઈ શકે છે અને રાહત થઈ શકે છે.

આવા ખતરનાક ચેપીરોગના ભેદી સંક્રમણ અંગે જામનગરના વહીવટી તંત્ર દ્વારા કોરોના સંદર્ભમાં દરરોજ જે આંકડાકીય વિગતો આપવામાં આવતી હતી તેમાં હવે શહેરી વિભાગ માટે મહાનગરપાલિકા અને શહેર સિવાયના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને જવાબદારી અને કામગીરી સોંપવામાં આવી છે. છેલ્લા થોડા દિવસોથી જામનગર શહેર/જિલ્લાની જે આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે તેનો કોઈ નિશ્ચિત સમય નથી અને કટકે-કટકે સોશ્યલ મીડિયામાં સંખ્યા, નામ વગેરે જાહેર થતાં હોવાથી ખરેખર તારીખ પ્રમાણે એક દિવસમાં (છેલ્લા ર૪ કલાકમાં) કેટલા નવા પોઝિટિવ કેસ નોંધાયા, કેટલા દર્દી સાજા થઈને ડિસ્ચાર્જ થયા, કેટલાના મૃત્યુ નિપજ્યા તે અંગે કોઈ ચોક્કસ આંકડા મળતા નથી. પરિણામે ટૂકડે ટૂકડે મળતી વિગતોને એકઠી કરીને દરેક મીડિયા પોતાની રીતે તેને જાહેર કરે છે.

સ્થાનિક જામનગર શહેર/જિલ્લાની વાત કરીએ તો જામનગર શહેર/જિલ્લાની આંકડાકીય વિગતો જાહેર કરવા માટે દરરોજ બપોરે ૧ર વાગ્યાનો સમય નક્કી કરવો જોઈએ. દા.ત. તા. ૩૦ મી જુલાઈના બપોરે ૧ર થી આજની તાર. ૩૧ મી જુલાઈના બપોરે ૧ર વાગ્યા સુધીના આંકડા જાહેર કરવાની પદ્ધતિ અપનાવવાની જરૃર છે. જેથી સાંધ્ય દૈનિક, ન્યૂઝ ચેનલો, સોશ્યલ મીડિયા સહિતના તમામ માધ્યમો દ્વારા લોકોને છેલ્લા ર૪ કલાકની વિગતો વ્યવસ્થિત રીતે મળી શકે, અને જાણકારી મળી શકે.

પણ ઉપર જણાવ્યું તેમ કોઈપણ જાતના સંકલન વગર મનફાવે તેમ, જે તે વિભાગને જ્યારે જાણ થાય કે તરત પોતાની રીતે નામ-સંખ્યા જાહેર કર્યા કરે છે. તેથી આંકડામાં ભારે ગોટાળા થઈ રહ્યા છે અને ખરેખર શું સ્થિતિ છે તેની સાચી માહિતી મળતી નથી. આગલા દિવસના બપોરે ૧ર થી બીજા દિવસના ૧ર વાગ્યા સુધીમાં કોરોનાના નવા પોઝિટિવ કેસની સંખ્યા, આ ર૪ કલાકમાં સાજા થઈ ડિસ્ચાર્જ થયેલા વ્યક્તિની સંખ્યા, મૃત્યુ થયા હોય તો મૃત્યુની સંખ્યાની જાહેરાત કરવાની પદ્ધતિ અપનાવવાની ખાસ જરૃર છે અને તમા સ્તરેથી ઊઠવા પામેલી માંગણી છે. આ ઉપરાંત અત્યારે સરકારી કોવિડ હોસ્પિટલમાં કેટલા કોરોના દર્દી સારવાર હેઠળ છે, તેમાંથી કેટલા વેન્ટીલેટર પર છે, તેની વિગતો પણ જાહેર કરવી જ જોઈએ.

ક્ધટેનમેન્ટ વિસ્તારો જાહેર કરવામાં પણ ભારે વિલંબ થઈ રહ્યો છે. એક તો કોરોના દર્દીના નામ-સરનામાની યોગ્ય સમયે યોગ્ય રીતે જાહેરાત થતી નથી. તેમાં જે તે વિસ્તારને ક્ધટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આઠ-દસ કે વધુ કલાકોનો વિલંબ થાય છે. પરિણામે તે પોઝિટિવ કેસના વિસ્તારમાં આ આઠ-દસ કે વધુ કલાકો માટે લોકોની અવરજવર, સંપર્કો ચાલુ રહે છે અને સાવચેતી રાખવામાં આવતી નથી. પરિણામે આ સમય દરમિયાન પણ સંક્રમણ ફેલાવાની શક્યતા નકારી શકાતી નથી. કદાચ વહીવટી દૃષ્ટિએ વિસ્તારના મકાનો નામ, શેરી-ગલીના નામ વગેરેની ખરાઈ કરીને તે અંગેના હુકમના કાગળિયા તૈયાર કરવામાં સમય લાગતો હશે, પણ તે કાર્યવાહી ભલે થાય, તે દરમિયાન જે તે વિસ્તારને મીડિયાના માધ્યમથી તાત્કાલિક ક્ધટેન્ટમેન્ટ ઝોન/બફર ઝોન જાહેર કરી દેવો જોઈએ.

છેલ્લા થોડા દિવસોથી જામનગર શહેર/જિલ્લામાં જે રીતે આંકડાકીય વિગતો જાહેર થઈ રહી છે તેમાં ભારે અસમંજસ થઈ રહી છે. કોઈને સમજ ન પડે તેમ આંકડા વધઘટ થાય છે. તેમાં ય ખાસ કરીને મૃત્યુના આકંડામાં તો કદાચ ઉપરથી સૂચના હોય, અગાઉ જાહેર કરાયેલા આંકડામાં અને પછીથી જાહેર થયેલા આંકડા સત્તાવાર રીતે ઘટાડેલો આંકડો દર્શાવાય છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ સાંજે સત્તાવાર રીતે આખા રાજ્યના તમામ જિલ્લાઓની આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવે છે. તેમાં સ્પષ્ટ રીતે છેલ્લા ર૪ કલાકમાં નવા નોંધાયેલા પોઝિટિવ કેસ, ડિસ્ચાર્જની સંખ્યા, મૃત્યુની સંખ્યા સાથે આ ત્રણેય બાબતોમાં કુલ આંકડા દર્શાવાય છે. તે ઉપરાંત આખા રાજ્યમાં હાલ કેટલા દર્દી વેન્ટીલેટર પર છે તેનો આંકડો પણ જાહેર થાય છે.

તો આવી જ પદ્ધતિ શા માટે જામનગર શહેર/જિલ્લા માટે અખત્યાર કરવામાં આવતી નથી? દરરોજ બપોરે ૧ર વાગ્યે શહેર અને ગ્રામ્ય વિસ્તારના આંકડાઓનું વ્યવસ્થિત રીતે સંકલન કરી તેની જાહેરાત કરવાની પદ્ધતિ અપનાવવાથી લોકોને ખાસ કરીને સ્થાનિક સાંધ્ય અખબારોના માધ્યમથી સાચી અને સંતોષકારક અને ગરબડ કે ગેરસમજ ન ફેલાય તેવી માહિતી મળી રહેશે.

Loading...