Abtak Media Google News

તંત્રે વિડિયોગ્રાફી નહિં કરતા આરટીઆઈ એકિટવીસ્ટ અદાલતના દ્વાર ખટખટાવશે

લાલપૂરના મોડપર-દલતુંગી વચ્ચેના જર્જરિત રસ્તાની વિડિયોગ્રાફી કરવા માહિતી આયોગના આદેશનો ઉલાળ્યો તંત્રે વિડિયોગ્રાફી નહિં કરતા આરટીઆઈ એકિટવીસ્ટ અદાલતના દ્વાર ખટખટાવશે

લાલપુરના મોડપરથી દલતુંગી વચ્ચેના જર્જરિત રસ્તા અંગે આર.ટી.આઈ. એકિટવીસ્ટે રજૂઆત કરી હતી. જેના પગલે માહિતી આયોગે તંત્રને વિડિયોગ્રાફી કરવાનાં આદેશ આપ્યા હતા. જો કે તંત્રએ વિડિયોગ્રાફી કે રોજકામ ન કરતા અરજદાર હવે અદાલતમાં ઘા નાખશે.

લાલપુર તાલુકાના મોડપરથી દલતુંગી વચ્ચેનો રસ્તો વર્ષ ર૦૧૮ માં નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટરે આખો રસ્તો નવો કરવાને બદલે અમુક-અમુક જગ્યાએ જ ડામર પાથરી ’લોટ પાણીને લાકડા’ જેવું કામ કર્યું હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. આ રસ્તામાં ર૬ ગાબડા તથા ૧૪ જગ્યાએ ભયજનક ખાડા પડેલા છે. પીસીસી પુલ તૂટી ગયેલો છે. આ રસ્તાના નિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચાર થયો હોવાના અણસાર દેખાતા મોડપરના કિરણકુમાર ખેરાભાઈ ફફલે તા. ૧૦-૪-ર૦૧૯ માં આર.ટી.આઈ. દ્વારા માહિતી માંગી હતી, પરંતુ પૂરતી માહિતી ન મળતા તા. ર૦-૭-ર૦૧૯ ના પ્રથમ અપીલ કરવામાં આવી હતી જેને પગલે માહિતી અધિકારીએ અરજદારને માહિતી આપવા હુકમ કર્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નહતી. આ મુદ્દે અરજદાર કિરણકુમારે રાજ્ય માહિતી આયોગમાં અપીલ કરી હતી. આયોગ દ્વારા તા. રર-૭-ર૦ર૦ ના દિને જર્જરીત રસ્તાની વીડિયોગ્રાફી કરવા તથા રોજ કામ કરવાનો આદેશ જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓને કરવામાં આવ્યો હતો માહિતી આયોગના આદેશ છતાં તંત્ર દ્વારા નિયત દિને વીડિયોગ્રાફી કે રોજકામ કરવામાં ન આવતા અરજદારે હવે અદાલતના દ્વાર ખટખટાવવાની તૈયારી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.