ડિજિટલ રસી: રસીકરણ નો આધુનિક અધ્યાય

આ ડિજિટલ રસી ફક્ત કોરોના પ્રત્યે શરીરને પ્રતિકારક જ નથી બનાવતી પરંતુ કોરોના તથા તેના જેવા ભવિષ્ય ના રોગો સામે પણ લડવા શક્તિ પણ પૂરી પાડે છે

હાશ! આ કોરોના ની રસી આવી ખરી. આટલા મહિના થી કોરોના ની લાજ કાઢતા હોય એમ મોં ઢાંકી ને ફરીએ છીએ. આખી દુનિયા ઊંધે માથે તપ કરે છે. પરંતુ હવે આખરે વહેલી-મોડી રસી લાગશે ખરી અને પછી આ કોરોના ની પડદા પ્રથા થી છૂટકારો. રસીકરણ ના પહેલા ચરણ માં ૧ કરોડ સ્વાસ્થ્ય કર્મચારીઓ તથા ૨ કરોડ બીજા કોરોના યોદ્ધાઓ ને સમાવવા માં આવશે. મહિનાઓ થી જે ક્ષણ ની આખું વિશ્વ મીટ માંડી ને બેઠું છે તે ક્ષણ હવે નજીક જ છે.

સ્વદેશી કોવેક્સિન અને હાર્વર્ડ યુનિવર્સિટી ની કોવિશીલ્ડ ભારત ના પ્રથમ ચરણ માં વિશ્વઘાતક કોરોનાને પછાડવા હથિયારરૂપ સાબિત થશે. આ સાથે આપણાં ગુજરાત માં આવેલ અગ્રણી ફાર્મા કંપની ઝાયડસ દ્વારા બનાવવા માં આવેલ રસી પણ ટૂંક સમય માં એક ગરવી ગુજરાતી હથિયાર તરીકે કોરોના ને માત આપશે. મહિનાઓ થી દેશ ના ઠેર ઠેર રસી પહોંચાડવા તથા સંગ્રહ કરવા જંગી ધોરણે કાર્યવાહી ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી દ્વારા બંને રસી ની અસરકારકતા નું આશ્વાસન આપવા માં આવ્યું હતું. આ સાથે ભારત હવે વિશ્વ ના સૌથી મોટા રોગ પ્રતિરક્ષણ તરફ પગલાં માંડી રહ્યું છે.

આ રસી શું મને મળશે ખરી?

જો આંકડાઓ તરફ જઈએ તો, એક કરોડ ને વટાવી દેતા કોરોના ના આંકડા માથી લગભગ આજે ૨ લાખ ૨૮ હજાર સક્રિય દર્દીઓ છે. સવા સો કરોડ ની વસ્તી વાળા ભારત દેશ માં દરેક ને રસી લાગતાં ઘણો સમય લાગી શકે. વસ્તી ના સંદર્ભ માં વિશ્વ ના બીજા સૌથી મોટા દેશ ના રસીકરણ નું કામ એ એક આગવો પડકાર છે. પહેલા ચરણ માં માંડ આપણે લગભગ ૬ થી ૭ કરોડ રસી નો પ્રબંધ થઈ શકે એમ છે. દરેક ને ૨ વખત આ રસીકરણ કરવું આવશ્યક છે. આ પરિસ્થિતી માં ભારત તથા વિશ્વ ના દેશો એ હવે એક નવા વિચાર તથા સિદ્ધિઓ તરફ પોતાની ડોક ફેરવવી જોઈએ. વર્ષો થી ચાલતા સ્વાસ્થ્ય રસીકરણ ને કોઈ રચનાત્મક સંશોધન થી અદ્યતન બનાવવું એ સમય ની માંગ છે. પરંપરાગત દ્રષ્ટિ થી જોતાં આપણે આખા વિશ્વ ને કોરોના મુક્ત કરવા વર્ષો લાગી જશે, પરંતુ જો આપણે ટેક્નોલોજી અને ડિજિટાઈઝેશન ના ચશ્મા પહેરી ને જોશું તો કદાચ કોઈ નવી પ્રકાશિત તરંગ દેખાઈ શકે.

ટેક્નોલોજી અને ડિજિટાઈઝેશનના ચશ્મા

કોરોના ની રસી ની શોધખોળ ને ઝડપ આપવા વિવિધ સંસ્થાઓ દ્વારા આધુનિક ડેટા સાઇન્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ નો ઉપયોગ થયો હતો, પરંતુ આ રસી ને જ ડીજીટાઇઝ્ડ બનાવી દેવા વિશે કોઈ રણશિંગુ ફૂંકાયું નહોતું. રસપ્રદ વાત એ છે કે ભારત દેશ માં આ રોગચાળા ની લાંબી લપ ને હમેશા માટે ભૂતળ માં દાટી દેવા એક ચળવળ જરૂર શરૂ થઈ છે.

જ્યારે પણ આપણને માથું દુખે કે કોઈ બીજી બીમારી થાય ત્યારે આપણે કોઈ ને કોઈ દવા લઈએ છીએ. તકલીફ ની દવા લઈ લીધી છે અને એનાથી બધુ મટી જશે એ વિશ્વાસ થી જ આપણી અડધી બીમારી દૂર થઈ જાય છે. કોઈ વખત એવું પણ બની શકે કે દવા ના નામે દવા જેવી દેખાતી પીપર ખવડાવી દે તો પણ તકલીફ મટી જાય. આપણું મગજ આ જ આપણા વિશ્વાસ થી એવી પ્રક્રિયા કરે છે જેથી આપણાં શરીર ની રોગપ્રતિકારક પ્રણાલી પોતે જ આ રોગ સામે અવરોધી શક્તિ મેળવી લે છે. મેડિકલ ભાષા માં આ અસર ને પ્લાસિબો ઇફેક્ટ કહેવાય છે. કોઈ પણ રસીકરણ ની શોધ બાદ તેની અજમાઈશ કરવા આ ઇફેક્ટ ખૂબ મહત્વ નો ભાગ ભજવે છે. આપણાં મગજ પાસે એવી ક્ષમતા છે કે તે શરીર માં રોગો સામે રક્ષણ કરતી પ્રતિરોધક લાક્ષણિક્તા વિકસિત કરી શકે.

પેન્સિલવેનિયા માં આવેલ કારનેજી મેલોન યુનિવર્સિટી તથા ભારત ના એક સ્ટાર્ટઅપ ફ્રેન્ડ્સલર્ન દ્વારા એક મોબાઇલ ગેમ બનાવવા માં આવી. બાળકો માટે બનાવેલી આ ગેમ બજાર માં મળતા જંક ફૂડ સામે પૌષ્ટિક અને સમતોલ આહાર વચ્ચે એક લડત બતાવે છે. આ ગેમ થી એક એવું વાતાવરણ બનાવવા માં આવ્યું છે કે જેનાથી બાળકો ને બહાર ના ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થ ની આડઅસરો જોવા મળે. ઘરે બનાવેલ શુદ્ધ અને પૌષ્ટિક આહાર થી શરીર ને સ્વસ્થ બનાવી શકાય એવું આ એપ ખૂબ જ સારી રીતે શીખવી જાય છે.  પેન્સિલવેનિયા સ્થિત યુનિવર્સિટીએ આ પ્રયોગ મોબાઇલ ગેમ તરીકે બહાર પડતાં પહેલા ૧૦૦૦ બાળકો પર અજમાવ્યો હતો. આ ગેમ થી બાળકો ની ખાદ્યવર્તણૂક માં ખાસ્સો એવો સકારાત્મક પ્રભાવ પડ્યો હતો. અત્યારે આ ફૂયા ગેમ એંડરોઈડ અને આઇઓએસ એપ સ્ટોર માં ઉપલબ્ધ છે.

શક્યતાઓનો ઉપસંહાર

આપણાં માણસ પર કોઈ એક ટેવ કે ચિત્ર સ્થાપવા માં આવે તો તે આપણાં શરીર માં પણ જ્ઞાનતંતુઓ દ્વારા વિવિધ ફેરફાર કરી શકે છે. આપણી આસપાસ ના વાતાવરણ પ્રત્યે આપણાં જ્ઞાનતંતુઓ સજાગ હોય છે. આજ સિધ્ધાંત હેઠળ ડિજિટલ માધ્યમ થી આપણી ટેવો તથા આપણાં સ્વાસ્થ્ય ને પણ સંતુલિત કરી શકાય છે.

કારનેજી યુનિવર્સિટી અને ફ્રેન્ડ્સલર્ન હવે તેમના ડિજિટલ રસીકરણ ના આ પ્રયોગ ને કોરોના માટે ઉપયોગ માં લઈ રહ્યા છે. તેઓ વિશ્વ ની સૌપ્રથમ ડિજિટલ રસી બનાવવા જઈ રહ્યા છે. તેઓ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ તથા વર્ચુયલ રિઆલિટી ની મદદ થી એક એવું વાતાવરણ બનાવશે જે લોકો ને કોરોના થી મુક્તિ અપાવશે. કારનેજી યુનિવર્સિટી એ આર્ટિફિકલ ઇન્ટેલીજન્સ નું જન્મસ્થળ છે. ઘણા સમય થી ડિજિટલ રસીકરણ વિશે પ્રયોગો કરી રહી છે. વિશ્વ ની પ્રથમ ડિજિટલ રસી એફવાયએ – ૦૦૩ નું હ્યૂમન ટ્રાયલ શરૂ થઈ ચૂક્યું છે. જો આ ડિજિટલ રસી અસરકારક નીવડશે તો આરોગ્ય ક્ષેત્રે એક અભૂતપૂર્વ સિદ્ધિ ગણાશે. ઘર બેઠા ફક્ત એક મોબાઇલ એપ ડાઉનલોડ કરી ને રોગપ્રતિકારક બની શકાશે.

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ એ પરંપરાગત રસી ની ઝડપ જરૂર થી વધારી છે પરંતુ હજુ આપણે ડિજિટલ દુનિયા ની લાખો સંભાવનાઓ સુધી પહોંચ્યા નથી. ડિજિટલ રસી કોરોના માટે અનહદ ઉપયોગી પુરવાર થઈ શકે એમ છે. આપણે લોકડાઉન સમયે જોયું કે લોકો માં માસ્ક પહેરવા, સ્વચ્છતા જાળવવા, હાથ નિયમિત ધોવા તથા શારીરિક અંતર માટે સજાગતા ફેલાવવા ખૂબ જ પ્રયાસો કરવા પડ્યા હતા.

આ છતાં પણ લોકો માં માસ્ક સંબંધી બેદરકારી જોવા મળી હતી. કારનેજી યુનિવર્સિટી અને ફ્રેન્ડ્સલર્ન ની આ મોબાઇલ ગેમ લોકો ને કોરોના સંબંધી કાળજી રાખવા માટે પ્રોત્સાહિત કરી શકત. લોકડાઉન માં ઘરે નવરા બેઠા યુવાનો ચાઇનિઝ ગેમ ની જગ્યાએ જો આપના દેશ માં બનેલ આ ગેમ રમ્યા હોત તો કદાચ કોરોના સંબંધી ઘણી જાગૃતિ ફેલાવી શક્યા હોત. જે લોકો કોરોના વિશે ના જોખમો થી સાક્ષર નહોતા તેઓ આ ગેમ થી કદાચ સ્વચ્છતા ની નવી ટેવો વિકસાવી શક્યા હોત. આ ડિજિટલ રસી ફક્ત કોરોના પ્રત્યે શરીર ને પ્રતિકારક જ નથી બનાવતી પરંતુ કોરોના તથા તેના જેવા ભવિષ્ય ના રોગો સામે પણ લડવા સૂટેવો પણ પૂરી પાડે છે.

ભાર્ગવ શ્રીપ્રકાશ દ્વારા સ્થાપવા માં આવેલ ફ્રેન્ડ્સલર્ન ભારત જેવા વિવિધતાસભર દેશ ને પણ ડિજિટલ રસી ની ધારા દ્વારા સિંચી શકે છે. ફ્રેન્ડ્સલર્ન દ્વારા બનાવવામાં આવેલ આ ડિજિટલ રસી અલગ અલગ વિસ્તારો ની રોજ ની ટેવો તથા રીતભાત મુજબ મોબાઇલ ગેમ બનાવવા નું લક્ષ્ય સાધી રહી છે.

વિશ્વ ભાર માં સૌપ્રથમ એક એવો રોગચાળો ફેલાયો છે જેને વિશ્વ ભાર ને હંફાવી દીધા. કરોડો લોકો અસરગ્રસ્ત થયા. વર્તમાન સમય ના આ એકસ્ટ્રા ઓર્ડિનરી સંકટ ને બિનપરંપરાગત રીતે નેસ્તનાબૂદ કરવું પડશે. ભવિષ્ય માં પણ જો કોઈ આવી મુશ્કેલી આવે તો આધુનિકતા ની ભેટ એવી ટેક્નોલોજી ના હટકે ઉપયોગ થી યુદ્ધ આદરવું પડશે.

તથ્ય કોર્નર

  • આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ નો જન્મ પેન્સેલવેનિયા સ્થિત   કારનેજી મેલોન યુનિવર્સિટી માં થયો હતો.
  • ડિજિટલ રસી એ પ્રોફેસર રેમાંપદ્મન ની આગેવાની હેઠળ હૈંન્ઝ કોલેજ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ, કારનેજી મેલોન યુનિવર્સિટી અને ફ્રેન્ડ્સલર્ન નામના સ્ટાર્ટઅપનો સંયુક્ત પ્રયાસ છે.
  • કોઈ પણ રસી કે દવા ની લગભગ ૫૦ ટકા અસર પ્લાસિબો ઇફેક્ટને આભારી છે.
Loading...